21 પોઝિટીવ કેસોની વિગતોમાં ભુલ હોવાની ગડમથલ બાદ તંત્રએ મોડીરાત્રે યાદી જાહેર કરી
ભુજ : ગઇ કાલે કચ્છમાં એક દિવસમાં 21 કોરોના વાયરસ પોઝિટીવ કેસ આવતા કચ્છમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. આ પોઝિટીવ કેસોની વિગતોની જાહેર કરેલ યાદીમાં ગડબડ હોવાનું તંત્રને ધ્યાન દોરાતા, આ યાદી જી.કે. માંથી વહેતી થઇ હોવાનું તંત્રએ સ્વિકાર્યું હતું. તંત્રએ મોડીરાત્રે આ 21 કેસોની સાચી યાદી જાહેર કરી હતી.
ગઇ કાલે 21 પોઝિટીવ કેસ આવતા કચ્છમાં લોકોને આ કેસો કઇ જગ્યાએ આવ્યા તે મુદે વિસ્તૃત જાણ કારી આપવા તંત્ર પાસેથી મીડિયા માધ્યમોએ વિગતો માંગી હતી. જોકે તંત્રના અધિકારીઓએ મોડે સુધી મીડિયાને માહિતી આપવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યાર બાદ મોડેકથી યાદી સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં એ યાદીમાં પણ ભુલો હોવાની ફરીયાદ તંત્ર સમક્ષ કરાઇ હતી. આ યાદીમાં રાપરના ગૌરીપરના બદલે નખત્રાણા તાલુકાનું કલ્યાણપર બતાવાયું હતું, 4 માસના બળકને સુભાષ નગર, ગાંધીધામ ના બદલે ભુજમાં બતાવાયું હતું અને રાપર તાલુકાના પ્રાગપરના બદલે મુન્દ્રા તાલુકાનો પ્રાગપર બતાવાયું હતું. આ છબરડા બાદ તંત્રએ જણાવ્યું કે આ યાદી જી.કે. માંથી બારોબાર વહેતી થઇ છે. જી.કે. માંથી યાદી વહેતી કરનાર જવાબદાર વિરૂદ્ધ કાર્યવાહી કરવા સુધાનું તંત્રએ જાહેર કર્યુ હતુ. ત્યારે આ બાબત સ્પષ્ટ થાય છે કે જી.કે. અને તંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે. નહિંતર આવા છબરડા અને ગડમથલ કરવાની જરૂર ન પડે.
આ મુદે તંત્ર એક જવાબદાર વયક્તિ નક્કી કરી પત્રકારોને સચોટ માહિતી આપે તેવી માંગ પણ ઉઠી હતી. આ તમામ માથાપચી પછી આખરે મોડીરાત્રે તંત્રએ સુધારેલી યાદી જાહેર કરી હતી. તમામ કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઈ છે. હાલ તમામ ક્વોરોનટાઇનમાં હતા. 21 પોઝિટીવ કેસની યાદી નીચે મૂજબ છે.
ભચાઉ તાલુકામાં 10
5 જુના કટારીયા, 2 આમરડી, સામખીયારી, ઘરાણા અને આધોઇમાં 1-1 કેસ.
રાપર તાલુકામાં 4
2 ગૌરીપર અને પ્રાગપર-ગાગોદરમાં 1-1 કેસ.
મુન્દ્રા તાલુકાના નવીનાળમાં 3, માંડવી તાલુકાના મઉંમાં 3 અને ગાંધીધામ સુભાષનગરના ચાર માસના બાળકનો કેસ. આમ ટોટલ 21 પોઝિટીવ કેસ કચ્છમાં નોંધાયા છે.