લુડીયા સબ સેન્ટરમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મુદ્દે જીલ્લા પંચાયતે કૂલડીમાં ગોળ ભાંગ્યો?
ભુજ : તાલુકાના લુડીયા ગામે આરોગ્ય સબ સેન્ટરના બાંધકામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરીયાદ કરાયા બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસનો આદેશ કર્યા બાદ જવાબદાર અધિકારીએ કોન્ટ્રાક્ટરને ક્લિન ચીટ આપી દેતા સમગ્ર મામલે કુલડીમાં ગોળ ભાંગી દેવાયો હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે.ગત તા.6-5ના લુડીયાના તૈયબ સુલેમાન નોડેએ ભ્રષ્ટાચાર અંગે લેખિત રજૂઆત કરી ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર પાસેથી નાણા રીકવર કરાવવાની માગણી કરી હતી.ભ્રષ્ટાચારના પુરાવા રુપે ચાલુ બાંધકામના ફોટોગ્રાફ્સ અધિકારીઓ સમક્ષ રજૂ કરાયા હતા, પરંતું કામ પૂર્ણ થઈ ગયા બાદ તપાસનીશ અધિકારી સબ સહીનો દાવો કરતા અરજદારે ભ્રષ્ટાચાર વિરુધ્ધ તંત્રની તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે.સમગ્ર મામલે જીલ્લા પંચાયતનાં પીઆઈયુ વિભાગના શ્રી જાડેજાનો સંપર્ક કરતા તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ જ નકારી દેતા અરજદારે આપેલા ફોટોગ્રાફ્સ અન્ય બાંધકામના હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમ્યાન ભ્રષ્ટાચાર ન જણાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.બીજી તરફ જીલ્લા પંચાયતના સ્થાનિક સભ્ય સહિત રાજકીય આગેવાનો પણ ભ્રષ્ટાચારના આક્ષેપને સમર્થન આપી રહ્યા છે.પ્રાથમિક તપાસમાં કૌંભાડ જેવું કશું ન હોવાનું જવાબદાર અધિકારી જણાવી રહ્યા છે.ત્યારે આગામી સમયમાં આ મુદે તંત્ર કેવું વલણ અપનાવે છે તેના પર ગ્રામજનોએ નજર માંડી છે.