સહકારી કાયદાઓથી વિરૂદ્ધ પાવર અને કાવા-દાવાથી ચૂંટણી પ્રક્રિયા કરી, KDCC બેંકમાં સત્તાપક્ષને જીતાડવા પ્રયાસ

156

ભુજ : કચ્છ જિલ્લા સહકારી મંડળી દ્વારા સ્થાપિત KDCC બેંકની ચૂંટણી પ્રક્રિયામાં શાસક પક્ષને જીતાડવાના ઈરાદાથી થયેલ ગેરરીતી મુદે જિલ્લા રજીસ્ટ્રાર, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, ચેરમેન અને જવાબદાર ડાયરેક્ટર વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા કલેક્ટર કચ્છને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રફીક મારાએ રજૂઆત કરી છે.

KDCC બેંકની ચૂંટણી યોજવા માટે મતદાર યાદી તૈયાર કરવા અંગે વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવેલ, જેમાં 15 દિવસનો સમયગાળો નકકી કરવામાં આવ્યો હતો. તે મુજબ 28 જુન છેલ્લો દિવસ હતો, નિયમ મુજબ આ દિવસે જ બેંકના નોટિસ બોર્ડ પર 1 થી 12 વોર્ડની મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની હતી. જેના અઠવાડિયા બાદ પણ કોઈ યાદી જાહેર કરાઈ નથી. અગાઉ આ મુદે વાંધો ઉઠાવતા 758 મંડળીઓના ઠરાવ આવ્યા હોવાનું લેખિતમાં જવાબ મળ્યો હતો, પણ વિગતવાર માહિતી જેમ કે આ 758 મંડળી કઇ છે, કયા વોર્ડમાં કેટલી મંડળીના ઠરાવ આવ્યા, મંડળીઓના નામ વગેરેની માહિતી અપાઈ નથી. આ બેંકની સત્તામાં બેઠેલા લોકો દ્વારા થયેલ અબજોના ભ્રષ્ટાચારને દબાવવા, ફરીથી આ જ લોકો સત્તામાં આવે તેવી કોશીસ ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ આચરી થઈ રહી છે. 758 મંડળીઓના ઠરાવ આવ્યા જ નથી, પોતાના મળતીયાઓને જે વોર્ડમાં જીતાડવા હોય તે વોર્ડમાં પોતાને લગતી મંડળીઓના ઠરાવ સેટ કરી દેવાયા છે. આવા લોકો દ્વારા લોકશાહી પ્રક્રિયા ખતમ કરી, ભ્રષ્ટાચારીઓને જીતાડવા ભરપુર પ્રયાસો થઈ રહ્યા છે. ખરેખર સહકારી નિયમો અનુસાર આ બેંકની ચુંટણી પ્રક્રિયા થવી જોઈએ, જેના ઉલટમાં પાવર અને કાવા-દાવાથી ચૂંટણી પ્રક્રિયાને અંજામ અપાઇ રહ્યો હોવાના ગંભીર આક્ષેપ શ્રી મારા દ્વારા કરાયા છે.

આ ગરેરીતી માટે જવાબદાર જિલ્લા રજીસ્ટ્રાર, બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર, ચેરમેન તેમજ જવાબદાર ડાયરેક્ટરો પર કડક કાયદાકીય કાર્યવાહી કરી, બીજીવાર આવા લોકો લોકશાહિ ખતમ કરતી આવી ગેરરીતિમાં ભાગ ન લે તે માટે નશ્યત રૂપ પગલા લેવા માંગ કરાઈ છે. જે આ મુદે કલેક્ટર દ્વારા તત્કાલ અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે, તો નામદાર કોર્ટમાં સમગ્ર મુદો લઈ જવાની ચેતવણી પ્રદેશ કોંગ્રેસ અગ્રણીએ આપી છે.

Get real time updates directly on you device, subscribe now.