“રાઈઝિંગ કશ્મીર” અખબારના સંપાદક શુજાત બુખારીની ગોળી મારીને હત્યા કરાઈ

414

ઉતરી કશ્મીરના કિરી ગામમાં શુજાત બુખારીના ઘરમાં દરેક આંખમાં ભેજ છે અને દરેક ચહેરો ઉદાસ છે. પોતાની હોય કે પારકી દરેક વ્યક્તિ ગમગીન છે અને શુજાત બુખારીના મૃત્યુનો અર્થ શોધી રહી છે. સિનિયર પત્રકાર શુજાત બુખારીની તેમની જ ઓફિસની બહાર શ્રીનગરની પ્રેસ કોલોનીમાં કેટલાંક અજ્ઞાત હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી. આ ઘટનામાં બે સુરક્ષા કર્મીઓ પણ માર્યા ગયા. કિરીમાં તેમના ઘરના આંગણામાં લોકોની ભીડ જામેલી હતી. ઘરની પરસાળમાં બેઠેલી ઘણી મહિલાઓ જોર જોરથી રોઈ રહી હતી. એક વડિલ મહિલા ચીસો પાડી પાડીને કહી રહ્યાં હતાં, “મારા ઓફિસર તમે ક્યાં ગયા.”

આંગણામાં શુજાત બુખારીનો મૃતદેહ કપડામાં લપેટીને ખાટલા પર મૂકેલો હતો. આ અંતિમ વિદાયમાં સામેલ થવા ઘણા મિત્રો અને સંબંધીઓ આવ્યા હતા. શુજાત બુખારી તેમની પાછળ બે દીકરા, પત્ની અને માતાપિતાને વિલાપ કરતાં છોડી ગયા છે. શુજાત બુખારી કાશ્મીરના અંગ્રેજી દૈનિક અખબાર ‘રાઈઝિંગ કાશ્મીર’ના સંપાદક પણ હતા. તેમની ગણના વરિષ્ઠ પત્રકારોમાં થતી હતી. આ ઘટનાની કાશ્મીરના અલગાવવાદીઓથી લઈ ભારતના સમર્થનના રાજકીય પક્ષોએ નિંદા કરી છે.

શુજાત બુખારીના બે માળના મકાનનો દરેક રૂમ લોકોથી ભરાયેલો હતો અને બધા જ શોકમાં ડૂબેલા હતા. સઈદ બશારતે આ ઘટનાની નિંદા કરતા કહ્યું, “આખું ઘર આઘાતમાં છે. અમારી પાસે તેને વ્યક્ત કરવાના શબ્દો પણ નથી. અમને નથી ખબર કે આવું કોણે કર્યું પણ જેણે પણ કર્યું છે તેણે એક ઘડાયેલા પત્રકાર, એક કલમકશ અને એક બુદ્ધિજીવીની હત્યા કરી છે. આ એક ઘૃણાસ્પદ હત્યા છે. શુજાત સાહેબ દરેક મંચ પર પીડિતોનું પ્રતિનિધિત્વ કરતા હતા. જેમણે પણ આ કર્યું છે, તેમણે રમજાનના પવિત્ર મહિનાનો પણ લિહાજ નથી રાખ્યો.

શુજાત બુખારી ઘણા વર્ષોથી શ્રીનગરમાં રહેતા હતા. તેમના ઘણા સંબંધીઓ પણ શ્રીનગરમાં રહે છે. ઈદ અથવા કોઈ મોટા તહેવારો હોય ત્યારે બધા પોતાના ગામમાં જ એકઠા થતા હોય છે. બશારત કહે છે, “અમારા જેટલાં પણ સંબંધીઓ શ્રીનગરમાં રહે છે, એમની પાસેથી એવી અપેક્ષા રહે છે કે એ બધા જ ઈદ જેવા તહેવારો પર અમારા ગામ આવે. એટલે એમની (શુજાત બુખારી)ની પણ રાહ જોવાઈ રહી હતી.” તેમણે એક નિસાસો નાખીને કહ્યું, “જે હરખ હતો બધો જ શોકમાં પલટાઈ ગયો.” શુજાત બુખારીના ગામના એક યુવક આદિલ કહે છે, “અહીં નિર્દોષોનો જીવ જતો રહે છે. આવી હત્યાની દરેક વ્યક્તિ નિંદા જ કરશે. આ એક નિર્દોષની હત્યા છે. આજ સુધી એમણે કોઈની સાથે ઊંચા અવાજે વાત પણ નહોતી કરી. અમે જ્યારે પણ તેમને મળવા જતા ત્યારે એ અમને દીકરા જેવા સમજતા હતા.

એમના એક નજીકના મિત્ર તારિક અલી મીર કહે છે કે શુજાત બુખારીની જે રીતે હત્યા કરવામાં આવી એ ઘણા સવાલ ઊભા કરે છે. તેમણે કહ્યું, “કાશ્મીરના પત્રકારત્વનું એક પ્રકરણ બંધ કરી દેવામાં આવ્યું. મને કોઈ જણાવે કે એક પત્રકાર ક્યાં સુરક્ષિત છે. પત્રકાર સમુદાય માટે આ એક મોટી ઘટના છે.” અત્યાર સુધી કોઈ પણ સંગઠન અથવા જૂથે આ હુમલાની જવાબદારી નથી લીધી. જમ્મૂ-કાશ્મીર ઝોન પોલીસે શંકાસ્પદ હુમલાખોરોની તસવીરો જાહેર કરી છે. થોડા વર્ષો પહેલાં પણ શુજાત બુખારીનું અપહરણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ વખતે તે બચીને નીકળી ગયા હતા. પોતાનું અખબાર શરૂ કર્યું તે પહેલાં શુજાત બુખારી ‘ધ હિંદુ’ અખબારના બ્યૂરો ચીફ હતા.

Get real time updates directly on you device, subscribe now.