માધાપર લાખોના ખર્ચે બનતા રોડના વિકાસ કામમાં ભુજ પાલિકાની ગટરનો વિઘ્ન : તત્કાલ નિવારણ ન થાય તો પાલિકા વિરૂદ્ધ મોરચો મંડાશે

376

ભુજ : તાલુકાના માધાપર નવાવાસ ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 75 લાખના ખર્ચે વિવિધ રોડના કામ થઈ રહ્યા છે. આ કામનું ખાત મુહૂર્ત અઠવાડિયા અગાઉ ભુજના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

આ રોડો પૈકી ગાંધી સર્કલ પાસેના પ્રવેશ દ્વારથી હાલાઇ નગર વૈભવ નગર, નિલકંઠ સોસાયટી અને મફત નગરથી પસાર થઈ નવાવાસને જોડતા મુખ્ય માર્ગનું કામ હાલ પ્રગતિમાં છે. લાખોના ખર્ચે બની રહેલ આ રોડમાં ભુજ નગરપાલિકાની ઉભરાતી ગટર નુકસાન પહોચાડે તેવી ભીતી છે. આ રોડમાં તરીયામાં બે દિવસ અગાઉ મેટલ પાથરાઇ ગઈ છે અને ડામરનું કામ કરવા વચ્ચે નગરપાલિકાની વહેતી ગટર વિઘ્ન બની ગયેલ છે. રોડનું કામ જે જગ્યાએ ચાલુ છે તે જગ્યા પર નગરપાલિકાની ચેમ્બરમાંથી ગટરનું પાણી નદીની જેમ વહી રહ્યું છે.

આ ગટરનો પાણી વહેવાનું બંદ ન થાય અને રોડ બનાવવામાં આવે તો લાખો રૂપિયા પાણીમાં જાય એવો ભય છે. આ મુદે ગામના જાગૃત લોકોએ નગરપાલિકાના પદાધિકારી તેમજ અધિકારીને ફોન દ્વારા જાણ પણ કરેલ છે કે આ વહેતી ગટર તત્કાલિક અસરથી બંદ કરાવી તેની સફાઈ કરાવવામાં આવે, જેથી રોડનું કામ વગર નુકશાને આગળ વધારી શકાય પણ દર વખતની જેમ આ વખતે પણ આ વાત ગંભીરતાથી સતાધિશોએ લીધી નથી. “હા અમે કાંઈક કરીએ છીએ” ફકત એવો આશ્વાસ આપ્યું છે. આ સમસ્યાનું તત્કાલ નિકાલ થાય તેવું જાગૃત લોકો માંગ કરી રહ્યા છે.

આ મુદે “વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ દ્વારા પક્ષ જાણવા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના ઉપપ્રમુખનો સંપર્ક સાધવા કોશીશ કરી હતી પણ અધિકારી તથા પદાધિકારી બંન્ને માંથી કોઈએ ફોન ઉપપાડવાની તસ્દી લીધી ન હતી.

તો જાગૃત લોકો વિસ્તારની પ્રજા સાથે મોરચો લઈ નગરપાલીકા જશે

ગટરનું પાણી રોડને તો નુકસાન કરે જ છે, સાથે-સાથે આસપાસના રહેવાસીઓ પણ આ સમસ્યાથી ખૂબ જ ત્રસ્ત છે. આ મુદે “વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ દ્વારા તે સ્થળ પર રૂબરૂ જતા ત્યાં હાજર ગામના જાગૃત લોકોએ જણાવ્યું હતું કે રજૂઆત છતા નગરપાલિકા દ્વારા આ મુદે તત્કાલ પગલા લેવામાં આવતા નથી. લાખોના ખર્ચે બનતા રોડના કામમાં નુકસાન થવાની સાથે-સાથે આ વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય પણ ગટરના પાણીથી જોખમમાં છે. જેથી પાલિકાના સત્તાધિશો તત્કાલ આ સમસ્યાનો નિવેડો નઇ લાવે તો સમગ્ર વિસ્તારના પ્રજાજનોને સાથે રાખી મોરચો માંડી નગરપાલિકામાં રૂબરૂ જવાની ફરજ પડશે તેવું જાગૃત લોકોએ જણાવ્યું હતું.

આગાઉ પણ આ સમસ્યાએ માધાપર ગામને પરેશાન કરેલ

આથી અગાઉ પણ થોડા દિવસો પહેલા માધાપર નવાવાસના રણકો વિસ્તાર પાસે આવેલ નગરપાલિકાની ગટર ઉભરાતા ગામના પોશ એરીયામાં જેની ગણતરી થાય છે, તેવા સમગ્ર વિસ્તારમાં પરેશાની ઉભી થઈ હતી. કેટલાય દિવસો સુધી વહેતી આ ગટરની સમસ્યાના સમાધાન માટે ભુજના ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખને રૂબરૂ આવવું પડ્યું હતું. હવે આ જ સમસ્યા હાલાઇ નગર પાસે સર્જાતા ગામના વિકાસ કામોને અડચણ રૂપ તથા વિસ્તારના લોકોને હાલાકી થઈ રહી છે. નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી સોલ્યુશન કરવામાં આવે તેવું લોકો માંગ કરી રહ્યા છે.

Get real time updates directly on you device, subscribe now.