બેરોજગારી મુદે અબડાસા MLA પી.એમ. જાડેજા આક્રમક : અલ્ટ્રાટેક સામે 16મી થી આમરણાંત ઉપવાસ

1,055

નલિયા : અબડાસાના ધારાસભ્ય પી.એમ જાડેજાએ સ્થાનિકોએ રોજગારી ન અપાતી હોવાની ફરિયાદ સાથે 16 જાન્યુઆરી થી આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે. આ બાબતે શ્રી જાડેજાએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને લેટર લખી રજૂઆત કરી છે. આ લેટરમાં જણાવ્યું છે કે સરહદી વિસ્તાર અબડાસામાં ખેતી અને પશુપાલન મુખ્ય બે રોજગારીના સ્ત્રોત છે. આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે ખેતી અને પશુપાલનના વ્યવસાયની કમર તુટી ગઇ છે. પશુઓ માટે પુરતા પ્રમાણમા ઘાંસચારો અને પાણી ઉપલબ્ધ નથી અને દિવસે દિવસે બેરોજગારીના કારણે ગ્રામ્ય વિસ્તારનું આર્થિક પતન થઈ રહ્યું છે. સરહદીય વિસ્તાર હોવાથી દેશની સુરક્ષા માટે પણ આ ગંભીર બાબત છે. અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવતા નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે. તેમજ આ વિસ્તારમાંથી લિગ્નાઇટ, બેન્ટોનાઇટ, બોકસાઇટ, ચાઇના કલે અને મીઠા જેવા અનેક ખનીજો ઉદ્યોગો તેમજ સરકારને મળે છે. જેમાંથી સરકારને વધુમાં વધુ આવક કચ્છ અને તેમાય ખાસ અબડાસામાંથી થાય છે. હાલ અછતની પરિસ્થિતિના કારણે ઉદ્યોગો દ્વારા સ્થાનિકોને રોજગારી મળે તે જ લોકોનુ ગુજરાન ચલાવવા માટે એક માત્ર વિકલ્પ છે. સરકારને વધુ આવક આપતા વિસ્તારમાં આવેલા ઉદ્યોગો દ્વારા રોજગારી મુદે સ્થાનિકોની અવગણના કરી રોજગારી આપવામાં આવતી નથી. આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતા આ સમસ્યાનો ઉકેલ આવ્યું નથી. માટે કંપનીઓ દ્વારા સ્થાનિકોને રોજગાર આપવામાં આવે અને સરકાર દ્વારા પશુધનને ઘાસ ચારો તેમજ પાણી પુરો પાડવાની માંગ સાથે આગામી 16 જાન્યુઆરી થી આમરણાંત ઉપવાસ કરવાની ચીમકી અબડાસા MLA દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

Get real time updates directly on you device, subscribe now.