ગાંધીધામને મહાનગરના દરજજા પર યશ ખાટતા સતાપક્ષના સાંસદ-ધારાસભ્યો ભુજને મહાનગર ન મળતા વિપક્ષ અને નગરજનોના નિશાન પર

0

ભુજ : 2 ફેબ્રુઆરીના ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવ્યો હતો. આ બજેટમાં રાજ્યમાં નવી સાત મહાનગરપાલિકાને મંજુરી આપવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાને પ્રથમ મહાનગર તરિકે ગાંધીધામ શહેરને માન્યતા મળી છે. તો ગાંધીધામને સમાંતર ભુજ શહેરને મહાનગરનો દરજ્જો અપાવવા માટે છેલ્લા ઘણા સમયથી જે માંગ હતી તે હાલ સ્વીકારવામાં આવી નથી. આ મુદે કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સુસ્ત પડેલ રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે.

ગાંધીધામને મહાનગરનો દરજ્જો મળતા જ સતાપક્ષ સાથે જોડાયેલ પદાધિકારીઓ કચ્છના સાંસદ-ધારાસભ્યો દ્વારા પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી સોશ્યલ મિડીયા પર શ્રેય લેતા નજરે પડ્યા હતા. 2024 લોકસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવવી કાંઈ ખોટું નથી પણ જિલ્લા મથક ભૂજને મહાનગરનો દરજજો ન મળતા આ પદાધિકારીઓ ભુજ વાસીઓની નારાજગીનો પણ ભોગ બન્યા છે.

આ મુદે સોશ્યલ મિડિયા પર ભુજ શહેર સાથે અન્યાય થયો હોવાની ઠેરઠેર ચર્ચાઓ અને નારાજગી લોકોમાં જોવા મળી રહી છે. સોશ્યલ મિડીયામાં “ગાંધીધામને મહાનગરપાલિકા મળી, ભુજને કેમ નહિં ? ભુજ સાથે જ વારંવાર અન્યાય કેમ ? ભુજને મહાનગરનો દરજ્જો ન મળવા પાછળ કોણ જવાબદાર ? ” આવા અનેક પ્રશ્નો સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેના પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. પ્રતિક્રિયામાં પણ વધુ પડતા લોકોએ નબળી નેતાગીરીને જવાબદાર ઠેરવી રહ્યા છે. તો કોઇક પ્રજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. વધુમાં નગરપાલિકા અને વિધાનભામાં ભુજને મહાનગરનો દરજ્જો અપાવવા મુદે નગરજનોએ સતાપક્ષને મન ભરી અને મત આપ્યા હોવા છતા ભુજ સાથે અન્યાય થાય તો ભુજની નેતાગીરી નબળી પુરવાર થઈ હોવાનો બળાપો લોકો ઠાલવી રહ્યા છે. આ સમગ્ર બાબત જોતા શહેરની પ્રજામાં કયાંકને ક્યાંક નારાજગી હોવાનું દેખાઇ રહ્યું છે.

આ મુદે કોંગ્રેસ દ્વારા પણ એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપને ભુજની પ્રજાએ મહાનગરનો દરજજો અપાવવા ખોબે-ખોબા મત આપ્યા છતા ભુજને મહાનગરપાલિકા ન મળતા ભાજપના જન પ્રતિનિધિઓની નેતાગીરી નબળી પુરવાર થઈ છે. ભાજપના નેતાઓ ભુજને પછાત રાખવા માંગે છે, ભુજ આધુનિક શહેર બને તેમાં રસ નથી. આ મુદે શહેરની પ્રજામાં ખુબજ આક્રોશ છે, જેના પ્રત્યાઘાત આગામી લોકસભા ચૂંટણીઓ દરમયાન પડશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે.

તો આમ આદમી પાર્ટીને પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ કેલાસદાન ગઢવીએ પણ બજેટ મુદે યોજેલ એક પ્રેસ કોન્ફરન્સમાં આ મુદે જણાવ્યું હતું કે ગાંધીધામ જેટલી જ યોગ્યતા જિલ્લા મથક ભુજની છે, છતાં ભુજ ને અન્યાય કેમ ? આ મુદે ભુજના ધારાસભ્યનો અવાજ કેમ ન ઉઠયો ? આ મુદે આમ આદમી પાર્ટી તરફથી તત્કાલ ભુજને મહાનગરપાલિકા જાહેર કરવાની માંગણી કરી હતી. આપના ધારાસભ્યો આ મુદાને વિધાનસભામાં ઉઠાવશે તેવું જણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. સતાપક્ષ સાથે વિપક્ષ દ્વારા પણ અચાનક કાર્યક્રમો આપી પોતાની સક્રિયતા વધારી દીધી છે. તેના વચ્ચે ભુજને મહાનગરનો દરજ્જો ન મળવાનો આ મુદો રાજકીય આલમમાં ચર્ચામાં આવતા આગામી લોકસભા ચૂંટણીમાં સતાપક્ષ સામે નગરજનોની નારાજગીનો કારણ બને છે કે કેમ ? તે જોવું રહ્યું.

Get real time updates directly on you device, subscribe now.