ભગવા-લીલા ધ્વજથી ઉપર ઉઠયો તિરંગો, હમીરસર કિનારે દેશભક્તિની લહેર

1,868

ભુજ : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે આતંકી સંગઠન જૈશે મોહંમદ દ્વારા કરાયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.આક્રોશની લહેર સરહદી કચ્છ જિલ્લામાં ચરમસીમાએ પહોંચી ગઈ છે.આજે જીલ્લામથક ભુજમાં શહેરીજનોએ સ્વંભૂ જડબેસલાક બંધ પાડીને દેશભક્તિનો પરચો બતાવ્યો હતો.આજે મંગલમ ચાર રસ્તા, સંસ્કાર નગર, ભાનુશાલી નગર, બેન્કર્સ કોલોની, સ્ટેશન રોડ, હોસ્પિટલ રોડ, મહાદેવ નાકું, પાટવાડી ગેટ, સંજોગ નગર સહિત સમગ્ર શહેરમાં દિવસભર સન્નાટો છવાયેલો રહ્યો હતો અને લોકોમાં આતંકવાદ અને તેને પોષતા પાકિસ્તાન વિરૂધ્ધ લોક જુવાળ જોવા મળ્યો હતો.આજે ભુજની સંખ્યાબંધ સામાજીક અને વેપારી સંસ્થાઓ બંધમાં જોડાઈ હતી.આજે દેશદાઝ અને દેશભક્તિના દ્રશ્યો ભુજમાં ઠેર ઠેર જોવા મળ્યા.સવારે ભુજ ચેમ્બર ઓફ કોમર્સના નેજા તળે નિકળેલી રેલી હમીરસર પાસે પહોંચતા જ પાકિસ્તાન મુર્દાબાદ અને વંદે માતરમના સૂત્રોચ્ચાર સાથે વાતાવરણમાં જોશ અને જુસ્સો ફરી વળ્યો હતો.

તો દિવસભર વિવિધ સમાજો અને સંસ્થાઓએ શહીદો માટે શ્રધ્ધાંજલિ કાર્યક્રમો યોજયા હતા.સાંજે હમીરસર કિનારે આજે તમામ સમાજના લોકોનો તિરંગા સાથે સંગમ થયો હતો.હમીરસર કિનારે વંદે માતરમ અને ભારત માતા કી જયનો પોકાર એક સંસ્થાની મહિલાઓ કરી રહી હતી, ત્યારે જ મુસ્લિમ સમાજની રેલી પણ હિન્દુસ્તાન ઝિન્દાબાદના સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી.ગાંધીજીની પ્રતિમા પાસે શહીદો માટે પ્રાર્થના થઈ, અને પ્રાર્થના પૂર્ણ થયા બાદ દુઆ ગુજારવામાં આવી.જનમેદની હાથમાં તિરંગો ફરકાવી રહી હતી.ક્ષિતિજ પર નજર પડતા જ તિરંગા ઉપરાંત ઐતિહાસિક ગઢ પર ભગવો અને લીલો ધ્વજ પણ ફરકતા હતા…પણ આજે વાતાવરણમાં તિરંગાની ચમક ભગવા અને લીલા રંગના ઝંડાની ઉંચાઈને આંબતી હોય તેવો અહેસાસ થયો…પુલવામાના ૪૦ શહીદોની યાદમાં ઐતિહાસિક હમીરસરનો કિનારો ઐતિહાસિક દ્રશ્યો અને દેશભક્તિનો ઘૂઘવતો સમુદ્ર બની ગયો છે.માતૃભૂમિ પ્રત્યે બલિદાનની ભાવના દર્શાવતા કાર્યક્રમોનો સિલસિલો કચ્છભરમાં જારી છે.

Get real time updates directly on you device, subscribe now.