ઢોરી નજીક એકટીવીસ્ટ અને પત્રકાર પર હૂમલો : ખનીજ માફીયા કચ્છની કાયદો વ્યવસ્થા સામે પડકાર : આવા તત્વો સામે તંત્ર પાસાનો શસ્ત્ર ઉગામે તેવી માંગ

842

ભુજ : ગત 25 જાનયુઆરીના એક પત્રકાર અને આર.ટી.આઇ. એકટીવીસ્ટ ભુજ તાલુકાના ઢોરી સુમરાસર પાસે જઈ રેતી ચોરીનુ રીપોર્ટીંગ કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હૂમલો થયાની ઘટના સામે આવી છે.

માધાપર પોલીસ ચોકી પર RTI એકટીવીસ્ટ હુશેન થેબાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ બે-ચાર મહિના અગાઉ કુનરીયા સુમરાસર વિસ્તારમાં રેતી ચોરીની ફરિયાદ ખાણ ખનીજ વિભાગમાં કરી હતી. ગત 25 જાન્યુઆરીના તેઓને જાણ થયેલ કે આ વિસ્તારમાં હાલ પણ રેતી ચોરી થઈ રહી છે. આ જાણ થતા જ તેઓ કચ્છ જવાલા ન્યુઝના પત્રકાર પ્રતિક જોશી સાથે ઢોરી-સુમરાસર વચ્ચે ખરાબાની જમીનમાં જયાં રેતી ચોરી થઈ રહી હતી ત્યાં પહોચ્યા હતા. ત્યાં જી.સી.બી મશીનથી રેતી ભરાઈ રહી હતી તેના વિડીયો ઉતારી રહ્યા હતા. ત્યાં આરોપી અરૂણ છાંગાએ સ્થળ પર આવી જાનથી મારી નાખવાની ધમકી આપી ધોકો કાઢતા ત્યાંથી તેઓ નીકળી ગયા હતા. ત્યાર બાદ કુનરીયા ત્રણ રસ્તા પાસે અન્ય આરોપી લખણા કરમણ બતા ઉર્ફે ભુરાભાઇએ તેમની ગાડી પર ધોકા વડે હુમલો કર્યો હતો.

કચ્છમાં વધી રહ્યા છે, એકટીવીસ્ટ પર હૂમલા

ઉલ્લેખનીય છે કે કચ્છમાં છેલ્લા ઘણા સમયથી આર.ટી.આઇ એકટીવીસ્ટ તેમજ પત્રકારો પર હૂમલાઓના નાના મોટા બનાવ સામે આવતા રહ્યા છે. જેમાં ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં લખપત તાલુકાના મેઘપર નજીક આર.ટી.આઇ. એકટીવીસ્ટ પિતા પુત્ર પર ખનીજ ચોરી વિરૂદ્ધ ફરીયાદનુ મનદુખ રાખી કાર ચડાવી દેવાઇ હતી જેમાં પુત્રનુ મૃત્યુ થયુ હતું. ખનીજ ચોરી વિરૂદ્ધ અવાજ ઉપાડનારા પર હુમલાના બનાવોના આવા અનેક કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા હોય છે. ખનીજ ચોરીમાં સંડોવાયેલા આવા તત્વો કચ્છની કાયદો વ્યવસ્થા માટે પડકાર રૂપ છે.

આવા લોકો પર પાસાની કાર્યવાહી થવી જોઈએ

આ મુદે પત્રકાર અને એકટીવીસ્ટ ડો. રમેશ ગરવાએ “વોઇસ ઓફ કચ્છ ન્યુઝ” સાથે વાત કરતા જણાવેલ કે આ બનાવનો આરોપી અરૂણ છાંગા ભૂતકળમાં કરોડોની ખનીજ ચોરીમાં સંડોવાયેલ હતા, હાલ પણ તેના પર ખનીજ ચોરીનો દંડ થયેલ છે. તેમજ હાલ પત્રકાર પર હૂમલો પણ કરેલ છે. તો અન્ય આરોપી ભુરાભાઇ જેઓ અગાઉ જિલ્લા પંચાયતના સભ્ય હતા અને ભૂકંપ વખતે થયેલ કાટમાળ કૌભાંડમાં તેમની સંડોવણી હતી. આવા લોકો વિરૂદ્ધ તંત્રએ પાસાની કાર્યવાહી કરવી જોઈએ. નાના નાના બનાવોમાં તંત્ર આરોપીઓને રાતો રાત પાસામાં ધકેલે છે, પણ આવા ભુમાફીયા અને ખનીજ માફીયાને ભાજપનું સંરક્ષણ મળતું હોવાથી બચી જતા હોવાનો આક્ષેપ પણ ડો. ગરવાએ કર્યો છે. વધુમાં તેઓએ જણાવયું કે ગૃહ રાજ્યમંત્રી ગાંધીધામમાં એક કોન્કલેવ માં જણાવ્યું હતું કે આવા લોકોનો અમને લીસ્ટ આપો તો અમે કાર્યવાહી કરશું, જ્યારે આવા આરોપીઓના નામ તેઓની સામે જ છે તો સરકારે તત્કાલ આવા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ ડો. રમેશ ગરવાએ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.