વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ હિજરત કરનાર સુખપરના પટેલ પરિવારની કલેકટરને ન્યાય માટે રજૂઆત

623

ભુજ : શહેરમાં સતનામ ટાયર્સના નામે વ્યવસાય ચલાવતા અને વ્યાજખોરોના ત્રાસથી અમદાવાદ હિજરત કરનાર સુખપરના હસમુખ ગાભુભાઇ પટેલે આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. હસમુખભાઇ પટેલ તેમના પત્ની લક્ષ્મીબેન, જેઓ હાલ અમદાવાદ રહે છે અને તેમના ભાઈ ભરતભાઇ અને તેમના પત્ની તારાબેન જેઓ સુખપર રહે છે. આ ચાર જણાના નામથી કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ભુજના વ્યાજખોરોએ તેમને વ્યાજના ચુંગલમાં ફસાવી અને તેમની મિલકત પચાવી જવાનો ષડયંત્ર રચી અને અમદાવાદ હિજરત કરવા મજબુર કર્યા છે. જેમાં ભુજના મહેશ ગંગારામ ઠક્કર જેઓ આશિષ ટાયર્સ અને અભય પેટ્રોલ પંપ ચલાવે છે અને એડવોકેટ અમિત અશ્વિન ઠકકર આ બંને મામા ભાણેજ પાસેથી ટાયર તેમજ ધંધાકીય લેવડ દેવડ કરતા હતા. આ મામા ભાણેજે નાણા ધીરી તેની ઉપર ઉંચો વ્યાજદર લઈ તેમજ તેઓને વિશ્વાસમાં લઇ સિક્યોરીટી પેટે કોરા ચેક લીધા હતા. આ મામા ભાણેજે ચેકોનો દુરુપયોગ કરી અને ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં કસુરવાર સાબિત થતા 276000 રૂ. ભરવાના હતા તેથી વધુ રકમ 400000 રૂ. આ મામા ભાણેજને ભરેલ અને વધુમાં 124000 રૂ. વ્યાજ ચુકવેલ છતાં પણ આ લોકોએ આર્થિક તેમજ માનસિક રીતે હેરાન કરી તેઓને ભુજ છોડવા મજબૂર કર્યા હોવાનું જણાવ્યું છે. રજૂઆત કરનારે આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ મામા ભાણેજના ચુંગલમાં અન્ય લોકો પણ ફસાયેલા છે. તેમજ આ બાબતે અન્ય નામો પણ સમય આવશે ત્યારે જાહેર કરવાનું જણાવ્યું છે. રજૂઆતમાં આ તમામ બાબતે યોગ્ય ન્યાય અપાવવા કલેકટર સમક્ષ માંગ કરી છે.

Get real time updates directly on you device, subscribe now.