છતે પાણીએ તરસ્યું કચ્છ : કોંગ્રેસી આગેવાનની હાઈકોર્ટમાં પીટીશન

838

ભુજ: દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં પીવાના પાણીની સમસ્યા ઘેરી બનતી જાય છે.અંતરીયાળ ગામોમાં આજે પણ કુદરતી સ્ત્રોતો પર આધારિત છે.નર્મદા સહિતનો પાણીનો જથ્થો મોજુદ હોવા છતા કચ્છ તરસ્યું કેમ? આ પ્રશ્ન ઉઠાવી પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ આદમભાઈ ચાકીએ હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. કોંગી અગ્રણી આદમ ચાકીએ જણાવ્યું છે કે કચ્છના 875 ગામ અને 6 શહેરોની વસતિ 17 લાખ 80 હજાર ગ્રામ્ય અને 7 લાખ 25 હજાર શહેરી વસતિ છે, 19 લાખ પશુધન આવેલું છે.પાણી પુરવઠા વિભાગે આપેલી માહિતી મુજબ કચ્છને દૈનિક 450 એમએલડીની જરુર છે.જેમાં 171 એમએલડી ગ્રામ્ય વિસ્તાર,102 એમએલડી ઉદ્યોગો માટે, અને 76 એમએલડી પશુઓ માટે જરુરીયાત છે.કચ્છને મળતા પાણીની સ્થિતિ જોઈએ તો પાણી પુરવઠાના 746 બોરમાંથી 120 એમએલડી અને નર્મદાનું પાણી 350 એમએલડી મળે છે.30 એમએલડી અન્ય સ્ત્રોતોમાંથી મળે છે.આમ, દૈનિક 500 એમએલડી પાણી મોજુદ હોવા છતા કચ્છના અંતરીયાળ ગામો પાણી માટે વલખાં મારે છે.જીલ્લા મથક ભુજમાં ચોથા-પાંચમા દિવસે પાણી આવે છે.કચ્છના હિતમાં ગામેગામની સાચી માહિતી એકત્ર કરીને હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કરીશું તેમ જણાવ્યું હતું.કચ્છના કોઈપણ શહેર કે ગામમાં પાણીની તંગી હોય તો ભુજમાં આદમભાઈની ઓફિસના લેન્ડ લાઈન નંબર 02832-226092 પર અથવા ફેકસ નં.02832-222049 પર જાણ કરવા અપીલ કરાઈ છે.કચ્છના ગામે ગામનો પાણીનો પોકાર હાઈકોર્ટના દ્વારે પહોંચાડવાનો નિર્ધાર આદમભાઈ ચાકીએ વ્યકત કર્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.