નાગરીકતા કાયદા મુદે સંસદમાં ભાજપની આડકતરી મદદ કરનાર બસપાના કાર્યકરોએ ભુજની રેલીમાં ભાષણો ઠપકાર્યા !!!

1,087

ભુજ : નાગરીકતા કાયદો અને NRC મુદે દેશભરમાં વિરોધના વંટોળ વચ્ચે આજે કચ્છના જિલ્લા મથક ભુજમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ સભા અને રેલી યોજાઇ હતી. આમ તો આ રેલી સંપૂર્ણ બિન રાજકીય હોવાનું જાહેર કરાયું હતું, પરંતુ આવા દેશ વ્યાપી મુદા પર રાજકારણ ન થાય તો જ નવાઈ !

ભુજમાં યોજાયેલી આજની બિન રાજકીય સભામાં રાષ્ટ્રીય કક્ષાની રાજકીય પાર્ટી બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. બસપા કાર્યકરોના જોશીલા સૂત્રોચ્ચાર અને ભાષણોથી થોડીવાર માટે સભા સ્થળે ઉત્સાહ ભલે સર્જાયો, પરંતુ બસપા સુપ્રિમો માયવતીએ નાગરીકતા કાયદાના વિરૂદ્ધમાં મતદાન કરવાના બદલે રાજયસભા માંથી વોકઆઉટ કરાવીને ભાજપની આડકતરી મદદ કરી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. નાગરીકતા કાયદા મુદે બસપા સુપ્રિમો માયાવતીના બેવડા વલણથી નારાજ થઇને મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાના 4 બસપા કાઉન્સીલરોએ રાજીનામા ધરીને પાર્ટીની ઉચ્ચ નેતાગીરી પર રોષ ઠાલવ્યો છે. CAA મુદે બેવડા વલણ મુદે રાજીનામા આપનાર કાઉન્સીલરોમાંથી જ ચુંટાયેલા ઝાકીર બલોચ, શરીફા રાઠોડ, સલીમ મેસાણીયા અને વિજયાબેનનો સમાવેશ થાય છે.

એક તરફ બસપા કાઉન્સીલરો માયાવતીના વલણથી નારાજ થઇને રાજીનામાની વાત માધ્યમોમાં ઉજાગર થઇ તો બીજી તરફ ભુજમાં બસપા કાર્યકરોએ ભાજપ, આર.એસ.એસ., પીએમ મોદી, ગૃહમંત્રી અમીતશાહ વગેરે વિરૂદ્ધ બંન્ને મુઠ્ઠી વાળીને ભાષણો ઠપકારતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. રાજકીય શતરંજની આ ચાલ સમજી ન શકાય તેવી હોવાથી ઉપસ્થિત મેદની માંથી બસપા કાર્યકરોએ મનમૂકીને વાહવાહી લૂંટી હતી.

Get real time updates directly on you device, subscribe now.