ભુજમાં રાહુલ ગાંધીની સભા માટે તડામાર તૈયારીઓ
ભુજ: લોકસભા ચુંટણીનો પ્રચાર જંગ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભુજની સભા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.લોકસભાના સ્ટાર પ્રચારકોમાં છેલ્લે ભાજપના રાષ્ટ્રીય કક્ષાના નેતા રાજનાથસિંહ ગાંધીધામમાં સભા સંબોધી ગયા છે પરંતું દુષ્કાળગ્રસ્ત કચ્છમાં કેમેય કરીને માહોલ જામતો નથી.દરમ્યાન રાહુલ ગાંધીની આવતીકાલની ભુજમાં સભાને લઈને કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.રાહુલ ગાંધીની સભાના કારણે કચ્છ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોનો જુસ્સો બમણો થઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ “સચ્ચે દિન” લાવશે.કચ્છના ખૂણે ખૂણેથી પ્રજામાં રાહુલ ગાંધીને આવકારવા અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.રાહુલ ગાંધીની સભાના કારણે કોંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીની તરફેણમાં માહોલ બનશે તેવો વિશ્વાસ કોંગ્રેસ કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.