પાણીની તંગી મુદે કચ્છ કોંગ્રેસનાં ધરણા : પ્રજાના ભાગનું પાણી ઉદ્યોગોને વિતરણ કરાતા હાલાકી

314

ભુજ : કચ્છમાં પાણીની અછતને લઇને આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી સામે ટાઉનહોલ પાસે ધરણા કરવામાં આવ્યા હતા. પાણીની અછત મુદે કોંગ્રેસ અગ્રણી આદમ ચાકીએ તંત્રને કરેલ લેખિત રજૂઆતમાં જણાવયું છે કે કચ્છના 875 ગામડા અને 6 શહેરોમાં પાણીની તંગી ઉભી થઇ છે. કચ્છની વસ્તી 24 લાખ જેટલી છે. અને સરકારી રેકર્ડ પર 18 લાખ પશુઓ નોંધાયેલ છે. ગત બે વર્ષમાં ઓછા વરસાદના કારણે પાણીની અછત ઉભી થઈ છે. પાણી પૂરવઠા વિભાગને પાણી વિતરણ માટે 450 એમ.એલ.ડી પાણીની જરુર છે. પાણી પૂરવઠાના સ્થાનિક સ્રોત અને નર્મદાના પાણી સહિત 500 એમ એલ.ડી પાણી કચ્છને મળે છે. જેમાંથી 50 એમ.એલ.ડી પાણીનો વેડફાટ થાય છે. છતાંય કચ્છની દૈનિક 450 એમ.એલ.ડી પાણીની જરૂરીયાત જેટલું પાણી બચે છે. જરૂરીયાત પૂરતું પાણી હોવા છતાંય શહેરી વિસ્તારોમાં 5-6 દિવસે પાણી આવે છે. તેમજ ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા ગણા સમયથી પાણી ન મળતા લોકો ત્યાંથી હિજરત કરી ગયાં છે. આ 450 એમ.એલ ડી માંથી પાણી પૂરવઠા દ્વારા ઉદ્યોગોને 102 એમ.એલ.ડી. પાણી વિતરણ કરાતાં પ્રજાનાં ભોગે ઉદ્યોગોને લીલા લહેર છે. તેમજ ઉદ્યોગોને નર્મદાની લાઇનમાંથી સીધો જોડાણ આપવામાં આવે છે. આ બાબતે યોગ્ય કરવા આદમ ચાકીએ જણાવ્યું છે. નહિંતર આ મુદે ન્યાયલયના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચચારી છે. આ ધરણામાં પ્રદેશ મંત્રી રફીક મારા, રવી ત્રવાડી, પ્રદેશ આગેવાન નવલસિંહ જાડેજા, આદમ ચાકી, નરેશ મહેશ્વરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી.કે હુંબલ, પ્રવકતા દિપક ડાંગર, ગની કુંભાર, નગરપાલિકા વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ હરેશ આહિર વગેરે આગેવાનો જોડાયાં હતા.

Get real time updates directly on you device, subscribe now.