બન્ની ગ્રાસ લેન્ડ વિભાગમાં ફોરેસ્ટ ઓફિસર દ્વારા કરોડોનો કૌભાંડ આચરી રેકોર્ડનો નાશ કરાયો હોવાનો આક્ષેપ

540

ભુજ : કચ્છ વન વર્તુળ હેઠળની નાયબ વન સંરક્ષકની કચેરી, બન્ની ગ્રાસ લેન્ડ વિભાગ ભુજ કચ્છ દ્વારા છેલ્લા 7 વર્ષમાં ઘાસચારા વિકાસ યોજના હેઠળ ઘાસ વાવેતરના નામે કરોડો રૂપિયાનો કૌભાંડ આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસના આદમ ચાકી અને રમેશ ગરવા દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષમાં આ બાબતે જવાબદાર અધિકારીઓ તથા જેમના નામે બોગસ બીલ, વાઉચર, વાહનોના બીલ બનેલા છે તે તમામ અધિકારીઓ કોન્ટ્રાકટરો વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અધિનિયમ તેમજ ફોજદારી ધારા તળે ગુનો નોંધવા રજૂઆત કરાઇ છે. રજુઆતમાં જણાવાયું છે કે બન્ની ગ્રાસ લેન્ડ વિભાગ હસ્તકની સરાડો, બેરડો, તુગા (લુણા), સરગુ અને ભીરંડીયારા રેન્જમાં દર વર્ષે સરકારની ઘાસચારા વિકાસ યોજના હેઠળ પ્લોટમાં ઘાસ વાવેતરની કામગીરી કરવામાં આવે છે. આ તમામ વિસ્તારમાં છેલ્લા સાત વર્ષમાં બન્ની ગ્રાસ લેન્ડ વિભાગમાં અંદાજીત 8 થી 9 હજાર હેક્ટર વિસ્તારમાં ઘાસચારા વાવેતર પેટે અંદાજીત રૂપિયા 22 થી 25 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. પરંતુ અહિં છેલ્લા સાત વર્ષમાં ફરજ બજાવી ગયેલ નાયબ વન સંરક્ષક, મદદનીશ વન સંરક્ષક, રેન્જ ફોરેસ્ટ ઓફીસર, ફોરેસ્ટર સહિતના અધિકારીઓએ એક બીજા સાથે મીલી ભગતથી અંદાજીત 10 કરોડથી પણ વધુ રકમનો આર્થીક કૌભાંડ આચર્યો છે. તેમજ વાવેતરના નામે ડમી અને મળતિયા મજુરોના નામે ભૂતિયા વાઉચરો બનાવી ગેરરીતી આચરવામાં આવી છે. ઘાસ વાવેતર માટે જમીન લેવલીંગની પ્રક્રિયા માટે વપરાયેલ ટ્રેકટર, જે.સી.બી અને પાણીના ટેન્કરોના બોગસ બીલ બનાવાયા છે. વન વિભાગના વાર્ષિક લક્ષ્યાંક કરતા ઓછા હેક્ટરમાં વાવેતર કરી કાગળ પર વધારે દર્શાવી આ કરોડોની રૂપિયાની ગેરરીતી આચરાઇ છે. ઉપરાંત છેલ્લા સાત વર્ષમાં થયેલ કરોડો રૂપિયાના થયેલ કામોમાં કોઈ પણ રેકર્ડ નિભવેલ નથી. જે અધિકારીઓની બદલી થાય કે નિવૃત્ત થાય તે વખતે પોતે કરેલ તમામ કામોના રેકર્ડ ગુમ કરી સરકારી રેકર્ડનો નાશ કરેલ છે. બન્ની ગ્રાસ લેન્ડ વિભાગમાં નાયબ વન સંરક્ષક તરિકે ફરજ બજાવી ને નિવૃત્ત થયેલ કે. એમ. આચાર્ય નામના અધિકારીએ છછી અને ભોજરડો વિસ્તારમાં ઘાસ વાવેતરના નામે ત્રણ કરોડથી વધુ કૌભાંડ આચરેલ છે. તેના વિરૂદ્ધ અનેક ફરિયાદ હોવા છતાં મુખ્ય વનસંરક્ષકની કચેરી ગાંધીનગરએ ખાસ કિસ્સામાં વય નિવૃત્તિની પરવાનગી આપવામાં આવી છે. જેમાં મોટો આર્થિક વ્યવહાર થયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ તમામ કૌભાંડ આચરવામાં જવાબદાર ફોરેસ્ટના તમામ અધિકારીઓ તેમજ જવાબદારો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ તેમજ ફોજદારી ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

જો કે કચ્છમાં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર તમામ રેન્જમાં ભ્રષ્ટાચાર આચર્યાની અનેક વખત ફરિયાદો ઉઠવા પામી છે. પણ આ ફરિયાદો મોટી સેટલમેન્ટ કરી દબાવી દેવામાં આવે છે. હજી સુધી આવી ફરિયાદ બાબતે કોઈ યોગ્ય પગલા ઉચ્ચ કક્ષાએથી લેવામાં આવ્યા નથી. વન વિભાગની ગાંધીનગર કચેરી દ્વારા સમગ્ર કચ્છમાંથી આ પ્રકારની થયેલ ફરિયાદો ધ્યાને લઈ ભ્રષ્ટાચાર આચરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃતો માંથી ઉઠી રહી છે.

Get real time updates directly on you device, subscribe now.