અમન-શાંતિ અને ભાઇચારાના સંદેશ સાથે ભુજ, ગાંધીધામ, માધાપર સહિત સમગ્ર કચ્છમાં રમઝાન ઇદની ઉજવણી

508

ભુજ : ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે સમગ્ર દેશ સાથે કચ્છમાં કોમી એકતા સાથે ઇદની ઉજવણી થઈ રહી છે. સમગ્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇબાદત કર્યા પછી આજે કચ્છમાં ઇદના દિવસની ઉજવણી થઈ રહી છે. ભુજ, ગાંધીધામ વગેરે મોટા શહેરો સાથે સમગ્ર કચ્છમાં આજે વહેલી સવારે ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. નમાઝ પડીને વિવિધ જગ્યાએ કચ્છમાં કોમી એકતા જાળવાઇ રહે, આ વર્ષે સારો વરસાદ વરસે તેવી દુઆ કરવામાં આવી હતી. ભુજમાં વહેલી સવારે મુખ્ય ઇદગાહ પર નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો ગળે મળીને એક બીજાને મુબારક બાદ પાઠવી હતી. મુસ્લિમ અગ્રણીઓ હાજી આદમ ચાકી, ઇબ્રાહીમ હાલેપોત્રાએ તમામ હિન્દુ મુસ્લિમ ભાઇઓને ઇદની મુબારક બાદ પાઠવી કચ્છની સાથે સમગ્ર દેશમાં ભાઇચારો કેળવવી અને તમામ ધર્મ અને જાતિના લોકો સાથે હળી મળીને રહેવા તેમજ ગરીબો અને મઝલુમોની મદદ કરવા સંદેશ આપ્યો હતો. ગાંધીધામમાં તમામ મસ્જિદમાં ઇદની નમાઝ અદા કરવામાં આવી હતી. નુરી મસ્જિદમાં મૌલાના શકુર તેમજ તયબા મસ્જિદમાં મૌલાના શોકતઅલીએ નમાઝ અદા કરાવી હતી. કચ્છમાં સારા વરસાદ અને સમગ્ર હિંદુસ્તાન અમન અને ભાઇચારા માટે દુઆ કરવામાં આવી હતી. તેમજ ઇદના મોકા પર ગરીબ, અનાથ અને વિધવાઓની મદદ કરી તેમને પણ આ ખુશીમાં સામેલ કરવા સંદેશ અપાયો હતો. મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ તમામ હિન્દુ મુસ્લિમ ભાઇઓને ઇદની મુબારક બાદ પાઠવી અમન શાંતિ અને ભાઇચારાનો સંદેશ આપ્યો હતો. માધાપરની ઇદગાહ મધ્યે પણ આજે ઇદ નમાઝ અદા કરવામાં આવી હતી. વહેલી સવારે માધાપર ઇદગાહ મધ્યે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદ નમાઝ પળી અને એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. માધાપર મસ્જિદો કૌષરના ઇમામ અબ્દુલરઝાક રીઝવીએ નમાઝ અને ખુતબો પળાવી અને દુઆ કરી હતી.

Get real time updates directly on you device, subscribe now.