ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન લોહાણા સમાજના કદાવર આગેવાન ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં સામેલ
ભુજ : ગઇ કાલે વિધાનસભા ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ હતો. ત્યારે ગઇ કાલે મોડી રાત્રે ભુજ વિધાનસભા બેઠક પર ખૂબજ મોટી મુવમેન્ટ થઈ છે. ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરત રાણાએ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.
ભુજ વિધાનસભા બેઠક પર છેલ્લા 15 વર્ષોથી ભાજપનો કબ્જો છે. ભુજ બેઠક પર મુખ્ય નિર્ણાયક ભુજ શહેરના મતો છે. ભુજ શહેર આમ તો સતત ભાજપ સાઇડ રહ્યું છે. ગઇ કાલે ભુજ શહેરમાં કોંગ્રેસ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કહેવાય છે કે હાલ લોહાણા રઘુવંશી સમાજ પોતાને ટિકિટ મુદે અવગણના થતા ભાજપથી નારાજ છે. તેના વચ્ચે ભુજ શહેરમાં ભાજપના કદાવર નેતા, લોહાણા સમાજ અગ્રણી, ભુજ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન ભરત રાણા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.
કચ્છના એક દૈનિકમાં પોતા આપેલ જાહેરાતમાં જણાવેલ છે કે ભાજપની સરમુખત્યારશાહી પાયાના કાર્યકરો તેમજ રઘુવંશી લોહાણા સમાજની સતત થતી અવગણના અને સ્થાનિક નબળી નેતાગીરી અને કિન્નાખોરી ભર્યા વલણથી પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપી કોંગ્રેસ પક્ષમાં જોડાઇ રહ્યા છે.
ભરત રાણા હાલ વાગડ રઘુવંશી લોહાણા પરિવારના ભુજ તાલુકાના પ્રમુખ છે. ભુજ લોહાણા મહાજનના પૂર્વ સહમંત્રી છે. સામજિક અને રાજકીય રીતે સક્ષમ લોહાણા સમાજના અગ્રણી કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસને ભુજ શહેરમાં સંજીવની મળી છે. કારણ કે હાલ ઓવેસીની પાર્ટી મીમ મેદાનમાં હોવાથી ભુજ શહેરમાં કોંગ્રેસના પરંપરાગત મુસ્લિમ વોટબેંકમાં ગાબડુ પડવાની શક્યતા છે. તો સામે ભુજ વિધાનસભા બેઠક પર લોહાણા સમાજની નોંધ પાત્ર સંખ્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ ખેલ પાડી લોહાણા સમાજના કદાવર નેતાને કોંગ્રેસ પ્રવેશ કરાવતા, સમગ્ર વિધાનસભા બેઠક પર તેની અસર થઈ શકે તેવી ચર્ચા રાજકીય આલમમાં થઈ રહી છે.