આબડાસા આપ ના ઉમેદવાર ચૂંટણી લડતા-લડતા ભાજપમાં જોડાયા શા માટે ? : રાષ્ટ્ર હિત કે ભાજપ ઉમેદવારની જીત ?

618

ભુજ : વિધાનસભા ચૂંટણીના મતદાન આડે હવે ગણતરીના કલાકો વધ્યા છે, ત્યારે રાજકીય ચોગઠા અને ગોઠવણોનો દોર તેજ બની ગયો છે. ઉમેદવારો પોતાની જીત માટે તરહ-તરહ ના હથકંડા અપનાવી રહ્યા છે. રાજકીય રીતે ખેલ પાડવા અનેક નિવેદનો ઉમેવારના જુના નિવેદનો પરિવાર ફુટ-ફાટ જેવા અનેક કાવા દાવાઓનો અત્યાર સુધી ઉપયોગ થઈ ચૂક્યો છે.

તેના વચ્ચે ગઈ કાલે સાંજના ભાગે આશ્ચર્યજનક અહેવાલો સામે આવ્યા. અબડાસા આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણી ભાજપને સમર્થન જાહેર કરી રહ્યા છે. આ મુદે ભાજપને સમર્થન આપવા આપ ઉમેદવારને મનાવી રહ્યા હોવાની ચર્ચા થઈ, તો ક્યાંક ઉમેદવારને ઉઠાવી લઈ અને પ્રેશર કરાઇ રહ્યો હોવાની પણ વાતો થઈ, આ તમામ ચર્ચાઓ વચ્ચે અચાનક વસંત ખેતાણીએ 15 સેકન્ડના વિડયોમાં જાહેરાત કરી કે “હું રાષ્ટ્ર હિતને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ રહ્યો છું”

આ ઘટના ખરેખર આશ્ચર્ય જનક છે, કારણ કે મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ફોર્મ ભરવાથી અત્યાર સુધી પ્રચાર કર્યો અન્ય રાજયના લોકો આપના ઉમેદવારનો પ્રચાર કરવા અહિ આવ્યા અને લોકોને વિશ્વાસ અપાવ્યો કે આપ જીતશે તો અનેક પ્રજાલક્ષી કામો કરશે. પણ અચાનક તો એવુ શું થયુ કે છેલ્લી ઘડીએ આપ ઉમેદવારને રાષ્ટ્ર હિત ધ્યાને આવ્યુ છે ? આ પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

અબડાસા વિધાનસભા બેઠકના સમીકરણમાં મુખ્ય જ્ઞાતિ મુસ્લિમ, ક્ષત્રિય, પટેલ અને દલિતોનો દબદબો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધ્યુમનસિંહ જાડેજાને રિપીટ કરી ઉમેદવાર તરિકે પસંદ કર્યા છે. કોંગ્રેસ પક્ષે લખપતના મામદ જુંગ જતને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટી એ વસંત ખેતાણીને ઉમેદવાર બનાવ્યા હતા. અબડાસા બેઠક પર અબડાસાના પ્રતિષ્ઠિત સ્વ.જુવાનસિંહ જાડેજા પરિવાર માથી તેમના પુત્ર હકુમતસિંહ જાડેજાએ અપક્ષ જંપ લાવ્યું છે. હાલની પરિસ્થિતિઓ મુજબ અબડાસા ચૂંટણી જંગ ખૂબજ રસાકસી ભર્યું બન્યુ છે.

ભાજપ ઉમેદવાર ક્ષત્રિય છે, તો સામે ક્ષત્રિય સમાજ માથી અપક્ષ ઉમેદવાર છે અને આપ માંથી પટેલ ઉમેદવાર હતા. સમીકરણો મુજબ પટેલ અને ક્ષત્રિય વોટબેંકમાં ગાબડુ પડે તો ભાજપ માટે અબડાસા બેઠક ખુબજ ટફ દેખાઇ રહી છે.

આ સમગ્ર પરિસ્થિતિઓ ઉભી થતા અને આપના ઉમેદવાર ભાજપમાં જોડાતા હાલ રાજકીય આલમમાં એક જ સવાલ ચર્ચામાં છે, આપના ઉમેદવાર ભાજપમાં શા માટે જોડાયા ? રાષ્ટ્રહિત કે ભાજપ ઉમેદવારની જીત ?

Get real time updates directly on you device, subscribe now.