વિવિધ માંગો સાથે એકલનારી શક્તિ મંચનું પોસ્ટ કાર્ડ ઝુંબેશ

483

એકલનારી શક્તિ મંચ ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં એકલ મહિલાઓ (વિધવા, ત્યકતા, છૂટાછેડા થયેલ મહિલા, અવિવાહિત, મહિલાઓ સાથે કાર્યરત છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી એ વાત ને પ્રમાણિત કરે છે કે દેશમાં એકલ મહિલાઓની સંખ્યા તેજી થી વધી રહી છે. છેલ્લા એક દશકમાં એકલ મહિલાઓની સંખ્યામાં ૩૯% સુધીનો વધારો થયો છે. આ એકલ મહીલાઓમાં વિધવા, ત્યકતા, છુટા છેડા વાળી મહિલા, અને અવિવાહિત મહિલાઓનો સમાવેશ થાય છે. ૨૦૦૧ ની ૫૧.૨ મિલિયન ની તુલનામાં આજે એકલ મહિલાઓની સંખ્યા ૭૧.૪ મિલિયન સુધી પહોચી ગઈ છે. વસ્તી ગણતરી પ્રમાણે ૨૫ થી ૨૯ વર્ષ સુધીની ઉમર ની એકલ મહિલાઓ ની સંખ્યામાં સૌથી વધારે ૬૮ %નો વધારો જોવા મળ્યો છે. જયારે ૨૦ થી ૨૪ વર્ષ સુધીની એકલમહિલાઓ ની સંખ્યા ૬૦ % વધી છે. એકલ મહિલાઓની સંખ્યામાં આ વધારો લગ્ન ને લઈને જે ધારણાઓ છે એ બદલાઈ રહી છે એ સૂચિત કરે છે. છતાં પણ હજુ પણ આપણા દેશમાં વિધવાઓની સંખ્યા વધુ છે અને ગ્રામીણ ક્ષેત્રોમાં એ લગભગ ૨૯.૨ મિલિયન છે. જયારે અવિવાહિત મહિલાઓની સંખ્યા ત્યાં ૧૩.૨ મિલિયન ની આજુબાજુ છે. આવી જ રીતે શહેરી ક્ષેત્રોમાં વિધવાઓની સંખ્યા ૧૩.૨ મિલીયન જયારે અવિવાહિત મહિલાઓની સંખ્યા લગભગ ૧૨.૩ મિલિયન છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત માં ૧૧ લાખથી વધુ એકલ મહિલાઓ છે જે કુલ મહિલા સંખ્યા ના ૮% છે. ૨૩ જુન વિશ્વમાં અંતરરાષ્ટ્રીય વિડો ડે તરીકે ઉજવવામાં આવે છે. એકલનારી શક્તિ મંચ દ્વારા ગુજરાત ની વિધવા મહિલાઓની સમસ્યાઓને લઈને પોસ્ટકાર્ડ ના માધ્યમથી પ્રધાનમંત્રીને મન ની વાત કરી રહી છે. એકલનારી શક્તિ મંચ ગુજરાત, રાષ્ટ્રીય એકલનારી મંચ સાથે જોડાયેલ એક મંચ છે, રાષ્ટ્રીય એકલનારી મંચ દ્વારા ભારતના વિભિન્ન રાજ્યોની એકલ મહિલાઓ દ્વારા ૨૩ જુન અંતરરાષ્ટ્રીય વિડો ડે નિમિત્તે ૧૦૦૦૦ પોસ્ટકાર્ડ દ્વારા એકલ મહિલાઓએ પોતાના મન ની વાત પ્રધાન મંત્રીને કરી જેમાં પોતાની સમસ્યાઓ નું વર્ણન કર્યું. ગુજરાત એકલ નારી શક્તિ મંચે પણ રાષ્ટ્રીય સ્તર ના અભિયાન ભાગરૂપે ગુજરાત માંથી ૧૦૦૦ થી વધુ પોસ્ટ કાર્ડ દ્વારા પોતાના મન ની વાત પ્રધાનમંત્રીને કરી અને હજુ પણ જુદા જુદા ગામની એકલ મહિલાઓ પોસ્ટ કાર્ડ લખી રહી છે. જેમાં નીચેની મુખ્ય સમસ્યાઓનો સમાવેશ કરેલ.

• વિધવા મહિલા સિવાય ની અન્ય કેટેગરીની મહિલાઓને પણ સરકારી યોજનાનો લાભ મળે.
• એકલ મહિલાઓને મળતા પેન્શન માં મોંઘવારીને ધ્યાનમાં રાખતા વધારો કરવામાં આવે
• ૨૧ વર્ષનો પુત્ર થયા બાદ એકલ મહિલાને મળતું પેન્શન બંધ થઇ જાય છે જે નિયમ હટાવી જરૂરિયાત મંદ એકલ મહિલાઓને આજીવન પેન્શન મળવું જોઈએ
• પેન્શન ની રાશી નિયમિત એકલ મહિલાના ખાતામાં જમા થવી જોઈએ
• રાષ્ટ્રીય સ્તર પર પેન્શન ની રકમ અને તેને મેળવવા માટેની કાર્યવાહી એક સરખી હોવી જોઈએ
• ઘર વિહોણી એકલ મહિલાઓને પ્રાથમિકતા ના ધોરણે નવી યોજના બનાવી ઘર મળવા જોઈએ
• એકલ મહિલાઓણે પ્રતાડિત કરતી કુપ્રથાઓ જેવીકે ડાકણ પ્રથા માટે રાષ્ટ્રીય સ્તર પર કડક કાનુન બનાવવા માં આવે
• પતિના અવસાન બાદ તુરંત સીધી લીટીના વારસદાર તરીકે વિધવા મહિલાની જમીન અને સંપતિમા વારસા હક મળી જવો જોઈએ.
• દરેક કેટેગરીની મહિલાઓણે ધ્યાનમાં રાખી એક રાષ્ટ્રીય સ્તર પર નીતિ બનવી જોઈએ.

ઉપરોક્ત જણાવેલ વિવિધ માંગો સાથે ગુજરાત ની ૧૦૦૦ થી વધુ મહિલાઓએ ૨૩ જુન વિડો ડે થી શરુ કરી અત્યાર સુધીમાં ૧૦૦૦ પોસ્ટ કાર્ડ લખી ચુકી છે અને હજુ પણ પોસ્ટ કાર્ડ લખવાની પ્રક્રિયા ચાલી રહી છે. આશા છે કે પ્રધાનમંત્રી ગુજરાતની અને ભારતની એકલ મહિલાઓના પ્રશ્નોને સાંભળશે અને તેના માટે ઘટતી કાર્યવાહી કરશે તેવું એકલ નારી શક્તિ મંચના હંસાબેન રાઠોડની યાદીમાં જણાવાયું છે.

Get real time updates directly on you device, subscribe now.