મોરબીની સભામાં સાંપ્રદાયિક ભાષણોના ચાર દિવસ બાદ, એકતાના પ્રતિક સરદાર સાહેબની જન્મ જયંતિની સભામાં હાર્દિક પટેલ આ મુદે ચૂપ કેમ ? હાર્દિકને ખુલ્લો પત્ર
અમદાવાદ : મોરબીમાં 27 ઓક્ટોબરના યોજેલ પુષ્પેંદ્ર કુલ શ્રેષ્ઠની જાહેર સભામાં સ્ટેજ પરના અન્ય વક્તા કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મુસ્લિમોની મસ્જિદ તોડવા માટે લોકો ઉશ્કેરાય તેવું ભાષણ કર્યું હતું. આ ઘટનાના ચાર દિવસ બાદ સરદાર પટેલની જન્મ જયંતિ પ્રસંગે હાર્દિક પટેલની સભા યોજાઇ હતી. આ સભામાં હાર્દિક પટેલ કે અન્ય કોઈ વક્તા દ્વારા આ મુદે એક હર્ફ સુધાં પણ ઉચાર્યો ન હતો. આ મુદે માઇનોરિટી કો-ઓર્ડીનેશન કમિટિ (MCC) ગુજરાતના કન્વીનર મુજાહિદ નફીસ દ્વારા હાર્દિક પટેલને પત્ર લખવામાં આવ્યો છે.
પત્રમાં લખ્યું છે કે આ સભામાં કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીમાં આવેલી મસ્જિદ તોડવા ઉપસ્થિત ભીડને ઉશ્કેરી હતી. બુલડોઝરની જરૂર પડે તો પોતે ખર્ચ આપવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું. આ નફરતી ભાષણનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટનાના ચાર દિવસ બાદ સરદાર પટેલની જન્મ જયંતિ પર હાર્દિક પટેલની સભા યોજવામાં આવી હતી.
સરદાર પટેલ કે જેઓ જીવનભર સાંપ્રદાયિકતાના વિરોધી રહ્યા હતા. પરંતુ જે શહેરમાં ચાર દિવસ અગાઉ સાંપ્રદાયિક સોહાર્દ બગાડવા ભાષણો આપતી સભા યોજાઇ, તે જ શહેરમાં એકતાના પ્રતિક સરદાર સાહેબની જન્મ જયંતિ નિમીતે યોજેલ સભામાં હાર્દિક પટેલ કે અન્ય વક્તાઓ દ્વારા આ ઘટનાના વિરોધમાં એક પણ શબ્દ બોલવામાં આવ્યો નથી. સરદાર પટેલના જીવન પર ચર્ચા કરતી વખતે તેમના દ્વારા આર.એસ.એસ. પર લગાવેલ પ્રતિબંધ અને તેના કારણો પર વિસ્તૃત ચર્ચા ન થાય તે હાર્દિક પટેલ અને અન્ય વક્તાઓની સાંપ્રદાયિક તાકતો સામે લડાઇ માટે પ્રતિબધ્ધતા કમજોર હોવાનું દેખાઇ રહ્યું છે.
વધુમાં પત્રમાં વેધક સવાલ કરાયા છે કે શું અમે એવું માની લઈએ કે સાંપ્રદાયિક શક્તિઓના આવા કથનથી તમે સહમત છો ? કે પછી મુસ્લિમોને નુકસાન થવાથી તમને કોઈ ફેર નથી પડતો એટલે ચૂપ રહ્યા ? આ સભામાં તમામ વક્તાઓનું સ્ટેન્ડ સરદાર પટેલના સિદ્ધાંત વિરૂદ્ધ હોવાનું પણ ઉમેર્યું હતું.
વધુમાં જણાવ્યું કે અફસોસ સાથે કહેવું પડે છે કે સરદાર અને આંબેડકરની વિરાસતને માનનારા નેતાઓ પણ મુસ્લિમો સાથે ભેદભાવ રાખી, તેમને Taken for granted ના રૂપમાં જોઈ રહ્યા છે. જો તેઓને એવું લાગતું હોય કે આ મુદો ફક્ત મુસ્લિમોનો છે, અમે શું કામ બોલીએ, તો આવનારા સમયમાં રાજનૈતિક રીતે આ વાતનો શું જવાબ આપવો તેનો વિચાર કરવો પડશે, તેવી ગર્ભીત ચીમકી આપવા સાથે હાર્દિક પટેલને પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરવા MCC કન્વીનરે જણાવ્યું છે.