મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિનોદ ચાવડાએ ભર્યું ઉમેદવારી પત્ર
ભુજ : કચ્છ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર જિલ્લા ચુંટણી અધિકારીને રજુ કરવાના પ્રસંગે રાજ્યમંત્રી વાસણ આહીર ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા સહિત કચ્છ ભાજપના હોદેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સવારના ટવીન સીટી ગ્રાઉન્ડ મધ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિત ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં CM એ અયોધ્યામાં રામમંદિર નિર્માણનો ફરી એક વખત નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અને ભારતીય વાયુસેનાએ તાજેતરમાં પાકિસ્તાન પર કરેલ એઇર સ્ટ્રાઇક મુદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યશભાગી ગણાવી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. CM ની સભામાં લોકોને આકર્ષવા ગાયક કલાકારોને પણ બોલાવાયા હતા. સભા પૂર્ણ થયા બાદ ટવીન સીટી ગ્રાઉન્ડથી જિલ્લા કલેકટર કચેરી સુધી ખુલ્લી જીપમાં મુખ્યમંત્રીએ ઉમેદવાર વિનોદ ચાવડા સાથે રોડ શો કર્યો હતો. વિનોદ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છાપ વાળી કોટી પહેરતા લોકોનું ધ્યાન તે તરફ પણ આકર્ષાયું હતું.