કચ્છમાં CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ : સમર્થન રેલીને મંજુરી, વિરોધ રેલીને મંજુરી ન આપવી તે ગેર બંધારણીય : MCC

1,821

ભુજ : આજે સમગ્ર ગુજરાત સાથે કચ્છમાં CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ હતી. ભુજ, અંજાર, માંડવી, નખત્રાણા, નલીયા, ભચાઉ સહિત કચ્છના શહેરોમાં આ રેલી યોજાઇ હતી. ભુજમાં યોજાયેલી રેલીમાં પ્રભારી મંત્રી દિલીપ ઠાકોર હાજર રહ્યા હતા. તેમજ આ રેલી સંવિધાન બચાવો મંચના બેનર હેઠળ “સંવિધાન બચાવો” ના શીર્ષક તળે યોજાઇ હતી પણ આ રેલીમાં મુખ્યત્વે ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો હાજર રહ્યા હતા. ભુજની રેલીમાં નીમાબેન આચાર્ય, દિલીપ ત્રીવેદી, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશ ખંડોર તેમજ સિંધમાં થી કચ્છ સ્થાયી થયેલા રામસિંહ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રેલી જયુબિલી સર્કલ થી કલેકટર કચેરી પહોંચી હતી. જયાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાયદો કોઈને પણ અન્યાય નહીં કરે તેમજ ભારતમાં વસતાં મુસ્લિમોને આ કાયદાથી કોઇ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. આ કાયદાથી ફક્ત પાકિસ્તાન, બાંગલાદેશ અને અફઘાનિસ્તાન માંથી આવેલા ધાર્મિક રીતે પ્રતાડીત લોકોને શરણ મળશે. આ કાયદા વિશે વિપક્ષો ખોટી અફવા ફેલાવી રહ્યા હોવાનું જણાવાયું હતું.

સમર્થન રેલીને મંજુરી, વિરોધ રેલીને મંજુરી ન આપવી તે ગેર બંધારણીય

આ મુદે માઇનોરીટી કો-ઓર્ડિનેશન કમિટિ(MCC)ના કનવીનર મૂજાહીદ નફીસે મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા બંધારણને નજરઅંદાજ કરીને દેશના નાગરિકતા કાયદામાં સંશોધન દ્વારા ધર્મ આધારિત નાગરિકતા કાયદાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું સ્પષ્ટ ઉલંઘન છે, આ બંધારણ દેશના હજારો લોકોના અંગ્રેજો સામેના લાંબા સંઘર્ષના પરિણામ સવરૂપ મળેલી આઝાદી પછી આપણને મળેલ છે. જેનું અનાદર કરવું એ હજારો સ્વતંત્રતા સંગ્રામના સૈનિકોના અપમાન સમાન છે.

આ શહીદોની શહાદતના સમ્માન માટે અને બંધારણ ના મૂળ તત્વ ધર્મ નિરપેક્ષતાની રક્ષા માટે આ ધર્મ આધારિત CAA કાયદાનો વિરોધ સંપૂર્ણ દેશમાં થઇ રહ્યો છે, પરંતુ આ વિરોધ પ્રદર્શનો માટે મંજુરી નથી આપવામાં આવી રહી અને ઓફ ધ રેકોર્ડ અધિકારીઓ જણાવે છે કે મંજુરી ન આપવા બાબત નો ઉપરથી હુકમ છે. તેથી વિરોધ પ્રદર્શન ની મંજુરી નહિ મળે. પરંતુ આ બંધારણ વિરુદ્ધના કાયદા ના સમર્થન માં “નાગરિક સમિતિ” નામના સંગઠનને સમર્થન રેલી કરવા માટે ની મંજુરી મળી ગઈ છે. આપણા બંધારણના અનુચ્છેદ 14 માં સ્પષ્ટ પણે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ ની વાત લખવામાં આવેલ છે.

આમ બંધારણના અનુચ્છેદ 14નો એક ને મંજુરી આપનાર બીજા ને મંજુરી ના આપનાર અધિકારીઓ દ્વારા સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યો છે. જો સમર્થન ની રેલી ને મંજુરી આપવામાં આવી રહી છે, તો વિરોધ પ્રદર્શન ને પણ મંજુરી આપવામાં આવે તેવી માંગ માઇનોરીટી કો-ઓર્ડિનેશન કમિટિના કનવીનર મૂજાહીદ નફીસે મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.