“ચોરો કે સરદારો સે, ઇન્સાફ કે પહેરેદારો સે, મેં બાગી હું” : મુસ્લિમ યુવકે ભુજમાં અપક્ષ ફોર્મ ભર્યો

3,086

ભુજ : વિધાનસભા ચૂંટણીના ફોર્મ મંગળવારથી ભરવાના શરુ થયા છે. ત્યારે આજે સવારે ભુજના મુસ્લિમ યુવક અબ્દુલ હમિદ સામાએ ભુજ વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યો હતો. ભુજમાં ભીડ ગેટ પાસે આવેલ શક્તિ હોટેલથી બાઈક રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકોએ શક્તિ પ્રદર્શન કરી કલેક્ટર કચેરી ખાતે આ ઉમેદવાર સાથે ફોર્મ ભરવા આવ્યા હતા. આ સાથે સ્પીકરમાં “ચોરો કે સરદારો સે, ઇન્સાફ કે પહેરેદારો સે, મેં બાગી હું”  ગીત વગાડી ને એક સંદેશો આપ્યો હતો કે ગરીબ અને માધ્યમ વર્ગ માટે તેમને ઉમેદવારી નોંધાવી છે અને જો કોઈ આને બગાવત કહેતો હોય તો હું બાગી જ છું. ઉમેદવારી કરનાર અબ્દુલ હમિદ સામાએ જણાવ્યું હતું કે ભુજ વિધાનસભા બેઠક પર સૌથી વધુ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી સાથે અંતરિયાળ ગામડાઓ આવેલા છે. ચૂંટણી સમયે તમામ પક્ષો દ્વારા મોટા મોટા વાયદાઓ કરાય છે. પણ ગરીબ અને વંચિત લોકોના કામો થતા નથી. ફક્ત VIP એરિયામાં વિકાસ થાય છે. ગરીબ વસ્તીમાં પીવાના પાણીની સમસ્યા, આરોગ્યની સમસ્યા રોડ ગટર વગેરે પાયાની સુવિધાનો અભાવ છે.

ગરીબ વિસ્તારો અને અંતરિયાળ ગામડાઓની પરિસ્થિતિ છે તેના કરતા પણ વધુ ખરાબ બનતી જાય છે. બન્ની પચ્છમ વિસ્તારમાં અંતરિયાળ ગામડાઓ આવેલ છે આ ગામડાઓમાં ૩૦ થી ૪૦ કિલોમીટર સુધી પ્રાથમિક શાળા ઉપ્લબ્ધ નથી . માટે આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ ત્યાંના લોકો અશિક્ષિત છે. બન્ની પચ્છમ વિસ્તારમાંથી ચૂંટાઈને પોતાની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્તરે ચમકાવનાર નેતાઓએ આ ગામડાઓના  શિક્ષણ માટે ક્યારે ચિંતા કરી નથી. ભુજમાં દલિત મુસ્લિમ વસ્તી ધરાવતા એરિયામાં ઐતિહાસિક દેશલસર તળાવ આવેલ છે. આ તળાવ મહારાઓ દેશળજી દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ તળાવમાં પણ ખુલ્લેઆમ ગટરનું પાણી છોડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાય છે. આ સમસ્યા બાબતે બંને પક્ષોનું ધ્યાન દોરવા છતાં કોઈ નિવેડો આવ્યો નહિ ફક્ત ખોટા વચનો જ મળ્યાં છે. આવી અનેક ગરીબ અને પછાત વસ્તીઓની સમસ્યાઓ દૂર કરવાના સંકલ્પથી વિકાસ જાંખતી ગરીબ પ્રજા માટે એક વિકલ્પ તરીકે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેવું અબ્દુલ હમિદ સમાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આવા સક્ષમ મુસ્લિમ યુવાનની દાવેદારી આવનારા સમયમાં ભાજપ કરતા વધુ કોંગ્રેસ માટે નુક્શન કારક સાબિત થાય તેવું રાજકીય સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

Get real time updates directly on you device, subscribe now.