અછત મુદે અબડાસાના MLA કરશે કાલે એક દિવસ ધરણા : અછત જાહેરના દોઢ મહિના બાદ પણ કામગીરી નહિંવત : આદમ ચાકી

465

ભુજ : કચ્છમાં અછતની જાહેરાત થયાને દોઢ મહિનો થયો છતાં બન્ની પચ્છમ વિસ્તારમાં તંત્ર દ્વારા અછતને લગતી કામગીરી નહિંવત થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રદેશ અગ્રણી આદમ ચાકીએ કર્યો છે. આદમ ચાકીએ માલધારી સંગઠનના આગેવાન મુશા રાયશી સાથે બન્ની પચ્છમ વિસ્તારના ઘાસડેપો તેમજ માલધારીઓને રૂબરૂ મુલાકાત લીધી હતી. અંધૌ ગામે ઘાસડેપોની મુલાકાત લેતા ત્યાં ઘાંસ વગરનો ડેપો જોવા મળ્યો હતો. તેમજ ઘાંસની રાહ જોઈ રહેલ મૂંગા ઢોરો દ્રશ્યમાન થયા હતા. ત્યાંના માલધારીઓએ રજૂઆત કરી હતી કે 40-45 ઘાંસડીઓ સામે 175 ઘાંસ કાર્ડ ધારકો વચ્ચે કેવી રીતે ઘાંસ વિતરણ કરવું તે અમારા માટે મોટો પ્રશ્ન છે. આ પરિસ્થિતિના કારણે માલધારીઓ વચ્ચે હાથાપાઇ તેમજ પારિવારીક ઝઘડા થતા હોવાનું માલધારીઓએ જણાવ્યું હતું. આવી જ પરિસ્થિતિ ભીરંડીયારા ડેપો પર જોવા મળી હતી. આ સમગ્ર બાબતે આદમ ચાકી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માહિતગાર કરાયા છે. વધુમાં જણાવાયું છે કે અગાઉ જે રજૂઆત કરવામાં આવી હતી કે બન્ની પચ્છમ અને લખપત તાલુકાના પ્રતિબંધિત વિસ્તારમાં ઉગેલ ઘાંસ ચરાવવા છુટ આપવામાં આવે તે બાબતે પણ હજી સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. અને અછત માટે જે મહેકમ ફાળવવામાં આવેલ તે અધિકારીઓએ ચાર્જ લીધો તેવું કયાંય જાણવા મળ્યું નથી. આ તમામ બાબતોની નોંધ લઇ આ દિશામાં નક્કર કાર્યવાહી કરી મૂંગા પશુઓ અને ગરીબ માલધારીઓ માટે ત્વરીત કામગીરી કરવા માંગ કરાઇ છે.

અબડાસાના MLAના આવતીકાલે ધરણા

અબડાસાના MLA પ્રધ્યુમનસિંહ જાડેજા આવતી કાલે સમગ્ર કચ્છમાં તેમજ ખાસ અબડાસા વિસ્તારમાં ઘાંસ પાણીની તંગી મુદે એક દિવસના પ્રતિક ધરણા કલેકટર કચેરી સામે કરશે. પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું છે કે સમગ્ર કચ્છ અને તેમાંય ખાસ અબડાસા વિધાનસભા વિસ્તારમાં દુષ્કાળ ના કારણે ઘાસચારા અને પાણીની તીવ્ર તંગીને કારણે પશુધન મૃત્યુ પામી રહ્યું છે તેમજ આ સરહદીય વિસ્તારના પશુપાલકો હિજરત કરી રહ્યાં છે ત્યારે અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને પ્રજાના પ્રતિનિધિ તરીકે ગત માર્ચ મહિના થી આવનારા સમય માટે પશુધન માટે ઘાસચારા અને પાણી ની સમસ્યા નિવારવા આગોતરા આયોજનનાં ભાગરૂપે સરકારના વિવિધ વિભાગોમાં ઉચ્ચ કક્ષાએ તેમજ સ્થાનિકે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રે આ ગંભીર બાબત ધ્યાને ન લેતાં વર્તમાન સમયમાં પશુધનના અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિકટ સમસ્યા સર્જાઈ છે ત્યારે પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરવાની માંગ સાથે આવતીકાલે તા.૦૧/૧૧/૨૦૧૮ ને ગુરુવારે સવારે ૧૦:૦૦ વાગ્યે થી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી કલેકટર કચેરી ભુજ સમક્ષ મે અબડાસાના ધારાસભ્ય અને જનપ્રતિનિધિ તરીકે એક દિવસનાં ધરણાં પર બેસવાનું નક્કી કરેલ છે.

Get real time updates directly on you device, subscribe now.