હાર્દિક પટેલની રાહુલ ગાંધી સાથે મુલાકાત પૂર્વે ભાજપનો સવાલ : કોંગ્રેસ પાટીદારોને ઓબીસી ક્વોટામાંથી અનામત આપશે ?

224

અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત ગોઠવાઈ રહી છે. તેવામાં ગુજરાત ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવાની સાથે એવો સવાલ ઉભો કર્યો છે કે શું કોંગ્રેસ પાટીદારોને ઓબીસી ક્વોટામાંથી અનામત આપશે? ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસની બે મોઢાની વાત સામે તીવ્ર પ્રત્યાઘાતો આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસની આવી બેધારી નીતિ-રીતિને ગુજરાતની પ્રજા ક્યારેય સ્વીકારશે નહિ. કોંગ્રેસ ક્યારેય પણ ભાજપ સાથે સીધી ટક્કર લઇ શકે તેમ નથી માટે સમાજના વિવિધ વર્ગો વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવીને પ્રોક્ષીવોર કરી રહી છે. તેમાં ગુજરાતની શાણી-સમજુ પ્રજા તેમને ક્યારેય ફાવવા દેશે નહિ અને આવનારી ચૂંટણીઓમાં ગુજરાતની પ્રજા કોંગ્રેસને પોતાનું સ્થાન બતાવી દેશે.પંડ્યાએ કોંગ્રેસની જ્ઞાતિવાદ, કોમવાદ, વંશવાદની રાજનીતિ પર તીવ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, આવનારો સમય એ જ્ઞાતિ-જાતિમાં વેર-ઝેર ફેલાવાનો નહિ પણ વિકાસને વધુ વેગવંતો બનાવવાનો છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ હતા અને કોંગ્રેસમા જ ગયા છે પણ તેમણે સમગ્ર ઓબીસી સમાજને ગેરમાર્ગે દોર્યો છે. ઓબીસી કમિશને બંધારણીય દરજ્જો આપવાના બિલને ભાજપાએ લોકસભામાં બહુમતીથી પસાર કર્યું છે.

કોંગ્રેસ રાજ્યસભામાં વિરોધ કરીને આ બિલને કેમ અટકાવી રાખ્યું છે ? તેનો જવાબ કોંગ્રેસ અને અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજને આપે. સમાજને ગેરમાર્ગે દોરીને પોતાની રાજકીય ઈચ્છાને સંતોષવા આ પગલું ભર્યું છે પરંતુ ગુજરાતના ૧૪૬ બક્ષીપંચના સમાજો કોંગ્રેસની બક્ષીપંચ વિરોધી નીતિઓ સાંખી નહિ લે. સંપૂર્ણં બક્ષીપંચ સમાજ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ભૂંડી રીતે હરાવીને તેનો જડબાતોડ જવાબ આપશે. વધુમાં પંડ્યાએ જણાવ્યું હતું કે, પોતાનું ઘર પણ સાચવી ન શકનારી કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓનું શું ભલું કરશે ? રાજ્યસભામાં પોતાના પરિવારના માનીતા એક સભ્યને જીતાડવા ગુજરાતના ૪૪ ધારાસભ્યોને બેંગલોરના રિસોર્ટમાં ગોંઘીરાખી બંધક બનાવાયા હતા. પૂરસંકટ સમયે પણ પોતાના વિસ્તારમાં જવા દીધા ન હતા. પૂર અસરગ્રસ્ત વિસ્તારોની પ્રજા ના શ્રાપ  કોંગ્રેસને નડવાના છે. કોંગ્રેસ ૫૭ માંથી ૪૩ પર પહોંચી ગઈ છે અને હવે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ સંપૂર્ણ પણે નેસ્તોનાબુદ થઇ જવાની છે. હાર્દિક જયારે કોંગ્રેસના રાહુલ ગાંધીને મળે ત્યારે “પાસ”ન લોકોએ ૪ માંગણીઓ કોંગ્રેસ સમક્ષ કરી હતી તેમનો જવાબ પણ માંગે અને ઓબીસીમાંથી પાટીદાર સમાજને અનામત આપવા માંગે છે કે કેમ તેનો જવાબ પણ રાહુલ ગાંધી પાસે માંગે તેમ ભારત પંડ્યાએ યાદીમાં જણાવ્યું હતું.

Get real time updates directly on you device, subscribe now.