કચ્છની મોટાભાગની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે નીયમોનો ઉલાળિયો કરી 1 વર્ષમાં સામાન્ય સભા બોલાવી નથી : DDO પંચાયત ધારાનું પાલન કરાવે

225

ભુજ : કચ્છની તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયત દ્વારા નિયમોનો ઉલંઘન કરી, છેલ્લા એક વર્ષની ટર્મમાં સામાન્ય સભા ન બોલાવી ખાસ સાધારણ સભાનું આયોજન કર્યું હોવા મુદે જિલ્લા પંચાયત પૂર્વ વિપક્ષી નેતા વી.કે. હૂંબલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

જેમાં જણાવેલ છે કે ગુજરાત પંચાયત કાયદાની જોગવાઈ મુજબ તાલુકા અને જીલ્લા પંચાયતની સામાન્ય સભાઓ દર ત્રણ માસે બોલાવવાની ફરજીયાત હોય છે જે પંચાયત કાયદાની કલમ ૧૨૨ મુજબ ડી.ડી.ઓ. તેમજ ટી.ડી.ઓ. ની જવાબદારી બને છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કચ્છ જીલ્લામાં તાલુકા/જીલ્લા પંચાયતની વર્તમાન બોડીને એક વર્ષ જેટલો સમયગાળો પૂર્ણ થવામાં છે તેમ છતાં ઘણી જગ્યાએ એક પણ સામાન્ય સભા બોલાવવામાં આવેલ નથી. માત્ર ખાસ સાધારણ સભા બોલાવવામાં આવેલ છે. તે પંચાયત કાયદાની જોગવાઈથી વિપરીત છે. કારણ કે પંચાયત કાયદાની જોગવાઈ મુજબ દર ત્રણ માસે સામાન્ય સભા બોલાવવી ફરજીયાત છે. જરૂર પડે તો પ્રમુખ વધારાની ખાસ સામાન્ય સભા બોલાવી શકે છે પરંતુ સામાન્ય સભા તો નિયમ મુજબ ત્રણ માસે મળવી જ જોઈએ.

દર સામાન્ય સભામાં ચૂંટાયેલા સભ્યો ચર્ચામાં ભાગ લઇ શકે અને તેઓ વહીવટને લગતા પ્રશ્નોતરી પણ કરી શકે. તે ચૂંટાયેલા સભ્યોના અધિકારમાં આવે છે. પરંતુ સત્તાધીશો દ્વારા માત્ર ખાસ સાધારણ સભા બોલાવી અને ચૂંટાયેલા સભ્યોને અધિકારોથી વંચિત રાખવામાં આવે છે જે યોગ્ય નથી. ખાસ સાધારણ સભાની જોગવાઈ માત્ર કોઈ તાત્કાલિક સંજોગો ઉપસ્થિત થાય તો જ બોલાવવાની થાય છે. પરંતુ મોટાભાગની તાલુકા/જીલ્લા પંચાયતો નિયમોનો ઉલાળિયો કરી અને છેલ્લા ૧ વર્ષ દરમ્યાન સામાન્ય સભા જ બોલાવેલ નથી. જે વ્યાજબી નથી. એટલું જ નહિ, પરંતુ કાયદાની જોગવાઈ મુજબ તાલુકા/જીલ્લા પંચાયત દ્વારા જે પણ ઠરાવો મુકવામાં આવે તે દરેક ઠરાવો ઉપર ચર્ચા કરવાનો ચૂંટાયેલા સભ્યોને અધીકાર છે. અને જરૂર પડે તો દરેક ઠરાવ મતદાન ઉપર પણ મુકવો પડે અને કોઈ પણ ઠરાવ બાબતે કોઈ સભ્ય અસહમત હોય તો તેની મીનીટમાં પણ નોંધ થવી જરૂરી છે. પરંતુ જ્યારથી ભાજપની સત્તા જીલ્લા/તાલુકા પંચાયતમાં આવી છે ત્યારથી ચૂંટાયેલા સભ્યોના અધિકારોનું હનન કરવામાં આવે છે. તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. જે વ્યાજબી નથી. અને આ બાબતે ઘણા સભ્યોની રજૂઆત તેઓ પાસે આવી હોવાનો દાવો શ્રી હૂંબલ દ્વારા કરવામાં આવેલ છે.

કચ્છમાં દરેક તાલુકા અને જીલ્લા પંચાયતોમાં કાયદાનું પાલન કરવામાં આવે અને દર ત્રણ માસે સામાન્ય સભા ફરજીયાત બોલાવવામાં આવે. ખાસ સભા બોલાવવાની હોય તો વધારાની બોલાવી શકાય. જેથી આ નિયમોનું પાલન થાય તે ખુબ જરૂરી છે. અને પંચાયત કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ઠરાવ ઉપર ચૂંટાયેલા સભ્યો ચર્ચા કરવા માંગતા હોય તો તે ઠરાવની ચર્ચા સામાન્ય/ સભામાં થવી જોઈએ અને ચર્ચા કર્યા બાદ કોઈ સભ્યો સહમત ના થાય તો તેની મિનીટ બુકમાં પણ નોંધ થવી જોઈએ એવી જિલ્લા વિકાસ અધિકારીને તાકીદ કરવામાં આવી છે.

કોઈ પણ સભ્યએ પ્રશ્નોતરી પુછેલ હોય તો તે પ્રશ્નોનો વિગતવાર જવાબ પ્રમુખશ્રીએ સામાન્ય સભામાં આપવો જોઈએ. અને પ્રશ્નોતરીનો સમયગાળો એક કલાક હોય છે તે સમયગાળામાં દરેક સભ્યોને પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. અને જરૂર પડે તો તે પ્રશ્ન ઉપર બીજા સભ્યો પણ પુરક પ્રશ્નો પૂછી શકે છે જે જોગવાઈનું પાલન થવું પણ જરૂરી છે.

પ્રશ્નોતરીમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપવાનો અધિકાર માત્ર પ્રમુખને છે. અને જરૂર જણાય તો પ્રમુખશ્રી સચિવને જવાબ આપવાનું જણાવી શકે છે. પરંતુ બીજા કોઈ પણ સભ્ય વચ્ચે જવાબ આપવા માટે ઉભા થયી શકે નહિ અને ચર્ચાની વિગતવાર ભાગ લેવાનો અધિકાર દરેક સભ્યોને છે.

ઘણી જગ્યાએ રજૂઆત આવેલ છે કે ચૂંટાયેલ સભ્યોને એજન્ડા સમયસર મુકવામાં આવતા નથી અને સભાઓમાં કોઈ સભ્યો માહિતી માંગે તો પણ માહિતી આપવામાં આનાકાની કરે છે જે પણ કાયદાથી વિરુદ્ધ છે જેથી ડી.ડી.ઓ. ને પંચાયત કાયદાની જોગવાઈ મુજબ વહીવટ ચાલે તેવી વિ.કે. હૂંબલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.