વાંચો ખાસ અહેવાલ : શું શિવાજી મુસ્લિમ વિરોધી હતા?

863

મહારાષ્ટ્રની યાદોમાં શિવાજી સૌથી લોકપ્રિય રાજા છે. મુંબઈ એરપોર્ટ અને રેલવે સ્ટેશન તેમના જ નામ પર છે. અરબ સાગરમાં તેમની ભવ્ય પ્રતિમાનું નિર્માણ કરવાની પણ યોજના છે. તેમને રાજકીય પક્ષો પોત પોતાની રીતે યાદ કરે છે. કેટલાક લોકો તેમને ગૌ બ્રાહ્મણ પરિપાલક (બ્રાહ્મણ અને ગાયના રક્ષક) તરીકે ઓળખે છે તો કેટલાક લોકો તેમને કલ્યાણકારી રાજા કહે છે. આ સાથે જ એક એવો અહેસાસ પણ છે કે જે તેમને મુસ્લિમ વિરોધીના રૂપમાં દર્શાવે છે. થોડાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રના મિરાજ-સાંગલી વિસ્તારમાં એક ગણપતિ ઉત્સવ દરમિયાન તોરણ પર શિવાજીને અફઝલ ખાનની હત્યા કરતા દર્શાવવામાં આવ્યા હતા. તેમના પોસ્ટર સમગ્ર મહારાષ્ટ્રમાં મોકલવામાં આવ્યા હતા.

શું હતી શિવાજીની નીતિઓ?

ત્યારબાદ આ જ મુદ્દાને લઈને વિસ્તારમાં સાંપ્રદાયિક હિંસા ભડકી હતી. લોકોમાં એ ધારણા બનવા લાગી કે હિંદુ શિવાજી મુસ્લિમ અફઝલ ખાનને મારી રહ્યા છે. આ પ્રકારના પ્રચારનો ઉપયોગ મુસ્લિમોની ઉશ્કેરણી અને હિંસા ભડકાવવા માટે થતો હતો. કટ્ટર હિંદુ દક્ષિણપંથી કાર્યકર્તાઓએ પ્રતાપગઢમાં અફઝલ ખાનનો મકબરો તોડવા પ્રયાસ કર્યો હતો. આ ઉત્પાત ત્યારે રોકાયો જ્યારે લોકોને એ કહેવામાં આવ્યું કે આ મકબરાનું નિર્માણ શિવાજીએ જ કર્યું હતું. શિવાજી એ રાજા હતા કે જેઓ બધા જ ધર્મોનું સન્માન કરતા હતા. તેમની નીતિઓ, સેના અને પ્રશાસનિક નિયુક્તિઓમાં તેની સ્પષ્ટ ઝલક જોવા મળે છે. એક રસપ્રદ વાત છે. શિવાજીના દાદા માલોજીરાવ ભોસલેએ સૂફી સંત શાહ શરીફના સન્માનમાં પોતાના દીકરાના નામ શાહજી અને શરીફજી રાખ્યાં હતાં. શિવાજીએ સ્થાનિક હિંદુ રાજાઓની સાથે જ ઔરંગઝેબ વિરુદ્ધ લડાઈ લડી હતી. રસપ્રદ વાત એ છે કે ઔરંગઝેબ સાથે યુદ્ધમાં, ઔરંગઝેબની સેનાનું નેતૃત્વ કરનારા વ્યક્તિ રાજા જયસિંહ હતા. તેઓ એક રાજપૂત હતા અને ઔરંગઝેબના રાજદરબારમાં ઉચ્ચ અધિકારી હતા. શિવાજીએ પોતાના પ્રશાસનમાં માનવીય નીતિઓ અપનાવી હતી, જે કોઈ ધર્મ પર આધારિત ન હતી. તેમની થળસેના અને જળસેનામાં સૈનિકોની નિમણૂક માટે ધર્મનું કોઈ માપદંડ ન હતું અને તેમાં એક તૃતિયાંશ સૈનિક મુસ્લિમ હતા.

શિવાજી અને મુસ્લિમ

તેમની નૌસેનાનું નેતૃત્વ સિદ્દી સંબલ કરી રહ્યા હતા અને સિદ્દી મુસ્લિમ તેમની નૌસેનામાં મોટી સંખ્યામાં હતા. જ્યારે શિવાજી આગરાના કિલ્લામાં નજરકેદ હતા ત્યારે કેદમાંથી છોડાવવા માટે જે બે વ્યક્તિઓએ તેમની મદદ કરી હતી તેમાંથી એક વ્યક્તિ મુસ્લિમ હતી. તેમનું નામ મદારી મેહતર હતું. તેમના ગુપ્તચર મામલાના સચિવ મૌલાના હૈદર અલી હતા અને તેમના તોપખાનાની કમાન ઇબ્રાહિમ ખાનના હાથોમાં હતી. શિવાજી દરેક ધર્મોનું સન્માન કરતા હતા અને તેમણે ‘હજરત બાબા યાકૂત થોરવાલે’ને આજીવન પેન્શન આપવાના આદેશ આપ્યા હતા. તો ફાધર એંબ્રોઝની પણ તેમણે એ સમયે મદદ કરી હતી જ્યારે ગુજરાત સ્થિત તેમના ચર્ચ પર હુમલો થયો હતો. શિવાજીએ પોતાની રાજધાની રાયગઢમાં પોતાના મહેલની સામે મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે એક મસ્જિદનું નિર્માણ એ જ રીતે કરાવ્યું હતું જે રીતે તેમણે પોતાની પૂજા માટે જગદીશ્વર મંદિર બનાવ્યું હતું.

વસઈના નવાબનાં પુત્રવધૂની વાત

શિવાજીએ પોતાના સૈનિક કમાન્ડરોને એ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે કોઈ પણ સૈન્ય અભિયાન દરમિયાન મુસ્લિમ મહિલાઓ અને બાળકો સાથે દુર્વ્યવ્હાર કરવામાં ન આવે. મસ્જિદો અને દરગાહોને ચુસ્ત સુરક્ષા આપવામાં આવી હતી. તેમણે એવા પણ આદેશ આપ્યા હતા કે જ્યારે પણ કોઈને કુરાનની કૉપી મળે તો તેને સન્માન આપવામાં આવે અને મુસ્લિમોને સોંપી દેવામાં આવે. વસઈના નવાબનાં પુત્રવધૂને શિવાજી દ્વારા સન્માન આપવાની વાત પણ બધા જ જાણે છે. જ્યારે તેમના સૈનિક લૂંટેલા સામાનની સાથે નવાબના પુત્રવધૂને પણ લઈ આવ્યા હતા ત્યારે શિવાજીએ એ મહિલા પાસે માફી માગી હતી અને પછી સૈનિકોની સુરક્ષા સાથે તેમને તેમનાં મહેલ પહોંચાડવામાં આવ્યાં હતાં. અફઝલ ખાનની હત્યા મામલાને ખૂબ હવા આપવામાં આવી. અફઝલ ખાન આદિલશાહી સલ્તનતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેમની સાથે શિવાજીએ લાંબી લડાઈ લડી હતી. અફઝલ ખાને તેમને પોતાના તંબૂમાં બોલાવી મારી નાંખવાની યોજના બનાવી હતી ત્યારે શિવાજીને એક મુસ્લિમ, રુસ્તમે જમાંએ સાવધાન કર્યા હતા. તેમણે શિવાજીને એક લોખંડનો પંજો પોતાની સાથે રાખવાની સલાહ આપી હતી.

અફઝલ ખાન અને શિવાજી

લોકો એ ભૂલી જાય છે કે અફઝલ ખાનના સલાહકાર પણ એક હિંદુ, કૃષ્ણમૂર્તિ ભાસ્કર કુલકર્ણી હતા. તેમણે શિવાજી વિરુદ્ધ પોતાની તલવાર ઉઠાવી હતી. અંગ્રેજોએ જ્યારે ઇતિહાસ લખ્યો તો તેમણે રાજાઓ વચ્ચે સત્તા સંઘર્ષને ધર્મનું રૂપ આપી દીધું હતું. ‘શિવાજી મુસ્લિમ વિરોધી હતા’ આ ધારણા રાજકીય ઉદ્દેશને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવી હતી. ઘણાં પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં અને તેમાં પણ આ જ દૃષ્ટિકોણ સાથે આ મામલાને લખવામાં આવ્યો હતો. પુરંદરેના નાટક ‘જાણતા રાજા’ને મોટા પાયે મહારાષ્ટ્રમાં પ્રસિદ્ધિ મળી છે. આ નાટક શિવાજીને મુસ્લિમ વિરોધીના રૂપમાં પ્રસ્તુત કરે છે. ઇતિહાસકાર સરદેસાઈએ ન્યૂ હિસ્ટ્રી ઑફ મરાઠામાં લખ્યું છે, ‘શિવાજીને કોઈ પણ રીતે મુસ્લિમો પ્રત્યે નફરત ન હતી. એક સંપ્રદાયના રૂપે પણ નહીં અને એક ધર્મ રૂપે પણ નહીં. આ બધું જ શિવાજીએ સાંપ્રદાયિક સૌહાર્દ માટે જે અપનાવ્યું તેને દર્શાવે છે, અને તેમનું પ્રાથમિક લક્ષ્ય પોતાના રાજ્યની સીમાને જેમ બને તેમ વધારે ક્ષેત્ર સુધી સ્થાપિત કરવાનું હતું. તેમને મુસ્લિમ વિરોધી કે ઇસ્લામ વિરોધી દર્શાવવા સત્યતાની મજાક ઉડાવવા સમાન છે.

આ લેખ રામ પુનિયાનિએ www.bbc.com માટે લખ્યું છે. જેને અમે અમારી વેબસાઇટ પર પ્રબ્લીસ કર્યો છે. (રામ પુનિયાની આઈઆઈટી મુંબઈમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને 2007માં તેમને ‘નેશનલ કમ્યુનલ હાર્મની’ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.)

Get real time updates directly on you device, subscribe now.