અઝાન વખતે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાષણ રોક્યું : આવા નાટકથી અબડાસાના મુસ્લિમ મતો મળશે નહી : મુસ્લિમ અગ્રણીઓ

2,169

ભુજ : આજે અબડાસા વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર પી.એમ. જાડેજાનું નામાંકન ભરવા સાથે વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો. વિજય વિશ્વાસ સંમેલનમાં પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આઝાનના સમયે પોતાનુ ભાષણ બંધ કરતા મુસ્લિમોની સહાનુભૂતિ મેળવવાની કોશીસ કરી હતી. જો કે આ સમગ્ર મામલાએ રાજકીય વિવાદ સર્જાયો છે. આ મુદે મુસ્લિમ કોંગ્રેસી અગ્રણી હાજી જુમા રાયમા, સલીમ જત, ઇકબાલ મંધરા, સાલેમામદ પઢીયારે અભુ હિંગોરાના નામે સંયુક્ત પ્રેસ યાદી જાહેર કરાઇ છે.

આ તમામ આગેવાનોએ આ બાબતને આવકારી છે, પણ જે પ્રેસ નિવેદન ભુપેન્દ્રસિંહે આપ્યું કે કોંગ્રેસ જાતિવાદની રાજનિતી કરે છે. આ નિવેદનને હાજી જુમા રાયમાએ વખોડ્યો છે. તેઓએ જણાવ્યું કે એક બાજુ તમે અઝાનની ઇજજત કરો છો, બીજી બાજુ તમારા જ સમર્થકો આઝાન પર પ્રતિબંધ લગાડવા સક્રીય છે. લવ જેહાદ અને ગૌ હત્યાના નામે નિર્દોષ મુસ્લિમોની હત્યા કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે છુટો દોર અપાઇ રહ્યો છે. આ તમામ બાબતો તમારી સરકારમાં થઇ રહી છે. જેનાથી ભાજપની જાતિવાદી છબી દેખાઇ આવે છે.

કોંગ્રેસ તાલુકા પ્રમુખ ઇકબાલ મંધરાએ જણાવ્યું કે નખત્રાણાની જાહેરસભામાં કોમી એકતાને પલીતો ચાંપનાર તમારી પાર્ટીના આગેવાનો અને સમર્થકો સાથે તત્કાલ ધારાસભ્ય અને હાલના તમારા ઉમેદવાર સાથે હતા, ત્યારે મુસ્લિમોની લાગણી તમને કેમ યાદ ન આવી? અને આ જાતિવાદ ન હતો તો શું હતું?

જિલ્લા પંચાયત સદસ્ય સલીમ જતે જણાવ્યું કે અબડાસાની પ્રજા ગરીબ અને કોમી એકતાની હિમાયતી છે. સાથે રાષ્ટ્ર ભાવનાથી પણ ભરપૂર છે, પણ આ સરકારમાં મુસ્લિમોએ જે તકલીફ વેઠી છે એ પણ અબડાસા મુસ્લિમો સારી રીતે જાણે છે. માટે ફકત કોમી એકતાની વાતો કરી, જે સભામાં ફક્ત 50 જેટલા મુસ્લિમ બેઠા હોય ત્યા અઝાન વખતે ભાષણ બંધ કરી, મીડિયામાં ગુણ ગાન ગાવાથી મુસ્લિમ મતો મળવાની ગણતરી કરવી ભુલ છે.

મુસ્લિમ અગ્રણી સાલેમામદ પઢીયારે જણાવ્યું કે હવે મુસ્લિમ સમાજ જાગૃત છે. મુસ્લિમ નવ યુવાનો તમામ પરિસ્થિતિ સમજે છે. માટે હવે ઉમેદવાર સાથે પાર્ટીની પણ મુસ્લિમો પ્રત્યેની પોલીસી જોઈ મતદાન કરશે. કોઈ મદારી આવી ટુંક સમયમાં ખેલ બતાડી મત લઇ જાય તે સમય હવે નથી. ચૂંટણી કેમ આવી છે તે અબડાસાની પ્રજા જાણે છે, નેતા વેંચાય છે પણ પ્રજા નથી વેંચાતી. આ વખતે અબડાસાની પ્રજા કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને જીતાડશે તેવો વિશ્વાસ સાલેમામદ પઢીયારે વ્યકત કર્યો હતો.

કોમી એકતાના પ્રદેશમાં હિન્દુ મુસ્લિમોએ એકબીજા માટે બલીદાનો આપ્યા છે. આવા કોમી એકતાની મીશાલ સમાન જિલ્લામાં નફરતના બીજ રોપનાર સત્તાપક્ષના સમર્થકો છે જે પ્રજા સારી રીતે જાણે છે, તેવુ અબડાસા યુથ કોંગ્રેસ પ્રમુખ અભુ હિંગોરાએ જણાવ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.