નેત્રા આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનાને તાળા બંધી, ગામનું ATM પણ બંધ : ઉકેલ ન આવે તો ચૂંટણીનો બહિષ્કાર

699

નખત્રાણા : તાલુકાના નેત્રા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી ડોકટર તથા સ્ટાફની જગ્યા ખાલી હોતા ગ્રામજનો દ્રારા આજે તાળાબંધી કરવામાં આવી હતી તથા પશુ દવાખાનામાં પણ ડોકટરની જગ્યા ખાલી હોતા તાળુ મારી દેવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવતી હોવા છતાંય તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં મોટી સંખ્યામાં નેત્રા તથા આજુબાજુના ગ્રામજનો આરોગ્ય કેન્દ્ર ખાતે ઉમટી પડ્યાં હતાં અને આરોગ્ય કેન્દ્રને તાળુ મારી દીધું હતું અને તાળાબંધી કરી હતી. જ્યારે પશુ દવાખાનાના ગેટને પણ તાળુ મારીને તાળાબંધી કરાઇ છે.

આ અંગે મળતી વિગતો મુજબ નેત્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક દાયકાથી એમબીબીએસ ડોકટર સહિત સ્ટાફની ઘટ હોતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને ગ્રામજનો દ્રારા સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી સરકારી દવાખાના તથા પશુ દવાખાનાને તાળુ મારીને વિરોધ નોંધાવ્યો હતો. દરમ્યાન ફરજ પરના કર્મચારીઓ અંધાધુંધી કરીને તાળાબંધી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જો કે ગ્રામજનોની સમજાવટ બાદ કર્મચારીઓ સ્વૈછીક રીતે દવાખાની બહાર નીકળી જતા દવાખાનાને લોક લગાવી દેવાયો હતો, અને જ્યાં સુધી ડોકટરની નિમણુંક નહીં થાય ત્યાં સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાનું ખોલવા દેવાશે નહીં. હાલ વાઇરલ ઇન્ફેક્સન અને સિઝનલ બીમારીએ ભરડો નાખ્યો છે. ત્યારે ડોકટરના અભાવે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો પશુઓ પણ તાજેતરમાં રોગચાળામાં સંપડાયા હતા. છેલ્લા ૧૧ માસથી પશુ ડોકટર ન હોતા અનેક પશુઓ મરણને શરણ થયા હતા. આ બાબતે અનેક વખત રજુઆતો કરવા છતા પણ સમસ્યાનો ઉકેલ ન આવતા આખરે ગ્રામજનો અને માલધારીઓ રોષે ભરાઇને બને દવાખાને તાળાબંધી કરવાની ફરજ પડી હતી. ગ્રામજનોએ તાળાબંધી કરી રોષ દાખવ્યો હતો.

તો છેલા એક વર્ષથી બેંક ઓફ બરોડાનો એટીએમ પણ બંધ હોતા ખાતેદારોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. એટીએમ કાર્ડનું બેંક દ્રારા ચાર્જ વસુલાય છે પરંતુ કાર્ડ ધારકો એટીએમની સેવાનો લાભ લઇ શકતા નથી. જેથી ઇમરજન્સી નાંણાની જરૂર પડે તો નખત્રાણા કે માતાના મઢનું ધક્કો પડે છે. ત્યારે બેંકને પણ તાળુ મારવાની તૈયારી બતાવી હતી. જોકે બ્રાન્ચ મેનેજર કાન્તિભાઇ કરમઠા એ ૧૫ દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી આપતા હાલ પુરતુ બેંકને તાળાબંધીનો કાર્યક્રમ મોફુક રખાયો છે. જોકે આગામી ૧૫ દિવસમાં એટીએમની સેવા કાર્યરત નહીં થાય તો ગ્રામજનો બેંકને પણ તાળાબંધી કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

નેત્રા ગ્રામજનોને સતાવતી દવાખાનોની સમસ્યા તાત્કાલિક ધોરણે નહીં ઉકેલાય તો ગ્રામજનો આગામી યોજાનાર અબડાસા બેઠકની પેટા ચુટણીનું પણ બહીષ્કાર કરીને ગાંધી ચિંધ્યા માર્ગે જઇ ઉગ્ર આંદોલન કરશે તેવી ખુલ્લી ચીમકી આપી છે, તાળાબંધી માં ગામના અગ્રણીઓ અને જાગૃત નાગરીકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા, અને વિરોધ નોંધાવ્યો હતો.

Get real time updates directly on you device, subscribe now.