સરહદ ડેરીના ગેર બંધારણીય અને બિન લોકશાહી વહીવટથી કચ્છના માલધારીઓને અન્યાય : રફીક મારા

942

ભુજ : કચ્છ માલધારીઓના પ્રદેશ તરીકે જાણીતો છે. પશુપાલન કચ્છ જિલ્લામાં મુખ્ય વ્યવસાય છે. કચ્છમાં કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. સંચાલિત સરહદ ડેરી દ્વારા અનેક ગેરરીતિઓ થઇ રહી હોવાનો આક્ષેપ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારાએ કર્યો છે. રફીક મારાએ જણાવ્યું છે કે સરહદ ડેરીમાં લાંબા સમયથી મનમાની પૂર્વક, ગેર બંધારણીય અને બિન લોકશાહી રીતે વહિવટ ચાલી રહ્યું છે. આવા તદન ગેર બંધારણીય અને બિન લોકશાહી વહીવટથી કચ્છના માલધારીઓને અન્યાય થઈ રહ્યો છે. સરહદ ડેરીમાં અનેક મુદે ગેરરીતિ ચાલી રહી છે.

જેવા કે 322 મંડળીઓ સૂચિત તરીકે કાર્યરત છે. 2011-12 થી કાર્યરત આવી સૂચિત મંડળીઓને રજીસ્ટર્ડ કરવામાં આવતી નથી. રજિસ્ટર્ડ કરવામાં વ્હાલા-દવાલાની નીતિ અપનાવાય છે. કારણ કે વધુ મંડળીઓ રજીસ્ટર્ડ થાય તો ચેરમેનની ખૂરશી માટે ખતરો ઉભો થાય છે. રજિસ્ટર્ડ થયેલી મંડળીઓમાં પણ પેટા નિયમ મુજબ અનુ. જાતિ અને મહિલાનો સમાવેશ કરવામાં આવતો નથી જે ગેર બંધારણીય છે. આ મંડળીઓમાં હોદેદારોની નવેસરથી નિમણૂંક કરી અનુ. જાતિના સભ્યો અને મહિલાઓનો સમાવેશ કરવા માંગ કરી છે. સરહદ ડેરીના ચેરમેન સતત બિનહરિફ ચૂંટાતા રહે છે. આ ચૂંટણી ચૂપચાપ પુર્ણ કરી દેવામાં આવે છે. ગત ચૂંટણીમાં 74 માંથી 26 મંડળીઓએ જ મતદાન કર્યું હતું. ત્યારે 48 મંડળીઓને મતદાન કરવા કેમ ન મળ્યું ? તે તપાસનો વિષય છે. તેમજ કોંગ્રેસ પ્રેરિત ગામોમાં પશુપાલકોને ચૂંટણીની જાણ પણ કરવામાં આવતી નથી. સરહદ ડેરી માલધારીઓની સંસ્થા હોવા છતાં ડાયરેકટર પદે માલધારીઓને પ્રતિનિધિત્વ આપવાને બદલે પોતાના મળતીઓને ડાયરેકટર બનાવાય છે. માલધારીઓને પશુલોન લેવા સરહદ ડેરીના શરણમાં જાવું પડે છે. જેથી સરહદ ડેરીના મળતીયાઓને લોન મળે છે અને સાચો માલધારી દેવા તળે દબાઇ જાય છે. આ મુદે પણ પારદર્શકતા જળવાતી નથી. સમગ્ર કચ્છમાંથી હજારો લીટર દૂધ એકત્ર કરતી ડેરીએ આજ દિવસ સુધી ભેળસેળનો કેસ પકડેલ નથી. જયારે અન્ય જિલ્લાઓ કેમકલ યુક્ત દૂધ પકડાયાના કિસ્સા બહાર આવ્યા છે. સરહદ ડેરી ભેળસેળના કિસ્સાઓમાં ફોજદારી કરવાને બદલે માફીનામાથી સંતોષ માનવામાં આવે છે, જેથી દૂધમાં કેમીકલ ભેળસેળની શક્યતા વધી જાય છે. પશુપાલકોને ચુકવણું રોકડમાં કરવામાં આવે છે. ડેરી તરફથી મળતા લાભો જેમ કે પશુલોન, વાર્ષિક બોનસ વગેરે મંડળીના હોદેદારો દ્વારા માલધારીઓને અપાતા નથી. જેથી દરેક માલધારીનું એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. જેથી ભ્રષ્ટાચાર ન થાય.

આ તમામ મુદાઓને માલધારીઓના હિતમાં લઇ વહીવટી તંત્ર સરહદ ડેરી સામે યોગ્ય પગલા લે તેવી માંગ કરાઈ છે. જો યોગ નહીં થાય તો સમગ્ર કચ્છના માલધારીઓને સાથે રાખી મોટું જન આંદોલન કરવાની ચીમકી રફીક મારાએ ઉચ્ચારી છે.

Get real time updates directly on you device, subscribe now.