જયંતિ ભાનુશાલી બાદ હવે છબીલ પટેલ પર દુષ્કર્મની ફરિયાદથી રાજકીય આલમમાં ખળભળાટ

3,890

કચ્છ : થોડા સમય અગાઉ કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાલી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. આ પ્રકરણે સમગ્ર ગુજરાતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવ્યો હતો. આ સમગ્ર મામલે અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલદાસ પટેલે રાજકીય અંટસના કારણે જયંતી ભાનુશાલીને ફસાવ્યા હોવાના આક્ષેપ પણ થયા હતા. ત્યારે હવે દિલ્હીના દ્વારકા પોલીસ સ્ટેશનમાં છબીલદાસ પટેલ વિરુદ્ધ એક વિધવા મહિલા દ્વારા દુષ્કર્મ તેમજ બિઝનેસમેન અને રાજ નેતાઓને હની ટ્રેપમાં ફસાવવા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવા બાબતે ફરિયાદ કરવામાં આવી છે. મહિલાની ફરિયાદમાં જણાવાયું છે કે પોતે વિધવા અને ગરીબ પરિવારમાંથી છે. છબીલ પટેલ તેને એક સામાજિક પ્રસંગમાં મળ્યા હતા. છબીલ પટેલે પીડિત મહિલાને કહયું હતું કે પોતે રાજનેતા છે અને પોતાની કમાણીનો 20% હિસ્સો પોતે વિધવાઓ અને ગરીબ લોકો પર ખર્ચ કરે છે. આ મહિલાને NGO બનાવી અને તેના નામે દસ્તાવેજ બનાવી આપવાની લાલચ આપી છબીલ પટેલ દિલ્હી લઈ ગયા હતા. ત્યાં દ્વારકા સેકટર 17 માં આવેલ CNG પંપ પાસેના એપાર્ટમેન્ટના ત્રીજા માળે લઈ જઇ તેને ચાય પીવડાવી હતી. ત્યાર બાદ પીડિત મહિલા બેભાન થઈ જતાં રાત્રે તેના સાથે છબીલ પટેલે દુષ્કર્મ આચરી તેના અશ્લીલ ફોટા પાડી લીધા હતા. આ ફોટા દ્વારા છબીલ પટેલે મહિલાને બ્લેક મેઇલ કરી તેનું વારંવાર શારીરિક શોષણ કર્યાનો તેમજ બિઝનેસ મેન અને રાજનેતાઓ પાસે જઈ તેઓને હનીટ્રેપમાં ફસાવવા મજબુર કર્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પીડિત મહિલાને છબીલ પટેલે એવું પણ કહ્યું કે તારા જેવી અનેક મહિલાઓ મારા અંડરમાં કામ કરે છે. આ સમગ્ર મામલે છબીલ પટેલે તેના વિરુદ્ધ રાજકીય ષડયંત્ર રચી ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હોવાનો ખુલ્લાસો કર્યો હોવાનું માધ્યમોમાંથી જાણવા મળ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.