કચ્છ સરહદ પર કંપનીઓને આડેધડ જમીન આપવાથી રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન ઉભો થશે : કચ્છ આવતા ગૃહમંત્રીનો સમય આપવા તંત્ર સમક્ષ માંગ

639

ભુજ : ભારતના ગૃહમંત્રી અમીત શાહ આગામી તારીખ 11 અને 12 ના કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર ખાવડા, ધોરડો સહિતના વિસ્તારોની સીમા સુરક્ષા સહિતના પ્રશ્ને રૂબરૂ મુલાકાતે આવવાના છે. ત્યારે કચ્છના છેવાડે આવેલ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ખાનગી કંપનીઓને ઉદ્યોગ સ્થાપવાના નામે દેશની સુરક્ષાના નિયમોની અનદેખી કરીને ગુજરાત સરકાર દ્વારા આડેધડ આપવામાં આવેલ હજારો એકડ અનસર્વે જમીન સંદર્ભે સત્તાવાર આધાર પુરાવા અને નક્શા સાથે દેશના ગૃહમંત્રી અમીત શાહને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે ભુજના સામાજિક અગ્રણી આદમ ચાકી, ડો. રમેશ ગરવા તથા ઘનશ્યામસિંહ ભાટીએ દિલ્હી સ્થિત ગૃહમંત્રીના કાર્યાલય, રાજ્યના મુખ્યસચિવ, કચ્છ બોર્ડર રેન્જ આઇ.જી. અને જિલ્લા કલેક્ટરને ઈ મેઇલ દ્વારા પત્ર પાઠવી સમય માંગ્યો છે.

પત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા કચ્છ સ્થિત પાકીસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદની અંદર 15 કિલોમીટર જેટલા વિસ્તારમાં પાવર પ્રોજેક્ટ અને અન્ય ઉદ્યોગો માટે ખાનગી કંપનીઓને હજારો એકડ અનસર્વે જમીન લખપત અને ભુજ તાલુકાના વિસ્તારમાં પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર વિઘા કોટ, હરામી નાળા, સીરક્રીક, ચીડીયામોર, ધર્મશાળા સહિતના વિસ્તારોમાં જમીન આપવામાં આવી છે. જેના કારણે ભવિષ્યમાં પાકીસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન ઉભો થવાની શક્યતા છે. આ સરહદ પર ફરજ બજાવતા ભારતીય સૈનિકો અને સરહદી ગામડાઓમાં રહેતા ભારતના નાગરીકોની સુરક્ષાનો મોટો પ્રશ્ન ઉભોથાય તેમ હોઇ, દેશની સુરક્ષા અને સલામતી માટે સામજિક અગ્રણીઓએ ભારતીય નાગરિક તરિકે દેશની સુરક્ષાના હિતમાં આધાર પુરાવા સાથે રજૂઆત કરવા ગૃહમંત્રી અમીત શાહની કચ્છ મુલાકાત દરમ્યાન સમય માંગ્યો હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.