ભુજના ગુમસુદા “મજીદ” મુદે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
ભુજ : બે વર્ષ અગાઉ JNUના વિદ્યાર્થી નજીબ ગુમ થયાનો મુદો સમગ્ર દેશમાં ચર્ચાયો અને હમણા સુધી આ મુદે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. આ મુદે બે દિવસ અગાઉ દિલ્હીમાં મંડી હાઉસથી પાર્લામેન્ટ સ્ટ્રીટ સુધી માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચમાં દેશ ભરમાંથી અનેક એક્ટીવીસ્ટો જોડાયા હતા. આ પ્રદર્શનમાં ત્રણ મહિના અગાઉ ભુજના મજીદ થેબા નામના ગુમસુદા યુવકની પત્ની આશિયાનાબાનુ પોતાના પતીને શોધવાની માંગ સાથે ભુજના ફલાહુલ મુસ્લિમીન સંસ્થાના મોહસીન હીંગોરજા તેમજ સકીલ સમા, મોહમદ લાખા, યાકુબ મુતવા સાથે જોડાયા હતા. ફલાહુલ મુસ્લિમીન સંસ્થા તેમજ મજીદ થેબાની પત્ની દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 19 જુલાઈના મજીદ થેબાના ઘરે પોલીસ આવી અને મજીદ સાથે મારપીટ કરી ત્યાર બાદ પોલીસે તેને ગુમ કરેલ છે. આ મુદો કચ્છમાં ખુબ ચર્ચાયો હતો. આ બાબતે કચ્છ પોલીસ દ્વારા આ આક્ષેપોને ફગાવ્યા હતા અને મજીદ પોલીસની પકડમાં ન આવી અને નાશી ગયો હોવાનો ખુલાસો કર્યો હતો. તેમજ મજીદ થેબા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું અને તેના પર અનેક કેસ દાખલ હોવાનું પણ જણાવ્યું હતું. ત્યાર બાદ અમદાવાદ ખાતે એક્ટીવીસ્ટો દ્વારા આ મુદો ઉપાડી અને મજીદ ખોજ યાત્રા લડત સમિતી બનાવી અને અમદાવાદ થી ભુજ યાત્રા કાઢવાની જાહેરાત કરી હતી. જોકે આ યાત્રાની મંજુરી ન મળતા આ યાત્રા નીકળી ન હતી. આ મુદે કાયદાકીય લડત માટે સમિતિ દ્વારા હેબીયેસ કોર્પસ પીટીશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ પીટીશનમાં કોર્ટે પોલીસને નોટીસ કરતા પોલીસે તેના જવાબમાં એફિડેવિટ પણ રજુ કરી છે જે બાબતે હાઇકોર્ટમાં આવનારા સમયમાં સુનવણી થશે. આ સમગ્ર મુદાને ભુજના એક્ટીવીસ્ટો તેમજ મજીદની પત્નીએ દિલ્હીમાં નજીબની માતા ફાતીમા નફીસ, રોહિત વેમુલાની માતા રાધિકા વેમુલા અને મોબલીંચીંગ ને કારણે મૃત્યુ પામેલ ઝુનેદની માતા સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાઈ મજીદને શોધી અને ન્યાય આપવાની માંગણી કરી હતી. મજીદ મુદે સત્ય શું છે તે તો સમય જ બતાવશે પણ હાલ ભુજના મજીદ થેબાના ગુમ થયા મુદે રાષ્ટ્રીય સ્તર પર પ્રદર્શન કરવામાં આવ્યો છે.