દુષ્કાળ ગ્રસ્ત કચ્છમાં ગાંડા બાવળમાંથી કોલસો બનાવવાની છૂટછાટની વિસંગતતા દુર કરો : કોંગ્રેસ

920

ભુજ : દુષ્કાળ ગ્રસ્ત કચ્છ જિલ્લામાં ગાંડા બાવળમાંથી કોલસો બનાવીને સ્થાનિકે રોજગારી મળી શકે તે માટે રજુઆત બાદ વન વિભાગ દ્વારા કોલસો બનાવવા માટે ખાસ પરિપત્ર બહાર પાડી છૂટછાટ આપવામાં આવી છે. આ પરિપત્રમાં રહેલી અનેક વિસંગતતાના કારણે નાના ધંધાર્થીઓને પડી રહેલ મુશ્કેલી નિવારવા માટે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી આદમ ચાકી અને જિલ્લા કોંગ્રેસ અગ્રણી રમેશ ગરબાની આગેવાનીમાં કોલસાના નાના ધંધાર્થીઓ સાથે આ બાબતે મુખ્ય વનસંરક્ષક ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ છે. આ રજૂઆતમાં જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારમાં આ કાર્યવાહી માટે બિન જરૂરી કાગળો, પ્રક્રિયા અને કાર્યવાહી કરીને અધિકારીઓ દ્વારા મંજુરી આપવામાં આવતી નથી.

આ પરિપત્રમાં કોલસાના મોટા ધંધાર્થીઓના ઇશારે નાના ધંધાર્થીઓને નુકસાન થાય અને તેમની રોજગારી છીનવાય તેવા નિર્ણયો લેવાયા છે તેને દુર કરવા જોઈએ. પરિપત્રમાં માલિકીની જમીનમાં કોલસા બનાવવાનો ઉલ્લેખ છે પણ જેમના પાસે જમીન નથી તેવા નાના ધંધાર્થીઓ માટે જંગલ વિસ્તાર કે સરકારી જમીન પર કોલસો બનાવવા કોઈ ઉલ્લેખ કરાયેલ ન હોવા થી અધિકારીઓ દ્વારા નાના ધંધાર્થીઓને હેરાન કરવામાં આવે છે. આ તમામ વિસંગતતાઓ દુર કરવા રજૂઆત કરાઇ છે. તેમજ આ પ્રક્રિયાને સરળ બનાવવામાં નહીં આવે તો એક સપ્તાહમાં કોલસાના નાના ધંધાર્થીઓનો સમગ્ર કચ્છમાંથી સંમેલન બોલાવી કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ રજૂઆત દરમ્યાન હુશેન મામદ (તુગા), ઇબ્રાહીમ મામદ (જુણા), ગની સિધ્ધીક (દિનારા), હાજી મલુક (ખાવડા), લતિફ લાખા, અબ્દુલ મોખા, પીન્ટુ ભાઇ, હરેશ નેણસી ઠકકર, ધનજી ભાનુશાલી, ભરતભાઇ વાઘેલા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Get real time updates directly on you device, subscribe now.