કચ્છના સરહદી વિસ્તારમાં થતા દબાણો અંગે સુરક્ષા એજન્સી અને તંત્રની બેદરકારી ભવિષ્યમાં રાષ્ટ્ર માટે ખતરા રૂપ…

404

ભુજ : કચ્છની પાકિસ્તાનને સ્પર્શતી દરિયાઈ સરહદ પર નારાયણસરોવર અને કોટેશ્વર જેવા વિખ્યાત તીર્થધામ આવેલાં છે અને આ બન્ને તીર્થ સંયુક્ત પણે નારાયણસરોવર – કોટેશ્વર તરીકે ઓળખાય છે. કોરી ક્રીક જેવી સંવેદનશીલ દરિયાઈ સરહદે આ તીર્થધામ આવેલાં હોવાથી જેમ સીમા સુરક્ષા દળોને સાવધ રહેવું પડે છે તેમ અન્ય એજન્સીઓએ પણ સાવધાન રહેવું પડે છે. ખાસ કરીને જિલ્લાના પોલીસ દળને વિશેષ સાવધાન રહેવું પડે છે. પરંતુ, આવી સંવેદનશીલ સીમાએ એક તરફ તો ક્રીક નજીકના વિસ્તારમાં કોઈ નવું બાંધકામ કરવા માટે- કોલોની બનાવવા માટે પણ પરવાનગી અપાતી નથી જયારે બીજી તરફ ખાસ કરીને કોટેશ્વરમાં કેટલાક લોકોએ પાકી દુકાનો બાંધી છે. આ સઘળું ઓછું હોય તેમ ટુરીઝમ કોર્પોરેશન તરફથી જેટ્ટીના રસ્તે યાત્રિકોના વિશ્રામાર્થે ડોમ બંધાયા છે, તેનું દબાણ કરીને ત્યાં દુકાન બનાવી દેવામાં આવી છે. અહીં કચ્છ અને રાજ્યની બહારના લોકોએ પણ દબાણ કર્યું છે.  રેવેન્યુ, પોલીસ અને સીમા સાથે સંકળાયેલી એજન્સીઓ આ અંગે વેળાસર જાગૃત થઈને યોગ્ય કાર્યવાહી કરશે તો તે દેશના હિતમાં રહેશે. તેમજ નારાયણસરોવર – કોટેશ્વરના સમગ્ર વિસ્તારમાં મત્સ્ય પ્રવૃતિ પર પ્રતિબંધ હોવા છતાં પણ કોટેશ્વરના કાંઠે છડે ચોક માછલાં ઉતારવામાં આવે છે અને શ્રી શરણેશ્વર મહાદેવ અને શ્રી ગયાકુંડ જેવાં પ્રાચિન સથાનોની નજીકમાં તેનું વજન કરીને કોટેશ્વર અને નારાયણસરોવર વચ્ચેથી લઈ જવામાં આવે છે. માછીમારો દ્વારા હિન્દુ ધર્મીઓની ધર્મભાવના ન દુભાય તદર્થે માછલાં ઉતારવા માટે યોગ્ય સ્થળે જગ્યા ફાળવવાની સબંધીત સતાવાળાઓ સમક્ષ અનેક વાર રજૂઆતો કરી છે અને જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરાઈ છે. મત્સ્યોદ્યોગ ખાતા તરફથી ફીશ લેન્ડિંગ પોઈંટ નવું બનાવવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવાના પાંચ વર્ષ પછી પણ આ અંગે કશી પણ કાર્યવાહી કરવામાં આવી નથી. દરમિયાનમાં, જયાં માછલાં ઉતારવામાં આવે છે ત્યાં લગી- પોર્ટની હદમાં કોટેશ્વર ગામમાંથી પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી છે. પોર્ટ અને કસ્ટમ્સના સતાવાળાઓ  અંગે વેળાસર જાગૃત થઈને યોગ્ય કાર્યવાહી કરે તેવું માધવ જોશીની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.