“કીં અયો” કહીને રાહુલ ગાંધીએ કચ્છી માડુઓને આકર્ષ્યા : સભા બાદ ભાજપ કોંગ્રેસ કાર્યકરો સામસામે

1,993

ભુજ : 23મીએ મતદાન થાય તે પૂર્વે પ્રચાર જંગની પરાકાષ્ટા રૂપી ભુજ ખાતેની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીના સમર્થનમાં યોજાયેલી આ જાહેર સભામાં કોંગી કાર્યકરોમાં આજે ખરો ઉત્સાહ અને જુસ્સો જોવા મળ્યો હતો. રાહુલ ગાંધીની સભાથી દુષ્કાળથી પીડાતા કચ્છમાં પોલિટિકલ ફીવર છવાઈ ગયો હતો. અને કચ્છ તેમજ મોરબી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો માથી લોકો હજારોની સંખ્યામાં સભા સ્થળે પહોંચ્યા હતા. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સભા સ્થળે કરવામાં આવેલ બેઠક વ્યવસ્થા ઓછી પડતા ટીન સીટી ગ્રાઉન્ડના કિનારા પર ઉભીને લોકોએ રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું હતું. નિર્ધારિત સમય કરતા દોઢ કલાક મોડા પહોંચેલા રાહુલ ગાંધીએ સ્ટેજ પર પહોંચતા જ વિલંબ બદલ લોકો પાસેથી ક્ષમા માંગી હતી. પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ વારંવાર મોદી સરકારની નિષ્ફળતા, રોજગાર, કિસાન અને યુવાનોને સ્પર્શતા મુદાઓની છણાવટ કરી હતી. કોંગ્રેસી કાર્યકરોએ ભાષણ દરમ્યાન બહુ ગાજેલા “ચોકીદાર ચોર હૈ “ના નારા લગાવતા તેમના ભાષણમાં ભ્રષ્ટાચાર અને કાળા નાણાનો મુદો મુખ્ય રહ્યો હતો.

રાહુલ ગાંધીના ભાષણના અંશો

– પોતાના ભાષણની શરૂઆતમાં “કીં આયો ” કહીને ખબર અંતર પુછયા
– પોતાના ભાષણમાં ઉદ્યોગોનો ઉલ્લેખ કર્યો ત્યારે સામે બેઠેલા કાર્યકરો માથી કોઇએ હોસ્પિટલ નામની બુમ પાડતા અદાણી પર તેઓ વરસી પડ્યા અને કચ્છનું ગૌચર, એરપોર્ટ તેમજ હોસ્પિટલ અદાણીને સોંપી દીધું હોવાની વાત કરી
– નરેન્દ્ર મોદી માટે બે હિંદુસ્તાન છે અને બંને પ્રત્યે તેમનો વ્યવહાર અલગ છે. એક હિંદુસ્તાન અદાણી, અંબાણી, વિજય માલ્યા , મેહુલ ચોકસી, નિરવ મોદી અને લલીત મોદી જેવા અબજો પતીઓનો છે, અને બીજો હિંદુસ્તાન ગરીબો કિસાનો અને બેરોજગારોનો છે. દેશનો ઝંડો એક છે તેથી તમામ ભારતીયો એક સમાન છે તેથી કોંગ્રેસ આ ભેદભાવ મીટાવી નાખશે.
– કોંગ્રેસની ન્યાય યોજના દેશના અર્થતંત્રમાં સુધારો લાવશે.
– દેશોમાં સૌથી વધારે જમીન કૌભાંડો ગુજરાતમાં થયા છે, જમીન પચાવવામાં મોદી અને શાહ નંબર વન છે.
– ખેડુતોને ચાર ગણું વળતર અપાવતો જમીન અધિગ્રહણ કાયદો ભાજપ શાસિત રાજયોમાં અમલમાં નથી લેવાતો તેથી જ ભાજપ શાસિત રાજયમાં ખેડુતો સાથે અન્યાય વધુ થઈ રહયો છે.
– કોંગ્રેસની સરકાર આવશે તો નાના ઉદ્યોગકારોને ઉદ્યોગ સ્થાપવા માટે ઠેક ઠેકાણે લેવી પડતી મંજુરી અને લાંચ માથી કાયમી મુક્તિ આપી દેવાશે.
– ખેડુતોએ સરકાર પાસેથી લીધેલી લોન જો ભરપાઈ ન થાયતો ખેડૂતને કોઈ પણ જાતનો દંડ કે સજા નહીં થાય.

પરેશ રાવલના રોડ સો માથી પરત ફરેલા વાહનોને કોંગ્રેસી કાર્યકરોએ રોકયા

 

રાહુલ ગાંધીની સભાની સમાંતર આજે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલની સભાનુ આયોજન કરાયું હતું. માધાપરની સભા પૂર્વે ભુજમાં રોડ શો યોજાયો હતો. રોડ શો પૂર્ણ કર્યા બાદ કેટલાક વાહનો ભાજપના ઝંડા સાથે રાહુલ ગાંધીની સભા સ્થળેથી પસાર થઈ રહયા હતા ત્યારે રોડ પર કોંગ્રેસી કાર્યકરોએ તેમને રોકયા હતા, અને ચોકીદાર ચોર હૈ નો સુત્રોચ્ચાર કર્યો હતો. સામે ભાજપ કાર્યકરોએ પણ સૂત્રોચ્ચાર કરતા એક તબક્કે ઘર્ષણ જેવી સ્થિતી સર્જાતા પોલીસે બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી. પરંતુ જીદે ચડેલા કોંગ્રેસી કાર્યકરો ઉગ્ર બન્યા હતા, અને ચોકીદાર ચોર હૈ ના સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી મુકતા ટ્રાફીક જામ થયો હતો અને સામાન્ય વાહન ચાલકો ફસાયા હતા. કચ્છમાં ચૂંટણી જાહેર થયા પછી ચારે તરફ નીરસ માહોલ વચ્ચે આજે રાહુલ ગાંધીની સભાના સ્થળે બંને પક્ષના કાર્યકરો સામ સામે આવી જતા ખરા અર્થમાં રાજકીય જનુને ચડયા હતા. જોકે પોલીસની સમય સૂચકતાના કારણે અનિચ્છનીય બનાવ બનતા અટકી ગયો હતો.

Get real time updates directly on you device, subscribe now.