જિલ્લા પંચાયત પ્રમુખને વેક્સીનના 100 ડોઝ ફાળવાયા : તાલુકા આરોગ્ય અધિકારીએ સ્વીકાર્યું, જિલ્લા આરોગ્ય અધિકારીનો અસ્વીકાર

294

ભુજ : કોરોના મહામારી સામે લડવા હાલ સમગ્ર દેશ સાથે કચ્છમાં પણ વેકસીનેશનની કામગીરી થઈ રહી છે. કચ્છમાં ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે રસી અપાવવાની સુવિધા સરકારશ્રીએ ઉપલબ્ધ કરાવેલ છે. બીજી રીતે જો કોઈ સમાજ કે સંસ્થા કેમ્પનું આયોજન કરે તો તેને પણ વેકસીનનો જથ્થો જરૂરિયાત પ્રમાણે ફાળવી આરોગ્યની ટીમ દ્વારા લોકોને ત્યા વેક્સીન આપવામાં આવે છે.

આ વેક્સીનના ડોઝની ફાળવણી રાજ્ય કક્ષાએથી જિલ્લાને જે જથ્થો મળે છે, તેમાંથી જિલ્લા આરોગ્ય વિભાગ તાલુકાને અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોને ફાળવણી કરે છે. વોઇસ ઓફ કચ્છ ન્યુઝ ને વેકસીન ડોઝ ફાળવણી મુદે મળેલ માહિતી અનુસાર 22 જુલાઇની કામગીરીમાં ભુજ તાલુકામાં 3500 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી માધાપર માટે 500 ડોઝ ફાળવાયા હતા. આ 500 ડોઝ પૈકી 200 માધાપર PHC, 200 મિસ્ત્રી સમાજવાડી માટે અને 100 ડોઝ જિલ્લા પંચાયત પ્રમુખ માટે ફાળવાયાનું જાણવા મળેલ. ત્યારે પ્રશ્ન એ થાય છે કે જિલ્લ  પંચાયત પ્રમુખને વ્યક્તિગત વેક્સીનના ડોઝ ફાળવી  શકાય ?

આ પ્રશ્ને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક નું સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આવું કશું થયું જ નથી. અમે આવું કરી જ ન શકીએ. સમાજ દ્વારા એક વાર કેમ્પ યોજાયો હોય તો તેના બીજા ડોઝ માટે રસી ફાળવાય તે સ્વાભાવિક છે, પણ વ્યક્તિગત ભલામણ અમે કોઇની સ્વીકારતા નથી. અમારે અહીં 100% ટ્રાન્સપરેન્સી ચાલે છે તેવું ડો. માંઢકે જણાવી જિલ્લ પંચાયત પ્રમુખને 100 ડોઝ ફાળવ્યાનો ઇન્કાર કર્યો હતો.

તો બીજી બાજુ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ઝાલાએ સ્વીકાર્યું કે 100 ડોઝ પારૂલ બેનને કેમ્પ કરવા માટે ફાળવ્યા છે. તેઓએ જણાવ્યું કે 500 ડોઝ માંથી 200 માધાપર PHC, 200 મિસ્ત્રી સમાજવાડી અને 100 ડોઝ જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલ બેનને કેમ્પ યોજવાનું હોઇ, તેના માટે ફાળવાયા છે.

અહીં પ્રશ્ન એ છે કે જિલ્લા આરોગ્ય અધિકારી આ વિશે કેમ અજાણ હતા ? કારણ કે વેક્સીન ફાળવણી જિલ્લા કક્ષાએથી થતી હોય છે. માની લ્યો કે આ 100 ડોઝ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ફાળવણી કરી હોય, તો પણ આ કામગીરીનો રિપોર્ટ તો જિલ્લાને અપાતો હોય છે. ત્યારે પ્રશ્ન ઉદ્ભવે છે કે, શું જિલ્લા આરોગ્ય અધિકારી જાણી જોઇને આ માહિતી છુપાવી રહ્યા હતા ?

વધુમાં જિલ્લા આરોગ્ય અધિકારીએ વ્યક્તિગત ડોઝ ફાણવણી ન થઈ શકે તેવું સ્પષ્ટ જણાવ્યું છે. ત્યારે, જિલ્લા પંચાયત પ્રમુખને વેક્સીન કેમ્પ યોજવા 100 ડોઝ કઇ રીતે ફાળવાયા છે ? આ તમામ પ્રશ્નોના જવાબ તંત્રએ પ્રજા સમક્ષ મુકવા જરૂરી છે.

Get real time updates directly on you device, subscribe now.