જેન્તીભાઈ ભાનુશાલીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, કચ્છમાં તપાસનો ધમધમાટ

1,741

ભુજ : કચ્છના લડાયક અને કદાવર નેતા પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં હત્યા થયા બાદ કચ્છ ભરમાં શોક સાથે સન્નાટો છવાઈ ગયો હતો.તેમના પરિવાર જનોએ તેમના રાજકીય હરીફ અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ સામે આક્ષેપ કરતા પોલીસે છબિલ પટેલ સહિત છ જણા સામે પોલીસે એફઆઈઆર નોંધતા કચ્છમાં તપાસ ટીમોએ ધામા નાખતા આ પ્રકરણે કચ્છમાં ચકચાર જગાવી છે.બીજી તરફ આજે નરોડા મૂક્તિ ધામ ખાતે સદગત જેન્તીભાઈ ભાનુશાલીની અંતિમ ક્રિયા વખતે કચ્છ સહિત રાજયના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ભાનુશાલી પરિવારમાં આક્રંદ વચ્ચે તેમની પુત્રી ખૂશાલી બેભાન બની જતા કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.આજે નરોડા મૂક્તિધામ ખાતે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તીભાઈ ભાનુશાલી ની અંતિમવિધિ સમયે રાજ્ય સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, બાબુભાઈ મેઘજી શાહ, ભીખુભાઈ દલસાણીયા, ગોરધન ઝડફીયા, રણછોડ રબારી, રમણલાલ વોરા, કચ્છ ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ, તારાચંદ છેડા, ડો.નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ઘનશ્યામ આર. ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.અંતિમ યાત્રા સમયે અબડાસાના રાતા તળાવના મનજી બાપુ ઉપસ્થિત રહ્યા હતા.

વધુ મળતી વિગતો મુજબ આ રાજયભરમાં ચકચાર જગાવનાર કદાવર નેતાની નિર્મમ હત્યામાં જેમની તરફ શંકાની સોય તકાઈ હતી તે છ જણા વિરૂધ્ધ એફઆઈઆર દાખલ કરાઈ છે. જેમાં સ્વ.જેન્તીભાઈના રાજકીય હરીફ અને વિધાનસભા ચુંટણી બાદ હાથ વડે ફાયરીંગનો સંકેત આપનાર છબિલ નારણભાઈ પટેલ, તેને સાથ આપનાર મનીષા ગોસ્વામી (વાપી) જેન્તી જેઠાલાલ ઠક્કર (ડુમરા)અને પત્રકાર કહેવાતા ઉમેશ પરમાર, અને છબિલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ તેમજ સુરજીત ભાઉ (વાપી) અને અન્ય મળતીયાઓ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૦૨, ૧૨૦(બી) ૩૪, તથા આર્મ્સ એકટની કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો છે.અબડાસા સહિત કચ્છભરમાં પોતાનો ચાહક અને સમર્થક વર્ગ ધરાવતા જેન્તીભાઈ ભાનુશાલીની નિર્મમ હત્યા બાદ કચ્છમાં આઘાતની લાગણી ફેલાઈ છે.તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કડક કાર્યવાહીના નિર્દેશ આપતા જ એફઆઈઆર નોંધાવાની સાથે સીઆઈડી ક્રાઈમ અને એટીએસ સહિતની ટીમોએ કચ્છમાં તપાસનો ધમધમાટ આદર્યો છે.રાજ્યમાં વિવિધ મુદ્દે ચર્ચા અને રાજકારણનું કેન્દ્ર રહેલા કચ્છમાં કદાવર નેતા જેન્તીભાઈ ભાનુશાલીની હત્યા બાદ તપાસ એજન્સીઓ અને ચર્ચાના કેન્દ્રમાં ફરી કચ્છ આવ્યું છે.કચ્છના રાજકારણમાં લડાયક છબિ ધરાવતા જેન્તીભાઈ ભાનુશાલીની આજે અંતિમ યાત્રા જોઈ લાગણીવશ અનેક સમર્થકો, કાર્યકરોની આંખો ભીંજાઈ હતી.તેમના વતન હાજાપર અને નલિયામાં લોકોએ પાંખી પાળી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.