અદાણી ફાઉન્ડેશન તથા આત્મા –ભુજ દ્વારા મુંદરા તાલુકાનાં કણજરા ગામે “ ગાય આધારિત ખેતી “ અંગે જાગૃતી માટેની કાર્યશાળા યોજાઇ

156

ભુજ : “ આજે ખેડૂતો પોતાની ખેતીમાં ઉત્પાદન ખર્ચ ઘટે તે માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ગાય આધારિત ખેતી,પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે. પરંપરાગત ખેતી જે આપણા વડવાઓ કરતાં હતા. પણ જ્યારથી આપણે ચીલો ચૂક્યા ત્યારથી આપણો ખોરાક અસલામતી વાળો થઈ ગયો છે. આ કુદરતી ખેતી પર જેટલા વહેલા પાછા વળીશું તેટલો ભાવિ પેઢીને ફાયદો થશે. “ આવી સ્પષ્ટ સમજણ સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમાના શ્રી મનોજભાઈ સોલંકી પોતાના જાત અનુભવો અને પોતે કરેલા સફળ પ્રયોગોની વાત ખેડૂતો સામે રજૂ કરેલ. હજુ પણ સમય આપણા હાથમાં છે, ત્યારે વધારેમાં વધારે ખેડૂતો આગળ આવે. દુનિયાને દિવસમાં ત્રણવાર ભયમુકત અને ઝેરમુક્ત એવો સલામત ખોરાક ખેડૂત સિવાય કોઈ આપી શકે તેમ નથી. તે વાત વિવિધ ઉદાહરણો દ્વારા વાત સમજાવેલ. આ કાર્યશાળામાં કણજરા,વાંકી,ટપ્પર અને બંદરાના કુલ ૨૫૫ ખેડૂતોએ રસપૂર્વક ભાગ લીધેલ.

આત્મા-ભુજના પ્રોજેકટ ડાઇરેક્ટર વાઘેલાસાહેબે જણાવ્યુ કે જે ખેડૂતો ગાય આધારિત ખેતી કરવા માંગતા હોય તેઓને સરકારની પણ વિવિધ યોજનાનો લાભ મળી શકે. કચ્છમાં ૭૦૦૦ થી વધારે ખેડૂતોને એક ગાયના પાલન પોષણ માટે દર મહિને ૯૦૦ રૂપિયા આપવામાં આવે છે. હજુ ૩૦૦૦ જેટલી અરજીઓ આવેલ છે. તેની સાથે આત્મા તથા ખેડૂત તાલીમ કેન્દ્ર –ભુજની વિવિધ યોજનાની માહિતી આપેલ. ખેડૂતોમાં આ માટે જાગૃતતા હોવી જરૂરી છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર –મુંદરાના બાગાયત નિષ્ણાંત જયદીપ ગોસ્વામીએ બાગાયતી પાકોમાં સહેલાઈથી અપનાવી શકાય તેવી પ્રાકૃતિક ખેતી વિષે સમજ આપી જ્યારે પણ જરૂર હોય ત્યારે સ્થળ પર આવી માર્ગદર્શન આપવાની તૈયારી બતાવી હતી. યુ. એન. ટાંકસાહેબે ખેડૂતોને અપીલ કરેલ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપનું જ છે,ગામે ત્યારે તમને મૂંઝવતા પ્રશ્નો અંગે સંપર્ક કરવા જણાવેલ.

સાત્વિક સંસ્થા –ભુજથી આવેલ શૈલેષ વ્યાસે અને મનોજ સોલંકીએ બતાવેલા ઉપાયોને કઈ રીતે કાર્યાન્વિત કરી શકાય અને તેમાં ખેડૂતો,સંસ્થા, અદાણી ફાઉન્ડેશન અને સરકાર સાથે મળીને એક નક્કર આયોજન સાથે આગળ વધવા માટે સમજ આપેલ.

અદાણી ફાઉન્ડેશનના યુનિટ સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહે ખેડૂતો માટે ખાસ સંદેશો પાઠવેલ કે “ આજે સમાજને સ્વસ્થ અને નિરોગી રાખવાં ખેડૂતો જેટલા ઉપયોગી થશે તેટલા બીજા કોઈ થઈ શકશે નહીં. કુદરતી ખેતી એ જ સાચી ખેતી પદ્ધતિ છે. અદાણી ફાઉન્ડેશન હંમેશા ખેડૂતોની સાથે જ છે.” પ્રોજેકટ હેડ શ્રી માવજીભાઇ બારૈયાએ “ આ વિચારો માત્ર અહી જ ન રહે પણ તેનું અમલીકરણ થાય તે માટે જે ખેડૂતો આ ગાય આધારિત ખેતી કરવાની શરૂઆત કરવા માંગતા હોય તેઓને રાધુભાઈ ગોયલનો નંબર આપવામાં આવેલ, તેના પર હા લખીને મોકલશે તેઓનું એક ગ્રૂપ બનાવી તેમને વિશેષ માહિતી, તાલીમ અને જરૂરી મદદ કરી પ્રેરણા અને પ્રોત્સાહન આપી વધારેમાં વધારે ખેડૂતોને આ ખેતી અપનાવે તે માટે માર્ગદર્શન આપવામાં આવશે અને આ ખેતી પદ્ધતિ અપનાવવા માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવેલ.”

આ તાલીમમાં આત્માના નાયબ પ્રોજેકટ ડાઇરેકટર કલ્પેશભાઇએ હાજર રહી માર્ગદર્શન આપેલ. કણજરા તથા ટપ્પર ગામના સરપંચો, તથા ગામના અગ્રણી ખેડૂતો રવાભાઇ આહિર, તાલુકા પંચાયતના પ્રતિનિધિ તથા સજીવ ખેતી કરતાં વરજડી અને ગઢસીસાના મણિલાલ માવાણી, સોહિત દેઢીયા, ગુંદાલાથી સંજયભાઈ, કમલેશભાઈ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહેલ.

સમગ્ર કાર્યક્રમનુ આયોજન અને વ્યવસ્થા સિનિયર પ્રો.ઓફિસર રાધુભાઈ ગોયલ અને કલ્યાણ ગઢવીએ કરી હતી, રાજુભાઇ સોલંકી અને યુવરાજસિંહ મદદરૂપ થયા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરશનભાઈ ગઢવીએ અને આભારવિધિ સરપંચશ્રી શંભુભાઈએ કરી હતી. કાર્યક્રમના અંતે ખોડલધામ પ્રાંગણમા મહેમાનોને હસ્તે વિવિધ પ્રકારના વૃક્ષો વાવવામાં આવેલ,જેના ઉછેરની જવાબદારી સ્થાનિક યુવક મંડળે સ્વૈચ્છિક રીતે સ્વીકારી. જેનો સૌએ રાજીપો વ્યક્ત કરેલ.

Get real time updates directly on you device, subscribe now.