સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનું સામાજિક સુકાન કોને? મોભીઓના દાવા-પ્રતિદાવા વચ્ચે કચ્છનો યુવાવર્ગ મેદાનમાં ઉતારશે..!!

2,073

ભુજ : દરેક સમાજમાં સામાજિક પ્રવૃત્તિઓ અને સમાજ માટે અવાજ બુલંદ કરવાનો એક પ્લેટફોર્મ હોય છે.કચ્છના મુસ્લિમ સમાજના બુધ્ધિજીવીઓએ અનેક ચઢાવ ઉતાર બાદ ભારે મહેનતથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનું ગઠન કર્યું હતું, જે જિલ્લામાં એકમાત્ર મુસ્લિમ સમાજ માટે કાર્યરત સંસ્થા છે.આ સમિતિના પ્રમુખોએ સમયાંતરે સમાજના હિતમાં કાર્યક્રમો આપ્યા છે, પરંતું છેલ્લાં કેટલાંક વર્ષોથી મુસ્લિમ સમાજની પ્રતિષ્ઠિત એવી આ સંસ્થાને હરિફાઈ, રાજકારણ અને અનિયમિતતાનું ગ્રહણ લાગતાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ પ્રત્યે અસંતોષનો ગણગણાટ ખૂણે ખાંચે સંભળાતો રહ્યો છે.છેલ્લા એક વર્ષથી કાર્યકારી પ્રમુખ થકી ગાડું ગબડી રહ્યું છે, હવે ટર્મ પૂરી થતાં નવા પ્રમુખની વરણી થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મુસ્લિમ સમાજના શિક્ષિત અને જાગૃત યુવાનોએ સમિતિમાં સુધારણા થાય,નિયમો અનુસાર સમિતિ ચાલે અને મુસ્લિમ સમાજને મજબુત અને જવાબદાર સામાજિક નેતૃત્વ મળે તે માટે યુવાનોએ કમર કસી લેતાં આ મુદ્દો મુસ્લિમ સમાજમાં ભારે ગરમાયો છે.

છેલ્લા કેટલાક સમયથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના વહિવટને લઈને સમાજમાં અંદરોઅંદર અને સોશ્યલ મીડિયામાં ચર્ચાઓ થતી રહી છે, પણ હવે માત્ર અંદરખાને નહીં પણ ખૂલ્લામંચ પરથી યુવાવર્ગ સમાજના આગેવાનોને આકરા સવાલો પૂછવા તૈયારી કરી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.સમાજમાં હંમેશા વડીલોનું ચાલતું હોય છે, અને વડીલોનો મોભો જાળવવો પણ જરૂરી છે, પરંતું છેલ્લાં કેટલાંક સમયથી અખિલ મુસ્લિમ હિત રક્ષક સમિતિની કાર્યપધ્ધતિથી અસંતુષ્ટ સમાજના યુવાનો ખુલ્લેઆમ નવાં પ્રમુખની વરણીની પ્રક્રિયામાં દખલ દઈ સમાજના મોભીઓને અરીસો બતાવશે એવી ચર્ચાએ જોર પકડયું છે.

કચ્છના મુસ્લિમ સમાજના શિક્ષિત યુવાનો અખિલ કચ્છ સુન્ની મુસ્લીમ હિત રક્ષક સમિતિના નવા પ્રમુખની વરણીની તારીખથી પહેલાં જ સક્રિય થયાં છે અને અમૂક મુદ્દે સમાજના જાગૃત લોકો સમક્ષ પોતાની વાત રાખીને આ સંસ્થાને મજબુત બનાવવા એકાદ બે દિવસમાં જ જાહેરમાં આવવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણી અત્યાર સુધી એકતરફી નિર્ણયો લેવા ટેવાયેલા સમાજના આગેવાનોના પણ ભવા ઉંચા થવા લાગ્યાં છે.
કચ્છના અલગ અલગ વિસ્તારોમાંથી યુવાવર્ગમાં એવી માંગ ઉઠી રહી છે કે હવે હિત રક્ષક સમિતિમાં એક તરફી અને અવ્યવસ્થિત નિર્ણયો નહીં ચાલે.હવે એક સિસ્ટમને અનુસરી સર્વ સંમતિથી મજબુત, ઈમાનદાર અને સમાજનાં હમદર્દ વ્યક્તિને સમાજનું સુકાન સોંપાવું જોઈએ.યુવાવર્ગ માંગ કરી રહ્યો છે કે મુફતીએ કચ્છ સૈયદ અહેમદશા બાવા (ર.અ.) દ્વારા આ સમિતિનો પાયો નાંખવામાં આવ્યો હતો પણ સમાજના સક્ષમ, શિક્ષિત,લોકોની નિરસતાના કારણે એકાદ વર્ષથી સમિતિ કાર્યકારી પ્રમુખના શિરે રહી, હવે કાયમી પ્રમુખ તરીકે જેને પણ સમાજ બેસાડે, તે માટે સમાજની સર્વ સંમતિ જરૂરી છે.નહીંતર જૂના નકારાત્મક અનુભવોનુ ફરી પુનરાવર્તન થશે.એવી પણ ચર્ચા છે કે મુસ્લિમ સમાજને સ્પર્શતા અને સમાજની પ્રતિષ્ઠાના મુદ્દાઓમાં સમાધાનકારી વલણ સમાજના યુવાઓને નિરાશામાં ધકેલે છે.

હવે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ પદ માટે સમાજ સમક્ષ દાવાઓ રજૂ થાય, લાયકાત ધરાવતા વ્યક્તિની સર્વ સંમતિથી વરણી થાય અને સંગઠનનું માળખું પ્રથમ ગ્રામ્ય કક્ષાએ, ત્યાર બાદ તાલુકા કક્ષાએ રચવામાં આવે,તાલુકા કક્ષાએથી જ જિલ્લા પ્રમુખના નામો મોકલાય અને ત્યાર બાદ તમામ તાલુકાઓમાંથી તમામ જમાતોના આગેવાનો પ્રમુખ પદ માટે સર્વ સંમતિ સાધીને નામ નક્કી કરે એવી માંગ સમાજનાં યુવાનો કરી રહ્યા છે.અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ કચ્છના મુસ્લિમ સમાજની સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે, તેથી તેના પ્રમુખપદે એવા વ્યક્તિને આરૂઢ કરવામાં આવે, જે સાચા અર્થમાં પોતાની જવાબદારી સમજીને નિભાવી શકે, સમાજને એક તાંતણે બાંધે અને સમાજની પ્રતિષ્ઠા વધારે.

એક ચર્ચા એવી પણ છેડાઈ છે કે જે પણ પ્રમુખ પદની રેસમાં તેમણે લોબિંગ કરવાના બદલે પોતે સમાજ માટે શું કરશે…? ભૂતકાળમાં સમાજ માટે શું કર્યું છે..? સમાજ પ્રત્યેની વિચારધારા શું છે, વગેરે લેખિતમાં રજૂ કરી તેને સાર્વજનિક કર્યા બાદ નિર્ણય સમાજ પર છોડી દેવો જોઈએ.હાલમાં લગભગ નિષ્ક્રિય રહેલી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ પદ માટે અમૂક નામો રેસમાં છે, પરંતું સમાજના શિક્ષિત યુવાનો ઉપરોક્ત બાબતોને લઈને મેદાને ઉતરશે તો પ્રમુખની વરણી લોઢાના ચણા ચાવવા જેવી અઘરી બની જશે તેવી મુસ્લિમ સમાજના યુવાનોમાં ચર્ચા છેડાઈ છે. આગામી દિવસોમાં શું થાય છે, તેને લઈને મુસ્લિમ સમાજના યુવાનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.