રાજ્યના શિક્ષણ તંત્રના અણઘડ વહીવટ અને RTE નું યોગ્ય અમલીકરણ ન થવાથી, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે પાછળ : RTE ફોરમ

238

અમદાવાદ : ગુજરાત આર.ટી.ઇ ફોરમ દ્વારા એક દિવસીય કન્સલ્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંયોજક મુજાહિદ નફીસએ જણાવ્યુ હતું કે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાતંત્રની અણઘડ વહીવટને અને શિક્ષણ મૂળભૂત અધિકાર અધિનિયમ 2009નું યોગ્ય અમલીકરણ ન થવાને કારણે ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે સતત પાછળ ધકેલાઇ રહ્યું છે. ગુજરાત સરકાર વધુ સુવિધા અને એક્સેલન્સના નામે વર્લ્ડ બેન્ક પાસેથી 500 મિલિયન ડોલર જેટલી માતબર રકમની લોન ઊંચા વ્યાજના દરે “ગોલ પ્રોજેકટ” અતર્ગત લેવા જઈ રહી છે. ગોલ પ્રોજેકટ અંતર્ગત ૬૦૦૦ શાળાઓને પર્ફોમન્સ આધારે વિકસિત કરવાની વાત છે. પરંતુ ગુજરાતની ૩૨૦૦૦ હજારથી વધુ શાળાઓ બાબતે આ “ગોલ પ્રોજેકટ” કશું જાણવવામાં આવ્યું નથી.

ચર્ચામાં સામે આવ્યું કે ગુજરાતનાં ગુણોત્સવમાં પ્રાથમિક શિક્ષણ B ગ્રેડનું છે, તો પરફોરમેન્સ આધારે તો અંદાજિત ૧૦૦૦૦ જેટલા શાળાઓ માર્જરના નામે બંદ થઈ જશે તેવી શક્યતા છે. જેનાથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો અધિકાર છીનવાઇ જશે. વર્લ્ડ બઁકના ગોલ પ્રોજેકટના દસ્તાવેજમાં આપવામાં આવનાર રકમ આર્થિક સહાય છે કે લોન તે ગુજરાત જાણવા માંગે છે.

શિક્ષણવિદો અને વકતાઓનું માનવું હતું કે વિશ્વ બેંકના પ્રોજેક્ટથી ગુજરાતમાં શિક્ષણની સ્થિતિમાં કોઈ સુધાર નહીં થાય. વિશ્વ બેન્કનો છ વર્ષનો ૨૦૨૧-૨૭નો ૫૦૦ લાખ ડોલર એટલે કે ₹ ૩૭૫૦ કરોડનો પ્રોજેક્ટ ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુધારવા માટેનો છે. તેમાં રાજ્ય સરકાર બીજા ₹ ૧૬૦૮ કરોડ ખર્ચશે. આટલી રકમ છ વર્ષમાં ખર્ચવાની હોય તો શિક્ષણ સુધરે કેવી રીતે? વિશ્વ બેંક આ પ્રોજેક્ટ માટે ₹૯.૩૭ કરોડની ફી વસૂલ કરશે. ૭૮ પાનાંના દસ્તાવેજમાં વિશ્વ બેંકની રકમ લોન છે કે ગ્રાન્ટ તે લખવામાં આવ્યું નથી. લોન હોય તો ગુજરાત સરકારે ૯.૨ ટકાના દરે વ્યાજ ચૂકવવાનું રહેશે. ગુજરાત સરકારનું ચાલુ વર્ષનું બજેટ ₹ ૨.૨૪ લાખ કરોડનું છે. તેમાં શિક્ષણ માટેનું કુલ ખર્ચ ₹ ૩૨,૭૦૦ કરોડ છે. તેના સંદર્ભમાં આ લોનની સાત વર્ષની રકમ સાવ જ નગણ્ય છે. જો આત્મનિર્ભર બનવું હોય તો વિશ્વ બેંકની લોનની કોઈ જરૂર છે જ નહિ.

ગુજરાત આર.ટી.ઇ ફોરમના સંયોજક મુજાહિદ નફીસએ વધુમાં જણાવ્યુ હતું કે વિશ્વ બેન્કના ગોલ પ્રોજેક્ટથી મોટાં મોટાં પરિણામોની વાત કરવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં ૩,૦૦૦ વિદ્યાર્થીઓ ધરાવતી ૩૪ શાળાઓ ઊભી કરવાનો જે સરકારી પ્રોજેક્ટ છે તેને આમાં વિશ્વ બેંક ટેકો કરવાની વાત છે પરતું શિક્ષણના અધિકારના કાયદાનો ઉલ્લેખ માત્ર એક જ વાર દેખાય છે. જેથી શિક્ષણનો અધિકાર જળવાશે કે નહિ તે મોટો સવાલ છે. ગુજરાતની પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણની સ્થિતિમાં કોઈ સર્વાંગી ગુણાત્મક સુધારો આવે તેવી શક્યતા દેખાતી નથી. વધુમાં “ગોલ પ્રોજેક્ટ”માં ક્યાંય ખૂટતા શિક્ષકોની ભરતી થશે તે અંગેનો કોઈ ઉલ્લેખ નથી. વળી, ગુજરાત Lighthouse State છે અને તેમાં ૬૦૦૦ શાળાઓને છ વર્ષમાં Lighthouse Schools બનાવવાની છે એમ કહેવામાં આવ્યું છે. સરકારી શાળાઓની સંખ્યા ૩૭,૦૦૦ છે. એટલે બાકીની શાળાઓનો નંબર ૨૦૨૭ પછી વિશ્વ બેંક લોન આપશે તો લાગશે!! વળી, પ્રોજેક્ટ એમ કહે છે કે તેનાથી ૪૭ લાખ બાળકોને લાભ થશે! શું ૬૦૦૦ શાળાઓમાં ૪૭ લાખ વિદ્યાર્થીઓ ભણે છે ગુજરાતમાં?

કાર્યકમના અંતે સર્વનુંમતે નક્કી કરવામાં આવ્યું કે ગુજરાતના શિક્ષણને બચાવવા માટે સરકાર સમક્ષ સમગ્ર પ્રોજેકટના ભય સ્થાનો અંગે રજૂઆત કરવામાં આવશે. તથા પ્રાથમિક શિક્ષણ અને સ્કૂલ ઓફ એકેસેલન્સ અંગેના ભય સ્થાનો-વિસંગતઓ વિષેની જનજાગૃતિ અભિયાન કરવામાં આવશે.

શિક્ષણ કન્સલ્ટેશનના કાર્યક્રમમાં અર્થશાસ્ત્રી પ્રોફ. હેમંત શાહ, સમાજશાસ્ત્રી ઇન્દિરા હિરવે, શિક્ષણવિદ ડો.મનીષ દોશી, સુખદેવ પટેલ, મહેન્દ્ર જેઠમલાની, ઉસ્માન ગની સેરાશીયા, ઇબ્રાહિમ તુર્ક, રાજુ દિપ્તી સહિત શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો હાજર રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.