જુમા રાયમાનું રાજીનામુ ના મંજુર : ધર્મસભાની આડમાં કોમી વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે કોંગ્રેસ પક્ષ લડત આપશે : અમીત ચાવડા

8,998

ગાંધીધામ : મુસ્લિમ સમાજના અગ્રણી અને કોંગ્રેસ પ્રદેશ કારોબારી સભ્ય હાજી જુમા રાયમાએ કોંગ્રેસ માથી આપેલ રાજીનામાનો કોંગ્રેસ પાર્ટીએ અસ્વીકાર કર્યો છે. આ બાબતે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ હાજી જુમા રાયમાને રૂબરૂ મળવા બોલાવેલ અને તેમની રજૂઆત સાંભળીને પાર્ટી દ્વારા કયારેય મુસ્લિમ સમાજને અન્યાય નહી થાય અને જે પણ રજૂઆત હશે તે ધ્યાને લેવાશે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, બચુભાઈ આરેઠીયા તેમજ જુમા રાયમા સાથે મુલાકાત દરમ્યાન ચર્ચા કરતા જણાવ્યું હતું. વધુમાં પ્રદેશ પ્રમુખે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા RSS , કોમવાદી પરિબળો અને ફાંસીવાદી તાકતો સામેની હંમેશા રહેશે અને પાર્ટી લડત આપશે. કહેવાતી ધર્મસભા જેમાં આડકતરી રીતે ભાજપનો પ્રચાર કરતી તેની ભગીની સંસ્થાઓમાં કોંગ્રેસી તરીકે જે કોઈ જશે તેની પાર્ટી નોંધ લેશે. કારણકે ધર્મસભાની આડમાં આ કટ્ટરવાદી તત્વો કોમી લાગણી ઉશ્કેરી ભાજપનો પ્રચાર કરે છે અને હિન્દુ મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવે છે.

આવા તત્વો સામે કોંગ્રેસ લડત ચલાવશે અને આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષને પ્રજાના આશીર્વાદ મળશે ત્યારે ભગવાન શ્રીરામના સામાજિક ન્યાય, ખ્વાજા ગરીબ નવાઝના મોહબ્બતનો સંદેશ આપતો અને શ્રી કૃષ્ણની બંસુરીના પ્યારનો ભારત કોંગ્રેસ પાર્ટી બનાવશે. રામના નામે મત લઈ રાવણ રાજ બનાવનારાને પ્રજા હાંકી કાઢશે તેવો હુંકાર પ્રદેશ પ્રમુખે કર્યો હતો. તેમજ પ્રદેશ પ્રમુખે હાજી જુમા રાયમાની પાર્ટીને મજબૂત બનાવવાની કામગીરીની પક્ષ કદર કરે છે તેવું જણાવ્યું હતું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે હિન્દુ નો “હ” અને મુસ્લિમનો “મ” બની રહેતા લોકોને તોડવાનુ કામ કરતા કટ્ટરવાદી તત્વો સામે કોંગ્રેસ લડત આપશે અને આવા લોકો કયારે ફાવશે નહીં તેવું જણાવ્યું હતું. તેમજ પાટીદાર અગ્રણી બચુ આરેઠીયાએ જણાવ્યું કે ભગવો પહેરી સીતા માતાને છેતરવા આવેલ આવા રાવણના અનુયાયી સામે કોંગ્રેસ પક્ષનો એક-એક કાર્યકર રામ ભક્ત બની ઉભો રહેશે. આ મુલાકાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સાથે હાજી જુમા રાયમા, બચુ આરેઠીયા, સંજય ગાંધી, જિલ્લા પંચાયત સભ્ય રસીદ સમા, બન્ની વિસ્તારના આગેવાનો હાજી અલાના, ગની હાજીજુસબ, કાસમ મીસરી, ઇબ્રાહીમ બીલાલ, ઇશા મુતવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ હાજી જુમા રાયમા સહિત રાજીનામુ આપનાર તમામ આગેવાનોના રાજીનામા નામંજુર કરાયા છે.

Get real time updates directly on you device, subscribe now.