ભુજ નગરપાલિકા દ્વારા થયેલ કરોડોની નાણાકીય ગેરરીતીની તપાસ ED અને CBI મારફતે કરાવવા વિધાનસભાના અધ્યક્ષ માંગ કરે

912

ભુજ : શહેરની પાલિકાના શાસકો દ્વારા અનેક જગ્યાએ કાયદાની ઉપરવટ જઈ, નિયમોની ઐસી તૈસી કરી વહિવટ ચલાવતા હોવાની અનેક ફરિયાદોની તપાસ ન થતી હોવાનો આક્ષેપ કરી ભુજ શહેર કોંગ્રેસ મંત્રી સહેજાદ સમાએ વિધાનસભા અધ્યક્ષ અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યને રજૂઆત કરી છે કે આ પ્રકારની ગેરરીતિ અને નાણાકીય ભ્રષ્ટાચારની તપાસ ED અને CBI પાસેથી કરાવવાની માંગ વિધાનસભામાં ભુજના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષના નાતે તેઓએ કરવી જોઈએ.

સહેજાદ સમાએ પોતાની નવ જેટલી આધાર પુરાવા સાથે થયેલ ફરિયાદના સંદર્ભ આપ્યા છે. જેમાં સામગ્રીના ઉલ્લેખ વગર ચૂકવાયેલ બીલો, મિલ્કત ધારકની જાણ બહાર અને વગર દસ્તાવેજે મિલ્કત ટ્રાન્સફર, નગરપાલિકાના કામદારો દ્વારા કરાયેલ ખોટા સોગંદનામા, સક્ષમ અધિકારીની મંજુરી વગર ઇજનેર અને કામદારોના વેતન ભારણ, વહિવટી મંજુરી અને વગર ટેન્ડરીંગે થયેલ કામોની તપાસ, નિયમ વિરુદ્ધના ઠરાવો રદ કરવા, સિવીલ કામોના pmc તથા tpi ના કામોના ઠરાવ રદ કરવા, બદલી કરેલ ઇજનેરોને મુળ જગ્યાએ બદલવા, ભુજ નગરપાલિકા દ્વારા ચલાવાતા સેલ્ટર હોમ વગેરે વિષયો સાથે નવેમ્બર 2020 થી મે 2022 દરમ્યાન આધાર પુરાવા સાથે ફરિયાદો કરાઇ હોવાનું જણાવેલ છે.

તેઓએ જણાવેલ કે આધાર પુરાવા સાથે કરાયેલ ફરિયાદનો કોઈ પ્રત્યુત્તર અધિકારીઓ આપતા નથી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 67 હેઠળ પાંચ હજારથી વધુ ખર્ચ માટે ટેન્ડરીંગ કરવું જરૂરી છે. તેમ છતા ભુજ નગરપાલિકાના સત્તાધિશો વગર ટેન્ડરે ખરીદી કરે છે, જેની રકમ 100 કરોડ હોવાનો ઉલ્લેખ રજૂઆતમાં કરાયેલ છે. તે સિવાય સરકાર દ્વારા નગરપાલિકાને ઇજનેર ફાળવાય તો તેની તત્કાલ બદલી કરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર વગર મંજુરીએ ઇજનેર રાખી મોટી રકમના બીલો ચુકવાય છે. નગરપાલિકાના કર્મચારીઓને 4.5 કરોડનો મોંઘવારી ભથ્થું ખોટી રીતે ચૂકવાયેલ છે. જે પ્રજાના નાણાનો વ્યય છે. આ પ્રકારે અનેક ગેરરીતિઓ બાબતે માહિતી અધિકાર હેઠળ ડોક્યુમેન્ટ માંગણી કરી, આધાર પુરાવા સાથે ફરિયાદ કરેલ હોવા છતા કોઇ તપાસ ન થઈ હોવાનું શહેર કોંગ્રેસ મંત્રીએ જણાવ્યું છે.

ED અને CBI પચ્ચીસ લાખ જેટલી રકમની નાણાકીય ગેરરીતિઓના કેસની જો તપાસ કરતી હોય, તો આ ભુજ નગરપાલિકા દ્વારા થયેલ કરોડોની નાણાકીય ગેરરીતિઓની તપાસ આ કેન્દ્રીય એજન્સી કરે, તે માટે ભુજના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા વિધાનસભામાં ચર્ચા કરી આ એજન્સીઓને તપાસ સોપવા પ્રયત્ન કરવામાં આવે તેવી માંગ સહેજાદ સમાએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.