માધાપર : ભાજપના મોટા રાજકીય માથા કદ પ્રમાણે વેતરાઇ જતાં કોંગ્રેસ ફાવશે?

1,374

ભુજ : તાલુકાની પ્રતિષ્ઠિત મનાતી અને ભુજ વિધાનસભા બેઠકની ચાવી ગણાતી અહીંની તાલુક અને જિલ્લા પંચાયતની બેઠકો પર જૂના ખેલાડીઓને હાંસિયામાં ધકેલીને તદ્દન નવા ચેહરા ઉતારવાનો જુગાર ભાજપે અજમાવ્યો છે.પરંતું એક સમયે એકબીજાના કટ્ટર હરીફ એવા ભાજપના મોટા ગણાતા માથાઓની બાદબાકી ભાજપ માટે કેટલી નુકશાન કારક બને છે કોંગ્રેસ નબળા, બિલકુલ નવા ઉમેદવારોને પછાડી શકવા પણ કેટલી ક્ષમતા ધરાવે છે એ મુદ્દો માધાપરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા ગઈ કાલે 13 ફેબ્રુઆરીના પૂર્ણ થતા, જિલ્લા તેમજ તાલુકા પંચાયત બેઠકો માટે ઉમેદવારો ના નામ સ્પષ્ટ તથા રાજકીય ગતીવિધીઓ તેજ બની છે. વાત કરીએ માધાપર જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી તાલુકા પંચાયતની બેઠકની, આમ તો માધાપર બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. પણ આ વખતે માધાપર ચૂંટણી જંગ દિલચસ્પ બને તેવા રાજકીય સમીકરણો દેખાઇ રહ્યા છે.

ભાજપ દ્વારા આ વખતે જિલ્લા પંચાયત બેઠક પર માધાપરના પારૂલબેન રમેશ કારા ને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો સામે કોંગ્રેસ દ્વારા પ્રદેશ અગ્રણી અરજણ ભુડીયાના પુત્રવધુ સવિતાબેન ઉર્ફે સીતાબેન સંજય ભુડીયાને જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી જંગમા ઉતારવામાં આવ્યા છે. તાલુકા પંચાયત જુનાવાસ – 1 બેઠક પર ભાજપે પ્રવિણાબેન રતિલાલ રાઠોડને ઉમેદવાર તરિકે પસંદ કર્યા છે, તો કોંગ્રેસ દ્વારા દમુબેન મુકેશ વરસાણીને ઉમેદવાર બનાવાયા છે. માધાપર જુનાવાસ – 2 બેઠક પર લક્ષ્મીબેન શંભુભાઇ ઝરૂ ઉમેદવાર છે. જેની સામે કોંગ્રેસ પક્ષ માથી નર્મદાબેન વાડીલાલ પટેલ ઉમેદવાર છે. માધાપર નવાવાસ – 1 બેઠક પર ભાજપના ઉમેદવાર ભાનુબેન જાદવજી ભુડિયા સામે કોંગ્રેસના ઉમેદવાર તરિકે અમૃતબેન પરેશભાઇ ગામી મેદાને છે. માધાપર નવાવાસ – 2 બેઠક પર ભાજપના ઉમેદવાર તુસારીબેન રવજી વેકરીયા સામે કોંગ્રેસ ઉમેદવાર ભાવનાબેન રમેશ વોરા ચૂંટણી લડી રહ્યા છે.

આ વખતે માધાપરમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ હાજરી પુરાવી છે. તાલુકા પંચાયત માધાપર જુનાવાસ – 1 બેઠક પર આમ આદમી પાર્ટીમાથી નિરાલી ભાવેશ ટાંક દ્વારા ઉમેદવારી કરાઇ છે અને માધાપર જુનાવાસ – 2 બેઠક પર શોભાબેન લાલજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. તો જુનાવાસ – 1 બેઠક પર ભાવનાબેન રમણીક ગરવાએ ઉમેદવારી કરી છે.

છેલ્લા 15 વર્ષથી જુનાવાસ – 2 બેઠક પર ભાજપના યુવા નેતા હિતેષ ખંડોર ચૂંટણી જીતતા આવ્યા છે, પણ આ વખતે આ બેઠક મહિલા અનામત થતા તેઓ ચૂંટણી જંગમાં ઉમેદવાર તરિકે મેદાને નથી. તો છેલ્લા 15 વર્ષથી જિલ્લા પંચાયતમાં ભાજપના તાકતવર પટેલ અગ્રણી જયંત માધાપરિયા અને તેમના પત્ની કૌશલ્યા માધાપરિયા જીતતા આવ્યા છે. કૌશલ્ય માધાપરિયા ગત ટર્મમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તરિકે અઢી વર્ષ કાર્યરત હતા. જયંત માધાપરિયા જેઓ હાલે કચ્છ ભાજપના ઉપપ્રમુખ છે. પક્ષ પ્રમુખ પાટિલની ગાઇડલાઇન મુજબ તેઓ ખૂદ કે તેમના પરિવારનો કોઇ સભ્ય ચૂંટણી જંગમાં ઉમેદવાર તરિકે મેદાનમાં નથી. આમ ભાજપના મજેલા અને જુના જોગીની ઉમેદવાર તરિકે માધાપર ચૂંટણી જંગમાં ગેરહાજરી વચ્ચે ભાજપના નવા મહિલા ચહેરા મેદાને છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ વખતે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરિકે પ્રદેશ કોંગ્રેસ મંત્રી અરજણ ભુડીયાના પુત્ર સંજય ભુડીયાના પત્ની પર પસંદગી ઉતારેલ છે. અરજણ ભુડીયા કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી તેમજ 10 વર્ષ નવાવાસના સરપંચ તરિકે સેવા આપી છે. હાલ તેમના પત્ની પ્રેમીલાબેન નવાવાસના સરપંચ તરિકે કાર્યરત છે. તો માધાપર નવાવાસ – 2 બેઠક પર રમેશ વોરાના પત્ની ભાવનાબેન ઉમેદવાર છે. રમેશ વોરા છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય છે. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસ કિશાન સેલના જોઇન્ટ સેક્રેટરી છે.

આમ કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓના પરિવારના સભ્યો ચૂંટણી જંગમાં ઉતરતા, તેમજ માધાપર ભાજપના જુના જોગી મેદાનથી બહાર હોવાથી ચૂંટણી રસપ્રદ બને તેવી શક્યતા છે. ઉપરાંત માધાપર તાલુકા તેમજ જિલ્લામાં ટિકીટ ફાળવણી મુદે ભાજપમાં છુપો આંતરકહલ હોવાનુ ગામમાં ચર્ચાઇ રહ્યુ છે. આ તમામ પરિબળો જોતા માધાપરમાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી જંગ દિલચસ્પ બને તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યો છે.

Get real time updates directly on you device, subscribe now.