સંકલન બેઠકમાં પવનચક્કી માટે લીલી ઝાડી કપાતી રોકવા સહિતના કચ્છના વિવિધ પ્રશ્ને પદાધિકારીઓની રજૂઆત

822

ભુજ : રાપર વિસ્તારના ફતેહગઢ, કીડીયાનગર વગેરે વિસ્તારમાં ગેટકો દ્વારા ચાલી રહેલા વીજ સબ-સ્ટેશનના કામોમાં વેગ લાવવા સાથે કામો સમયસર પૂર્ણ થાય તેવી માંગ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી લક્ષ્મણસિંહ સોઢાએ આર. ટી. ઓ. કચેરી દ્વારા અરજદારોને વાહનોનાં લાયસન્સ મેળવવા માટે આધારકાર્ડ સાથે અન્ય પૂરાવા મંગાતા હોવાનું જણાવી તેની હકિકત જાણવા માંગી હતી તો અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પવનચક્કી માટે અબડાસા વિસ્તારમાં લીલી ઝાડી કપાવાની સાથે ગામ નજીક પવનચકકીના અવાજના પ્રદુષણ, અંગીયા અને સામત્રા ટોલનાકાની મુદ્દત પૂર્ણ થવા છતાં ચાલુ રાખવામાં આવી હોવા સહિત મોટાયક્ષ, પુંઅરેશ્વર, નખત્રાણા રામદેવપીર મેળા યોજાવાની જગ્યાએ દબાણો પ્રવૃતિ અટકાવવા હદ નિશાન તંત્ર કરવા માંગે છે કે કેમ? તે સહિતના પ્રશ્નો ઉઠાવ્યાં હતા. ભુજ ખાતે આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના પ્રશ્ન સંદર્ભે ગેટકોના કામોમાં વીજલાઇન નાખવા અને ફાઉન્ડેશનના કાર્યો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરવા વિગતો અપાઇ હતી જયારે આર.ટી.ઓ. દ્વારા લાયસન્સ માટે આધારકાર્ડ ઉપરાંત અન્ય પૂરાવા રાખવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરાતી હોવાનું જણાવાયું હતું.

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆત સંદર્ભે પવનચકકી માટે વન વિભાગની એન.ઓ.સી. લેવાના ધોરણ અને વસ્તીથી અંતર રાખવા બાબતે તેમને જાણકારી અપાઇ હતી જયારે સામત્રા અને અંગીયા ટોલનાકાની મુદ્દત આગામી જૂન-૨૦૧૯માં પૂરી થતી હોવાની જાણકારી અપાઇ હતી. જિલ્લા કલેકટર રેમ્યા મોહન ધોળાવીરાના વિકાસના વિવિધ મુદ્દે ઝડપથી કાર્યો આગળ ધપાવવા સાથે સાંસદોના આદર્શ ગામના કામોની પ્રગતિની સમીક્ષા કરી સંબંધિત વિભાગોને જરૂરી નિર્દેશો આપ્યાં હતા. નાયબ ચૂંટણી અધિકારી પ્રજાપતિએ બેઠકના પ્રારંભે પ્રેઝન્ટેશનના માધ્યમથી આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે વિભાગવાર જવાબદારીઓની છણાવટ કરી કચેરી-જાહેર સંસ્થાઓમાં ‘‘મતદાર જાગૃતિ મંચ’’ની રચના તેમજ મતદાર જાગૃતિ અંતર્ગત સ્વીપ કામગીરી તેમના ૨૫મી જાન્યુએ રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી વગેરે બાબતે પ્રકાશ પાડ્યો હતો. અધિક કલેકટર કે. એસ.ઝાલાએ અધિકારીઓની સમીક્ષા બેઠકમાં સરકારી બાકી લેણાંની વસૂલાત, પેન્શન કેસો, નાગરિક અધિકારપત્ર, પડતર તુમાર સહિતના પ્રશ્નો તેમજ પદાધિકારીઓના પ્રશ્નોની છણાવટ કરી હતી. આ બેઠકમાં પશ્ચિમ વિભાગના પોલીસ વડા એમ.એસ.ભરાડા, પૂર્વ કચ્છના એસપી પરીક્ષિતા રાઠોડ, ભુજ પ્રાંત આર. જે. જાડેજા, અબડાસા પ્રાંત ડી. એ. ઝાલા, મુંદરા પ્રાંત અવિનાશ વસ્તાણી, નખત્રાણા પ્રાંત જી.કે.રાઠોડ, ભચાઉ પ્રાંત શ્રી જોષી માર્ગ-મકાનના કે.આર.પટેલ, પશુપાલનના ડો.બ્રહ્મક્ષત્રિય, પ્રોજેકટ ઓફિસર રવિરાજસિંહ ઝાલા, ડીપીઓ સંજય પરમાર સહિતના જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.