જામ રાયધણજીએ કચ્છ પર વિજય મેળવી સત્તા સ્થાપી ત્યારથી શરૂ થયું કચ્છી નવું વર્ષ અષાઢી બીજ

788

ભુજ : આજે અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષનું પ્રારંભ થાય છે. અષાઢી બીજથી કચ્છી નવું વર્ષ શરૂ થતું હોવાના ઇતિહાસમાં કેટલાક અલગ-અલગ અભિપ્રાયો છે. વધુ પડતા અભિપ્રાયોમાં કચ્છ રાજ અને વરસાદ સાથે સંકળાયેલ છે. કચ્છ પહેલાથી જ સુકો પ્રદેશ હોવાથી વરસાદનો મહત્વ પણ વધુ છે. કચ્છની અનેક પરંપરાઓ વરસાદ સાથે જોડાયેલી છે. કચ્છમાં અષાઢી બીજના વરસાદને સુકનવંતો માનવામાં આવે છે. જે વર્ષમાં અષાઢી બીજના વરસાદ પડે તે વર્ષ દુષ્કાળ પડતો નથી તેવી લોક માન્યતા છે. દરીયો ખેડનારા આ દિવસે પરત ઘરે આવતા હોઇ તેની ખુશીમાં પણ અષાઢી બીજ ઉજવાતી હોવાનું કહેવાય છે.

અષાઢી બીજની ઉજવણીની શરૂઆત મુદે કેટલાક ઇતિહાસકારો એવું પણ માને છે કે એક હજાર વર્ષ પૂર્વે જામ લાખા ફુલાણીને જામ ફુલાણીએ દેશવટાની સજા આપી હતી. સજા ભોગવી જ્યારે જામ લાખા ફુલાણી પરત આવ્યા ત્યારે અષાઢી બીજ હતી અને તે દિવસે વરસાદ મન મુકી વરસ્યો હતો. પાણી માટે તરસતા સુકા પ્રદેશ કચ્છની પ્રજાએ તે દિવસથી કચ્છી નવા વર્ષ તરીકે ઉજવણી કરી હતી. ત્યારથી અષાઢી બીજ નવા વર્ષ તરીકે ઉજવાય છે.

જામ રાયધણજીએ સતા સંભાળતા અષાઢી બીજ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાઇ

આ મુદે કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજાએ “વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ સાથે વાત કરતા જણાવયું કે આ બધી દંતકથાઓ છે. અષાઢી બીજની કચ્છી નવા વર્ષ તરીકે ઊજવણી વિક્રમ સંવત 1231 માં જાડેજા વંશના જામ રાયધણજીએ કચ્છની સતા હસ્તગત કરી ત્યારથી કરવામાં આવતી હોવાનું તેઓએ જણાવયું હતું. આ માહિતી બારોટ દ્વારા જાડેજા વંશના ચોપડા લખાયા છે તેમાંથી પ્રાપ્ત હોવાથી વધુ સચોટ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

વિસ્તૃતમાં માહિતી આપતા જણાવ્યુ કે તેઓના વડીલો સમા કહેવાતા જે સીંધમાં હતા. જેમા જામ જાડોજી થયા, તેમને કોઇ સંતાન ન હોવાથી ભાઇના પુત્રને દત્તક લીધેલ, ત્યાર બાદ મોટી ઉમરમાં તેમના ઘરે કુંવરનો જન્મ થતા તેઓ કચ્છ આવી ગયા અને કચ્છમાં લાખીયાવીરા ગામ વસાવ્યું. તેમના વંશજ જામ લાખાજીના કુંવર રાયધણજીના સમયમાં કચ્છમાં પૂંજાજી ચાવડાનો રાજ હતો, ત્યારે ભડલી ગામે જત લોકો ગુરૂ ગરીબનાથના શિષ્યોને પરેશાન કરતા હોવાથી, જામ રાયધણજીને ગુરૂએ કહેણ મોકલાવી ક્હ્યું કે આ લોકોને કચ્છમાંથી ખદેડો તો સમગ્ર કચ્છ પર તમારો વિજય થશે. આ રીતે વિક્રમ સવંત 1231 ના અષાઢી બીજના જામ જાડોજીના વંશજ રાયધણજીએ કચ્છની રાજસત્તા સંભાળી ત્યારથી અષાઢી બીજ કચ્છી નવા વર્ષ તરીકે ઉજવાય છે. કચ્છમાં વિક્રમ સવંત ચાર મહિના પહેલા જ અષાઢથી શરૂ થાય છે. જ્યારે ભારતમાં દિવાળી પછી શરૂ થાય છે.

અષાઢી બીજની રાજાશાહીમાં ઉજવણી

અષાઢી બીજની રાજાશાહી સમયમાં ઉજવણી બાબતે તેઓએ જણાવ્યું કે તે સમયમાં ચંદ્રની પહેલી તારીખે પગાર આપવામાં આવતો. જાડેજા ચંદ્રવંશી હોવાથી ચંદ્ર પુજનનો ખૂબજ મહત્વ છે. આમ તો દર મહિને ચંદ્રપુજન થતું પણ અષાઢી બીજના વિશિષ્ટ પુજા કરવામાં આવતી હતી. રાજા દરબાર ભરતા અને પ્રજા તેમને મળવા આવતી હતી. કચ્છ રાજે નવું નાણું બહાર પાડવું હોય તો એ અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષે જ બહાર પાડતા હતા. આ રીતે કચ્છ રાજમાં કચ્છી નવા વર્ષ અષાઢી બીજની ધૂમ-ધામથી ઉજવણી થતી હોવાની માહિતી ઇતિહાસવીદ સાવજસિંહ જાડેજાએ “વોઇસ ઓફ કચ્છ” ન્યુઝ સાથે વાત કરતા આપી હતી.

Get real time updates directly on you device, subscribe now.