ફેફસા ૮૦% કામ કરતા બંધ થવા છતાં કોરોનાગ્રસ્ત દર્દી ૭૨ વર્ષીય ચંદુબા જાડેજાને મળ્યું જીવનદાન

218

ભુજ : “હર રોજ ગિરકર ભી મુક્કમલ ખડે હૈ, એ ઝીંદગી દેખ મેરે હૌસલે તુજસે ભી બડે હૈ…” આ ઉક્તિને સાચા પાડતા કોરોનાના ગંભીર દર્દીઓની હિંમત અને કોરોના વોરિયર્સ ડોક્ટર્સ જયારે જોશ સાથે તેમની તમામ શક્તિ કામે લગાડી દે છે ત્યારે કોરોના પણ હાંફી જાય છે.

ગાંધીધામની સેન્ટ જોસેફ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત અનેક દર્દીઓ સાજા થઈ ઘરે સુખરૂપ પરત ફરે છે ત્યારે એક કિસ્સો ખુબજ પ્રેરણા પુરી પાડે છે. લગભગ ૮૦% ફેફસા ફેલ્યોર હોવા છતાં તબીબી સ્ટાફની ૧૧ દિવસની સઘન સારવારથી ૭૨ વર્ષીય ચંદુબા જાડેજા કોરોના મુક્ત બની મોતને મ્હાત આપી જીંદગીને ગળે લગાડી છે. ગાંધીધામના અપનાનગરના રહેવાસી ચંદુબાને જયારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા એ વખતે તેમને છાતીમાં અત્યંત દુખાવો થતો હતો અને તેમાંય કોરોનાનું સંક્ર્મણ…., માટે ફરજપર હાજર આરોગ્ય કર્મીઓ દ્વારા તુરંતુ તેમને આઈ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં સીટી સ્કેન કરતા તેમના ફેફસા ૮૦% ડેમેજ હતા અને ઓક્સિજનનું પ્રમાણ પણ ઓછું જોવા મળ્યું, આવા સમયે ત્યાં કાર્યરત એનેસ્થેસિસ્ટ ડો.જયેશભાઈ રાઠોડ ચંદુબાની સઘન સારવાર કરી અને કોઈપણ ભોગે તેમને કોરોનામુક્ત કરવાની પ્રક્રિયા શરુ કરી. એ વિશે વાત કરતા ડો.રાઠોડ જણાવે છે કે,” ચંદુબાને ૨૪ કલાક વેન્ટિલેટર પર અને ૫ દિવસ ઓક્સિજન આપતા બાયપેપ મશીન પર રાખવામાં આવ્યા હતાં. રેમડેસિવીર જેવા ઇન્જેક્શનનો ડોઝ એકથી વધુ વાર આપવામાં આવ્યો. પણ હું એટલું જરૂર કહીશ કે ચંદુબાનો વિલપાવર ખુબ જ મજબૂત હતો, અમે તેમના ફેફસામાંથી કોરોનાનું ઇન્ફેક્શન દૂર કરવા જેટલી મહેનત કરતા હતા તેનાથી વધુ તો ચંદ્રાબા કોરોના સામે મક્કમ મનોબળથી લડવા માટે મહેનત કરી રહ્યા હતા. ૧૧ દીવસની સઘન સારવારને પ્રતાપે આજે તેઓ મુક્ત થયા છે. ”

હાલ ચંદુબાની તબિયત સ્થિર હોવાનું અને તેઓ રૂટિન મુજબ દિનચર્યા કરી રહ્યા હોવાનું તેમના પરિવારજન ગજેન્દ્રસિંહ જાડેજા જણાવે છે. અને તેઓ રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગનો ખુબ ખુબ આભાર માનતા જણાવે છે કે, મારી માતાને હોસ્પિટલના ડોક્ટરોએ જાન લગાવી સારવાર કરી તેના ફળસ્વરૂપે અમારો પરિવાર અકબંધ રહ્યો છે. આમ સેન્ટ જોસેફ હોસ્પિટલમાં કાર્યરત આઈ.એમ.એ ગાંધીધામના તબીબ ફિઝિશિયન ડો.સુધીર સાકરિયા, એનેસ્થેસિસ્ટ ડો.જયેશ રાઠોડ સહિતના આરોગ્યકર્મીઓની સઘન સારવારથી ચંદુબા કોરોનામુક્ત બની સ્વગૃહે પરત ફર્યા છે.

Get real time updates directly on you device, subscribe now.