ભુજના વધુ એક શખ્સ પર પાસાની કાર્યવાહી : મજીદ થેબા પ્રકરણ દબાવવા પાસાની કાર્યવાહી થયાનો આક્ષેપ

2,983

ભુજ : ભુજના વધુ એક શખ્સ વિરૂદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ભુજના મુજાહિદ અલીમામદ હિંગોરજા પર પોલીસ દ્વારા પાસાની કાર્યવાહીની દરખાસ્ત કલેકટરને કરવામાં આવી હતી. આ દરખાસ્ત મંજૂર થતા મુજાહિદ હિંગોરજાને સુરત લાજપોર જેલમાં મોકલવામાં આવેલ. આરોપી મુજાહિદ સરલીના કોળી યુવકની હત્યા કેસમાં આરોપી છે. તેમજ કોટાયના યુવકની હત્યામાં પણ સંડોવાયેલ હતો. જે હાલમાં જામીન મુક્ત થયેલ. આવનારા સમયમાં આરોપી આવા ગંભીર ગુનો આચરે તેવી શકયતા હોવાથી કાર્યવાહી કરાઈ હોવાનું પોલીસની સતાવાર પ્રેસનોટમાં જણાવાયું હતું. આજે ફરી ભુજમાં રહેતો અનવર ઉર્ફે અનુભા ફકીરમામદ લાખા નામના શખ્સ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. આ શખ્સ પણ સરલીના કોળી યુવકની હત્યામાં આરોપી છે અને હાલ તે જામીન મુકત છે. આવનારા સમયમાં આ શખ્સ ફરી આ પ્રકારના ગુનો કરી જાહેર વ્યવસ્થાને બાધા રૂપ થાય તેવી શકયતા હોવાથી જિલ્લાની કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તેના વિરૂદ્ધ કાર્યવાહી થઈ હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.

મજીદ થેબા પ્રકરણ દબાવવા પાસાની કાર્યવાહીનો આક્ષેપ

આ બંને શખ્સો વિરુદ્ધ થયેલ પાસાની કાર્યવાહી મજીદ થેબાના પ્રકરણને દબાવવા થઈ હોવાનો આક્ષેપ ફલાહુલ મુસ્લિમીન સંસ્થાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. સંસ્થાના પ્રમુખ મોહસીન હિંગોરજા તેમજ અન્ય આગેવાનોએ આજે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે મજીદ થેબાના પ્રકરણમાં હાઇકોર્ટમાં હેબીયસકોર્પસ દાખલ કરવામાં આવી છે. તેની સીધી દેખરેખ તેમની સંસ્થા કરી રહી છે. જેમાં મજીદ પ્રકરણમાં એ-ડિવીઝન પોલીસના છ કર્મચારીઓની સંડોવણી ખુલી છે અને અન્ય નાના મોટા અધિકારીઓની સંડોવણી ખુલે તેવી શક્યતા છે. આરોપી પોલીસ કર્મચારીઓને બચાવવા તેમના સગા સંબંધીઓ પર પાસાની કાર્યવાહી થઈ રહી હોવાનું સંસ્થાના પ્રમુખ મોહસીન હિંગોરજાએ આક્ષેપ કર્યો છે. વધુમાં રજૂઆતમાં જણાવાયું છે કે મજીદ પ્રકરણ આવનારા સમયમાં વધુ વેગ પકડે તથા હાઇકોર્ટ દ્વારા ઓર્ડર આવે તેના ડરથી આ કેસમાં સંસ્થા પ્રમુખને હટાવવા માટે તેના સગા ભાઈ બાદ તેના બનેવી પર પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાંથી હટાવવે આવનારા સમયમાં તેમના વિરૂદ્ધ પણ કાવતરું રચી ખોટી ફરિયાદો કરવામાં આવશે તેવી દહેશત મોહસીન હિંગોરજાએ વ્યક્ત કરી છે. માટે તેમના સગા વ્હાલા તેમજ સંગઠનના લોકો વિરૂદ્ધ થઈ રહેલ કાવતરા અટકાવવા રજૂઆતમાં જણાવ્યું છે.

 

Get real time updates directly on you device, subscribe now.