ભુજ ખાતે પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઇ

97

ભુજ : ભારતના પ્રાચીન ઋષિઓ, યોગીઓ, મુનિઓ યોગાસનોના માધ્યમથી અનેકવિધ સિધ્ધિઓ પ્રાપ્ત કરતાં હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ દ્વારા લાખો-કરોડો લોકો આરોગ્યપ્રદ જીવન પ્રાપ્ત કરી રહ્યા છે, તેવા યોગને જીવનનો હિસ્સો બનાવવા રાજયમંત્રી વાસણભાઈ આહિરે આહ્વાન કર્યું હતું. આજે ભુજ ખાતે આર.ડી.વરસાણી હાઇસ્કૂલનાં મેદાનમાં પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે ઉપસ્થિતિ રહેલા સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનાં કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સાથે ભારતવાસીઓનાં મનમાં તો દિવાળી પર્વ જેવો ઉજવણીનો માહોલ સર્જાયો છે. યોગ થકી ગરીબ કે તવંગર સૌ કોઇ રોગોને નાબૂદ કરી શકે છે, આ તકે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત અને ગુજરાતના જનપ્રિય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મા અમૃતમ યોજના જેવી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં હોવાનું જણાવી યોગ દિવસના સુચારૂ આયોજન બદલ સમગ્ર વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે અતિથિવિશેષ પદેથી કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ પ્રજાજનોને યોગદિનની હાર્દિક શુભેકામનાં પાઠવતાં જણાવ્યું હતું કે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પાંચ વર્ષ પહેલા દેશની સંસ્કૃતિ અને ઐતિહાસિક ધરોહરસમી વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરતી ભારતની યોગ સંસ્કૃતિની અમૂલ્ય ભેંટ વિશ્વના દેશોને ધરીને ૨૧મી જૂને યોગ દિવસની ઉજવવા આહ્વાન કર્યું હતું. આજે સમગ્ર વિશ્વ યોગ તરફ વળ્યું છે. સમગ્ર રાષ્ટ્ર અને રાજયની સાથે આજે કચ્છમાં લાખો લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જોડાયાં છે, સુંદર આયોજન બદલ તેમણે કચ્છના વહીવટીતંત્રને પણ અભિનંદન પાઠવ્યાં હતા. જિલ્લા કલેકટર રેમ્યા મોહને યોગની વૈશ્વિક સ્તરે ઉજવણી થાય છે ત્યારે જિલ્લા કક્ષાએ યોગ દિવસની કચ્છભરમાં શાનદાર ઉજવણી કરાઇ રહેલ છે, તેમ જણાવી તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તેમજ સંસ્થાઓ, કંપનીઓ, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સહિત કચ્છના બીચ, પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ ૪.૬૫ લાખ લોકોએ ઉમંગભેર ભાગ લઇ સમગ્ર કચ્છમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ભુજ નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ નગરપતિ અશોકભાઈ હાથી, જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોષી, પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભ તૌલંબિયા, અધિક કલેકટર કે.એસ.ઝાલા, ડીઆરડીએના નિયામક એમ.કે.જોષી, ભુજ પ્રાંત અધિકારી આર.જે.જાડેજા, સ્ટેમ્પ ડયુટી ના.કલે. એસ.એમ. કાથડ, ડીવાયએસપી જે.એન.પંચાલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એમ.પ્રજાપતિ, ભુજ પ્રાંત શ્રી રવિન્દ્રસિંહ જાડેજા, રોટરીના મોહનભાઈ શાહ, લેવા પટેલના ગોપાલભાઈ ગોરસીયા, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર સહિત જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ જોડાયાં હતા. કાર્યક્રમના પ્રારંભે સૌએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ ખાતેથી કરેલા ઉદ્દબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કચ્છના પાટનગર ભુજ ખાતે આજે પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે અનેરો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓ, કર્મયોગીઓ, પોલીસ, એસ.આર.પી.ના જવાનો, એન.સી.સી. કેડેટસ મોટી સંખ્યામાં જોડાયા હતા. આર.ડી. વરસાણી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા યોગનું માનચિત્ર નિદર્શન પ્રસ્તુત કરાયું હતું આનંદ શર્માના માર્ગદર્શન હેઠળ માસ્ટર ટ્રેઇનર અદ્વૈત ધોળકિયા વગેરે દ્વારા યોગાભ્યાસ કરાવાયો હતો.

Get real time updates directly on you device, subscribe now.