સરકારી અનાજના ગોડાઉનમાં અનાજની ગેરરીતિ આચરનાર સામે પાસાની કાર્યવાહી કરો : આદમ ચાકી

453

ભુજ : સરકારી ગોડાઉનમાં અનાજ ની ગેરરીતિ આચરનાર સામે પગલા લેવા આદમ ચાકી દ્વારા આજે કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. આદમ ચાકીએ જણાવ્યું છે કે ગત 5 તારીખે ગેરકાયદેસર રીતે સરકારી અનાજના ગોડાઉનમાંથી રજાના દિવસે અનાજની હેરફેર કરતા અનાજનો જથ્થો પકડયો હતો. આ બાબતે અગાઉ પણ ગોડાઉન ભાડે આપવામાં તેમજ અનાજની ગેરકાયદેસર હેરાફેરીની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ 27 જાન્યુઆરીના અધિક મુખ્ય સચિવ પુરવઠા વિભાગને કરેલ છે. જેની તપાસ હાલ ચાલુ છે. જેના વિરુદ્ધ ફરિયાદ થયેલ તે જ માલિકના ગોડાઉનમાં આ કૌભાંડ બે દિવસ અગાઉ અમોએ રંગેહાથ પકડેલ છે. જાહેર રજાના સરકારી ગોડાઉન બંદ હોય છે તેનો લાભ લઈ ખાનગી વાહન દ્વારા લઇ જવાતી 297 ઘઉંની અને 12 જેટલી ખાંડની બોરી સાથે પકડી પાડેલ ત્યારે પુરવઠા ગોડાઉનના મેનેજર ખુદ હાજર હતા. આ બાબતે તેઓને પુછતા તેઓએ પુરવઠા અધિકારીની મૌખિક સુચના હોવાનું જણાવ્યું હતું. ટેમ્પો ચાલક પાસેથી માલ ઉપાડવા માટે પહોંચ અને ગેટપાસ માંગતા તેના દ્વારા બતાવેલ જુની તારીખથી હતી અને તેમા દર્શાવેલ ગાડી નં. પણ અલગ હતા. ઉપરાંત ગોડાઉનમાં મુખ્ય સુત્રધારનો ભાડુંત ગેરકાયદેસર વસવાટ કરી રહ્યો છે. તેમજ આ ગોડાઉનમાં સી.સી. ટીવી કેમેરા લાગેલ હતા જે બાબતે ગોડાઉન અધિકારીને પૂછતાં તેઓએ જણાવ્યું કે સરકાર તરફથી કેમેરા લગાડવામાં આવ્યા નથી ગોડાઉન માલિકે લગાડયા હશે. આમ મુખ્ય સુત્રધારે પોતાના કૌભાંડના મોનીટરીંગ માટે સરકારી ગોડાઉનમાં ગેરકાયદેસર કેમેરા લગાડેલ છે. આ બાફતે આગાઉ ગોડાઉનને અડીને લોટ દળવાની ફેકટરીમાં સરકારી અનાજના પૂરવઠાનું ખાનગી બોરીઓમાં પેકિંગ કરી તેમાંથી સરકારી અનાજના લેબલોને સળગાવી પુરાવાનું નાશ કરાતો હોવાની ફરિયાદ પૂરાવા સહિત કરેલ છે જેની તપાસ હાલમાં ચાલુ છે. અગાઉ ફરિયાદ વખતે લોટ દળવાની ફેકટરીના ઉલ્લેખ કરેલ તેને હાલમાં ખસેડીને તે જગ્યાને પૂરવઠા વિભાગે ભાડે રાખેલ છે. તે જગ્યાએ રવિવારે જાહેર રજાના દિવસે કૌભાંડ રંગે હાથ પકડેલ છે. પુરવઠા વિભાગ તેમજ ગોડાઉન માલિકની સાંઠગાંઠથી ચાલતા સુનિયોજિત કૌભાંડના જવાબદારો તેમજ અધિકારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત આદમ ચાકીએ કરી છે. રજૂઆત વખતે ડો. રમેશ ગરવા, ઘનશ્યામસિંહ ભાટી, એચ. એસ. આહિર, હુશેન થેબા વગેરે હાજર રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.